આ ઐતિહાસિક મિનારા કેમ ઝુલે છે?

એક મિનારાને  હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના આ મિનારા હેરિટેજ સિટીનું મુખ્ય આકર્ષણ છે. ઈ. સ. 1445 ના સમયગાળામાં બનેલી રાજપુર ગોમતીપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં આ મિનારા આવેલા છે.

અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી બીબીની મસ્જિદના ત્રણ કમાનદ્વારવાળા મુખ્ય મુખભાગ પર વચ્ચેની કમાનની બંને તરફ એક એક એમ બે મિનાર આવેલા છે. તેમાંથી એક વીજળી પડવાથી ખંડિત થયો હોવાથી છતની ઊંચાઈ જેટલો જ હયાત છે. એક લોકવાયકા પ્રમાણે અંગ્રેજોએ ઝૂલતા મિનારાનું તકનીકી રહસ્ય જાણવા આ ખંડિત થયેલો મિનાર તોડાવ્યો હતો. અમદાવાદની મોટાભાગની મસ્જિદોમાં જેમ મિનારમાં સર્પાકાર નિસરણી નીચેથી જ શરૂ થાય છે તેમ આ મિનારમાં નથી. મિનાર પર પહોંચવા માટે મસ્જિદની છત સુધી દીવાલની જાડાઈમાં બનાવાયેલી નિસરણીનો ઉપયોગ કરવામાં આવે છે. એ પછી સર્પાકાર નિસરણીથી ઉપર ચઢાય છે. આ મસ્જિદના પાંચ સુંદર મહેરાબમાં હિંદુ સ્થાપત્યની ભાત જોવા મળે છે. એ ઉપરાંત મસ્જિદની ઉત્તર દિશામાં પ્રવેશમંડપ છે, જેના પરના ઘૂમટની કોતરણી ઉલ્લેખનીય છે.

એક જૂની માન્યતા પ્રમાણે અહમદશાહના વિશ્વાસુ ગુલામ સીદી બશીર દ્વારા સારંગપુર દરવાજા બહાર બનાવવામાં આવેલી તેના જ નામની મસ્જિદ હાલમાં હયાત નથી અને ત્યાં નવી મસ્જિદ બનાવાઈ છે. જોકે જૂની મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વારની બંને તરફના મિનારા તથા તેને જોડતો પુલ હયાત છે. ત્રણ માળના 21.34 મી. ઊંચા આ મિનારામાં દરેક માળે ફરતા ઝરૂખા છે.આ મિનારા મિયાં ખાન ચિસ્તીની મસ્જિદ જેવા આકર્ષક છે. આવા એક મિનારાને ઉપરના ઝરૂખે ઊભા રહી હાથથી ધક્કા આપી કંપન પેદા કરી શકાય છે અને તેમ કરવાથી બીજા ઝરૂખામાં પણ કંપન ઉદભવે છે.

વિવિધ નિષ્ણાતોએ આ કંપન માટેના વિવિધ કારણોની છણાવટ કરી છે; જેમાં પ્રમાણમાં પોચા તથા સ્થિતિસ્થાપક પથ્થરોથી બનાવવામાં આવતો પાયો, મિનાર વચ્ચે આવેલ સર્પાકાર નિસરણીથી ઉત્પન્ન થતી સ્પ્રિંગ જેવી અસર, મિનારની ઊંચાઈ તથા તેના તળ-આધારનો ગુણોત્તર, બંને મિનારાને જોડતા પુલની બાંધણી તથા બાંધકામમાં પથ્થરના સ્થિતિસ્થાપક સાંધા બનાવવાની વિશિષ્ટ રીતનો સમાવેશ થાય છે.

એમ કહેવાય છે કે અમદાવાદની જુમ્મા-મસ્જિદમાં પણ આવા ઝૂલતા મિનારા હતા. 1819ના ધરતીકંપમાં આ મિનારા પડી ગયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)