બોડી શેમિંગઃ શેઇમ..શેઇમ કેમ..?

‘અરે, મમ્મી જવા દેને એની વાત, તેં જોઈ એ કેટલી બધી પાતળી હતી? જો જરાક વધારે હવા આવેને તો..તો એ ઉડી જ જાય.’ આટલું બોલી અમિત હસવા લાગ્યો. એની માતા કુમુદીનીબહેને કહ્યું, ‘બેટા જીવનસાથીની પસંદગી એના શરીરના દેખાવ પરથી નહીં. મન જોઈને કરાય.’ માતાની વાત વચ્ચેથી જ કાપતાં અમિત બોલ્યો, ‘પણ મમ્મી, આવી પાતળી છોકરીને હું મારી સાથે લઈને જાઉં તો મારા મિત્રો મારી મજાક ઉડાવે.’

‘પણ એ બધી રીતે સરસ છે, શરીરનું તો શું..આજે પાતળી છે તો કાલે જાડી થઈ જશે.. ‘ દીકરાને સમજાવવાનો માતાએ ફરી નાહક પ્રયાસ કર્યો.

અમિતનું તો ફક્ત એક ઉદાહરણ છે. બાકી એનાથી ખ્યાલ આવે છે કે આપણે ત્યાં મહિલાને, ખાસ કરીને પરણવાલાયક યુવતીને એના દેખાવથી કઇ રીતે જજ કરવામાં આવે છે. કહેવાતા ભદ્ધ સમાજમાં મહિલાને વારંવાર એના દેખાવને લઈને ટીકાઓનો સામનો કરવો પડે છે એ નવું નથી. પ્રેગ્નન્સી પછી ફરી પહેલાની જેમ જ દેખાવા માટે સમાજનું આડકતરું દબાણ મહિલા પર થતું રહે છે. વર્કપ્લેસ પર પણ એ તો ફેટી છે, યાર એનો રંગ જોયો? અંધારામાં મળે તો જોવાય જ નહીં, એ તો કેટલી ઠીંગણી છે. અરે, એનામાં તો સહેજ પણ કોન્ફીડન્સ જ નથી, એ તો એટલી ઉંચી છે કે ઓફિસમાં સીડીની જરૂર જ ન પડે…. આવી તો કેટકેટલી ટીકાઓનો મહિલાઓ રોજ સામનો કરે છે.

સવાલ એ છે કે શું સુંદર દેખાતી મહિલા જ પરફેક્ટ હોઈ શકે..? ઘર હોય કે વર્કપ્લેસ, સમાજ હોય કે પરિવાર, દરેક જગ્યાએ મહિલાને બોડી શેમિંગનો શિકાર કેમ બનાવવામાં આવે છે?

એવું નથી કે સમાજ માત્ર સામાન્ય મહિલાઓને જ ટ્રોલ કરે છે કે ટોણા મારે છે. રૂપેરી પરદા પર દેખાતી ખૂબસૂરત અભિનેત્રીઓને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. જે સેલેબ્સ પોતાના કરતાં એમના ચાહકોની નજર પ્રમાણે એનું જીવન જીવે છે, એમને ઘણીવાર કોઈને કોઈ મુદ્દે ટ્રોલ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પછી એ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય હોય કે પછી રાધિકા આપ્ટે, ઇલિયાના ડિક્રુઝ કે પછી નેહા ધુપિયા હોય ક્યારેક ને ક્યારેક આ અને આના જેવી અનેક અભિનેત્રીઓ બોડી શેમિંગને લઇને વિવાદમાં આવી છે.

 મહિલા વસ્તુ નથી કે એને જજ કરવામાં આવે

બોડી શેમિંગ એ સાવ બકવાસ વાત છે. કોઈ પણ મહિલાને એના શરીરના રંગ,રૂપ કે કદને લઈને જજ ન કરી શકો. એમ કહેતા કલોલના ગૃહિણી મોનિકા એસ. બારોટ ચિત્રલેખા.કોમને કહે છે, ‘ઘણી મહિલાઓનો બાંધો પહેલેથી જ એક સરખો હોય છે. એટલે કે એ ફેટી હોય તો કાયમ ફેટી જ રહે અને ઘણી મહિલાઓ પાતળી હોય તો એ પ્રમાણે જ રહે છે. મોટાભાગની મહિલાઓના શરીરમાં પ્રેગ્નેન્સી પછી અનેક બદલાવ આવતા હોય છે. એનો અર્થ એ નથી કે એના ફિગરને લઈને કોઈ પણ વ્યક્તિ ગમે એવી કોમેન્ટ કરે. દેખાવ બદલાતો રહે પરંતુ મન કાયમ એક સમાન હોય છે. મહિલાઓને જો ખરેખર જજ કરવી હોય તો એના મનને જોઈને કરો. અને મહિલાઓ કોઈ વસ્તુ નથી કે એને જજ કરવામાં આવે. કાળી, ધોળી, ઉંચી, નીચી, જાડી, પાતળી આ બધું કહીને જજમેન્ટ પાસ કરતા લોકો હકીકતમાં પોતાની માતાનું અપમાન કરે છે. કારણ કે દરેક મહિલા કોકની માતા, બહેન અને દીકરી હોય છે.

