છૂટાછેડા માટે ફક્ત મહિલા જ દોષી કેમ?

– પણ પપ્પા એમાં મારો શું વાંક? મેં સાગર સાથે પ્રેમ કર્યો, એની સાથે લગ્ન કર્યા, એના બાળકની માતા બની, પણ હવે એ મારી સાથે જ રહેવા નથી માંગતો તો હું શું કરું? અરવિંદભાઈના ગુસ્સા સામે લાચાર બનેલી દીકરી બંસરીએ રડમસ અવાજે કહ્યું.

હું જાણતો જ હતો કે એ તારા માટે યોગ્ય નથી એટલા માટે જ મેં એની સાથે લગ્ન કરવાની ના કહી હતી તને.

પણ પપ્પા…

– ચૂપ થા! મારે તારી કોઈ વાત નથી સાંભળવી. એ તો સાગર આપણી જ્ઞાતિનો હતો એટલે મેં તને ઘરે પરત આવવાની છૂટ પણ આપી. તારા દીકરાને ઉછેરવામાં મદદ પણ કરી, પરંતુ હવે બસ. આમ છૂટાછેડા લઈને તું મારા ઘરે નહીં રહી શકે.

અરવિંદભાઇનો જવાબ સાંભળીને દીકરી બંસરીએ દયામણી આંખે માતા કવિતાબહેન સામે જોયું, પણ એ પતિને સાથ આપતા બોલ્યા કે, દીકરી, તારી લાગણી થાય એ વાત જુદી છે, પણ આમ તુ ઘર ભાંગીને આવે એ ખોટું. સહન તો સ્ત્રીએ જ કરવાનું હોય. ઘર સાચવવા બધું જ જતું કરવું પડે, સમજી? અને તું અહીં આવીને રહીશ તો મહેકનું શું થશે? એના સંસારમાં પણ આગ લાગશે. એને પણ મ્હેણાં સાંભળવા પડશે કે તારી બહેનના છૂટાછેડા થઈ ગયા છે. સમાજમાં અમારી પણ આબરૂ જશે….

બંસરી સાંભળી રહી. હાથમાં ત્રણ મહિનાનો દીકરો. સાગરે તો ડિવોર્સના પેપર એના મોં પર મારીને જાકારો આપ્યો હતો. હવે એ ક્યાં જાય? શું કરે?

માત્ર બંસરી જ જાણતી હતી કે ઘર સાચવવા તેણે કેટલા પ્રયાસ કર્યા હતા. સાગર ગમે ત્યારે હાથ ઉપાડતો, વ્યસન કરતો, ઘર ચલાવવા પૈસા પણ ન આપે. સાસુ, સસરા પણ એને હેરાન કરવામાં કઈ કચાશ ન રાખતા. છતાં, બંસરી એમ જ માનતી કે મેં સાગરને પ્રેમ કર્યો છે. એનાથી વળી છુટા પડવાનો વિચાર જ કેવી રીતે કરાય? પણ હવે સાગર જ એની સાથે રહેવા નહોતો ઇચ્છતો, તો પછી એ પોતાનું ઘર બચાવે કેવી રીતે?

છેવટે ઘણું સમજાવ્યા પછી પિતાએ અમુક શરતો પર બંસરીને પોતાના ઘરમાં રહેવાની છૂટ આપી. આ વાતને ઘણો સમય થઇ ગયો હોવા છતાં આજે પણ બંસરીને બધાના મ્હેણાં-ટોણાં સાંભળવા પડે છે. ઘરનું કામ કરે, સાથે નોકરી પણ કરે તોય પોતાના જ ઘરમાં બિચારી થઇને રહેવાનો સમય આવ્યો. કોઈ સમજવા તૈયાર જ નથી કે છૂટાછેડા થયા એમાં બંસરીનો કોઈ વાંક નથી.

સવાલ એ છે કે, સંબંધ સાચવવાના દરેક પ્રયાસ પછી પણ જયારે મહિલા છેલ્લે છૂટાછેડાનો નિર્ણય લે છે ત્યારે ફક્ત સ્ત્રીને જ કેમ દોષિત મનાય છે? સમાજમાં આજેય એ માન્યતા છે કે લગ્ન તૂટે તો એના માટે જવાબદાર સ્ત્રી જ હોય છે.

કેટલું યોગ્ય છે આ?

મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સંબંધને પૂર્ણ કરવો એ વધુ યોગ્ય

છૂટાછેડાની વાત આવે ત્યારે આજેય સ્ત્રી પર સમાજનું દોષારોપણ વધુ હોય છે, પરંતુ સંબંધો જાળવવામાં ‘કોમ્પ્રોમાઈઝ’ની પણ એક મર્યાદા હોવી જોઈએ. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના ડો. કૃપા વૈદ્ય કહે છે કે, “પરિવાર ટકાવી રાખવો એ પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ જ્યાં રોજના ઝઘડા, તણાવ અને અપમાનએ દૈનિક ચક્ર બની જાય, ત્યાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સંબંધને પૂર્ણ કરવો એ વધુ યોગ્ય હોય છે. સ્ત્રી જ્યારે છૂટા પડવાનો નિર્ણય લે છે ત્યારે એનો મતલબ એ નથી કે એ સંબંધથી ભાગી રહી છે, પરંતુ એ પોતાને અને ક્યારેક પોતાના બાળકોને વધુ સારું જીવન આપવા માટે આ પગલું ભરે છે. બાળક માટે માતા અને પિતા બંને મહત્વપૂર્ણ છે. માટે સ્ત્રીએ ઘણીવાર અંતિમ સુધી કોશિશ કરે છે. પરંતુ જ્યારે પતિ તરફથી સપોર્ટ ન મળે, પોતાનું અસ્તિત્વ અને આત્મસન્માન ખોવાઈ જાય, ત્યારે છૂટાછેડા એ છેલ્લો વિકલ્પ બની શકે છે.”

લગ્ન બચાવવા જેટલા પ્રયાસ સ્ત્રી કરે છે એટલા પુરુષ નથી કરતો

કોઈપણ લગ્ન તૂટે એ માટે માત્ર સ્ત્રીને જ જવાબદાર માનવું યોગ્ય નથી. અનેક વખત એવું જોવા મળે છે કે લગ્ન બચાવવા જેટલો પ્રયાસ સ્ત્રી કરે છે, એટલો પુરુષ નથી કરતો. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અંકલેશ્વરના મહિલા ઉદ્યોગ સાહસિક  દિપ્તી જોશી કહે છે કે, “આજે પણ અનેક સ્ત્રીઓ તૂટેલા કે તણાવભર્યા લગ્નમાં જીવી રહી છે. સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે, માતા-પિતાની ઇજ્જત માટે અને જો સંતાન હોય તો એમના ભવિષ્યના ભયના લીધે. પરિણામે એ મેન્ટલી તૂટી જાય છે. જ્યારે સંબંધ સાચવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે ત્યારે એ તણાવથી મુક્ત થવા અને પોતાની જાત સાથે પ્રામાણિક રહેવા માટે છૂટાછેડો જેવા કઠિન નિર્ણય તરફ આગળ વધે છે. એટલે સમાજે દરેક છૂટાછેડાની જવાબદારી સ્ત્રી પર જ નાખવી જોઈએ નહીં. જેમ લગ્ન માટે બંને જવાબદાર હોય છે એમ છૂટાછેડા માટે પણ બંનેની સમાન જવાબદારી ગણવી જોઈએ.”

તૂટેલો સંબંધ બંનેની ભૂલોનું પરિણામ હોય છે

લગ્ન એ એક એવો બંધ છે, જ્યાં બે વ્યક્તિઓ માત્ર સામાજિક બંધનમાં નહીં, પરંતુ લાગણીઓ, જવાબદારીઓ અને પરસ્પર સમજદારીના ધોરણે જોડાય છે. માટે જ્યારે આવું કોઈ બંધન તૂટે છે, ત્યારે એના માટે માત્ર એક પક્ષને દોષી ઠેરવવો એ સંબંધના મૂળ અર્થને અવગણવા સમાન છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા તિક્ષીતા પટેલ કહે છે કે, “છૂટાછેડા એ એક અંતિમ નિર્ણય હોય છે, જે ઘણીવાર લાંબા સમયથી ચાલતી આંતરિક તકલીફો, નિષ્ફળ સંવાદ, સંવેદનશૂન્ય વર્તન અને બંને પક્ષોની ભૂલોથી ઊભો થાય છે. ઘણીવાર પતિ અને પત્ની બંને પોતાની રીતે સાચવવાનો પ્રયાસ કરે છે. તો ક્યારેક કોઈ એક પક્ષમાં એવી ઉણપ રહે છે, જે સંબંધને ધીમે ધીમે તોડે છે. પણ સમાજ માત્ર સ્ત્રીને જ દોષી ઠેરવે છે. હકીકતમાં, જો લગ્ન બંનેની સમજદારીથી બને છે, તો એના તૂટવા પાછળની જવાબદારી પણ બંનેએ સહભાગી રીતે વહેંચવી જોઈએ.”

હેતલ રાવ