સ્વનિર્ભર,કોન્ફિડેન્ટ અને સેલ્ફ લવ- આ મંત્રો દરેક સ્ત્રીએ ગ્રહણ કરવા જોઈએ

નડિયાદના ડો.નફીસા ગુગરમાન ચિત્રલેખા.કોમને કહે છેઃ ‘બોડીશેમિંગ એ કેવું રૂપકડું નામ આપ્યું છે. હકીકતમાં તો હૃદય ભંગ સુવાક્યો, સંવેદનાહીન વક્તબાણો, આવા નામ આપવા જોઈએ  હું એક ડોક્ટર છું અને સ્ત્રી છું. કેટકેટલાય દર્દી આવે છે મારી પાસે. કહે છે બેન “બ્રેસ્ટ એન્હાબ્સર “ લખી આપોને, તો કોઈ કહે છે બેન “સુડોળ ફિગર “ માટે કંઈક લખી આપોને. અને શ્યામવર્ણી યુવતિઓને તો માનસિક ત્રાસ અપાય છે. ફક્ત જાડી પાતળી કાળી ઊંચી લાંબી નહીં, લોકોને  કેટકેટલાય  અંગ વાંકા જણાય છે. હું તો એટલું જ કહીશ કે સ્વનિર્ભર, કોન્ફિડેન્ડ્ટ અને સેલ્ફ લવ  આ ત્રણ મંત્રો દરેક સ્ત્રીએ ગ્રહણ કરી લેવા જોઈએ. કોઈ શું કહે છે, કેમ કહે છે એ બધી માથાકુટમાં પડ્યા વગર મન કહે એ કરો અને એ રીતે જ રહો.’

 

પોતાનું રિમોટ કંટ્રોલ પોતાની પાસે રાખો 

અમદાવાદના જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ જલ્પન પંકજ લાલા ચિત્રલેખા.કોમને કહે છેઃ ‘હું થોડી શ્યામવર્ણી છું માટે મારી જ વાત કરું તો બાળપણથી જ મારી સાથે જજમેન્ટ થતા જ આવ્યા છે. વર્ણને લઈને મારે અનેક રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો છે. મેરેજમાં પણ પ્રોબ્લેમ થયા, લગ્ન પછી ઘરે આવી ત્યારે પણ બધા મને જજ કરતા કે આ લોકો તો કાળી વહુ લઇ આવ્યા છે. પરંતુ એ સમયે મારા પરિવારે ખૂબ સહકાર આપ્યો હતો. વાત આટલેથી અટકતી નથી મારે બે બાળકો છે. સેકેન્ડ પ્રેગનન્સી પછી મારુ બોડી ઘણું વધી ગયું ત્યારે જનરલી મને જોઈને બધા ફેસ બનાવતા. જોકે મે વજન ઉર્તાયુ, પણ એ લોકોના કહેવાથી નહીં, આરોગ્યને ધ્યાનમાં લઈને. આપણે જાડા થઈએ અને બીજા કહે અને શરીર ઉતારીએ એ ખોટું છે.  આપણે આપણા માપદંડો બાંધવા જોઈએ. કોઈ આપણા રંગ,રૂપ કદ, બોડીને લઈને શું કહે છે એ ન વિચારવું જોઈએ. તમારું રિમોટ કંટ્રોલ તમારા પાસે રાખો.’

રિસર્ચ કહે છે..

Gitnux (ગિટનક્સ) સંસ્થા દ્ધારા તાજેતરમાં જ મહિલાઓને લઇને બોડી શેમિંગનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એ દર્શાવે છે કે ભારતમાં 90 ટકા મહિલાઓ એમના શરીરને લઇને અસંતોષ અનુભવે છે. 70 ટકા મહિલાએ જણાવ્યું કે બોડી શેમિંગને કારણે એ ડિપ્રેશનનો શિકાર બની છે. 40 ટકા મહિલાઓ એવી છે, જેમના શરીરને લઈને એમના પરિવારજનો જ કોમેન્ટ કરતા હતા. 35 ટકા મહિલાઓ વર્કપ્લેસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બોડી શેમિંગનો સામનો કરી રહી છે. જ્યારે 50 ટકા મહિલા સોશિયલ મીડિયા પર બોડી શેમિંગનો સામનો કર્યો. 25 ટકા મહિલા બોડી શેમિંગને કારણે એમના ડોક્ટર કે હેલ્થકેર પ્રોફેશનલ્સને મળવાનું ટાળ્યું જ્યારે 20 ટકા મહિલાઓ બોડી શેમિંગના ડરથી કારણે જાહેર સમારોહમાં જવાનું પસંદ નથી કરતી. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓ પોતાના બોડી શેમિંગને લઈને કેટલુ બધું સહન કરવુ પડે છે.

હેતલ રાવ