ઘરેલુ હિંસા સહન કરવી એ મહિલાની મરજી છે કે મજબૂરી ?

એક સપ્તાહ પહેલાં અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પત્નીથી ભૂલમાં શાકમાં વધારે મીઠું નંખાઈ ગયું. આ બાબતે પતિએ પત્નીને એટલી બધી મારી કે એ મરી જ ગઈ.

હા, આ બિલકુલ સત્ય હકીકત છે. પત્નીને આવા કારણસર મારી નાખવાની ઘટના કદાચ નવી હશે, પણ પતિ દ્વારા આચરાતી આવી હિંસા નવી વાત નથી. આવી રીતે તો કંઈ કેટલા વગર વાંક ગુનાએ મહિલાઓ પતિના હાથનો માર ખાતી હશે! વાત છે ઘરેલુ હિંસાની.

સવાલ એ થાય કે કોઈ સંબંધમાં પ્રેમની જગ્યા હિંસા લઈ લે તો મહિલા શા માટે સહન કરે છે, નજરઅંદાજ કરે છે, માફ કરે છે અને તે ચક્રવ્યૂહમાં કેમ ફસાયેલી રહે છે? ઘરેલુ હિંસા સહન કરવી એ મહિલાની મરજી છે કે મજબૂરી ?

એમ કહેવાય છે કે આજના યુગમાં પુરુષ-મહિલા સમોવડી છે છતા આજે પણ સમાજનો એક વરવો ચહેરો એવો પણ છે જ્યાં મહિલાઓ સતત ઘરેલુ હિંસા ભોગ બને છે. એક અંદાજ પ્રમાણે, ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે સરેરાશ 1 મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને છે.

*2024ના આંકડા જુન સુધીના છે.

વર્ષ 2023માં ગુજરાતમાંથી મહિલાઓ માટેની હેલ્પલાઈનને ૯૮૮૩૦ કોલ્સ આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં ૬૧ ટકા જ્યારે ૨૦૨૨ની સરખામણીએ ૨૨ ટકાનો વધારો થયો છે. 2024ના પ્રથમ છ મહિનાની વાત કરીએ તો રાજ્યમાં દર મહિને લગભગ 700 થી 800 કેસો નોંધાયા હતા. એટલે કે છ મહિનામાં સરેરાશ 4 હજાર કરતા વધારે ઘરેલુ હિંસાના આંકડા જોવા મળે છે. જે દર્શાવે છે કે, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, અને મહિલા સલામતી માટે વધુ પગલાં લેવાની જરૂર છે.

એક ઉદાહરણ જોઇએ. “લગ્નના 12 વર્ષ થયા પણ જીગ્નેશ માણસ ન બન્યો.” આ શબ્દો છે સંગીતાના (નામ બદલ્યું છે) સુરતના પોશ વિસ્તારમાં રહેતી સંગીતા ઉચ્ચ કંપનીમાં એચઆરના હોદ્દા પર કામ કરતી. સારો પગાર, બે સંતાનો, પતિ, લક્ઝરી લાઈફસ્ટાઈલ, પાર્ટી, વેકેશન, એન્જોય મેન્ટ કેટકેટલું હતું એની પાસે પણ બહારની દુનિયામાં. એની અંદર તો સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, “મારા પતિએ મને પહેલીવાર થપ્પડ મારી ત્યારે મેં મારી જાતને સમજાવી હતી કે તેઓ તણાવમાં છે, તે શાંત થઈ જશે. મને મારીને તરત જ મારા પગમાં પડીને માફી માંગવા લાગ્યા હતા.  મેં એમને માફ કરી દીધા હતા, મેં મારા માતા-પિતાને ત્યારે પણ હિંસા બાબતે કશું જણાવ્યું ન હતું.”

એ  કહે છે, ” હું એવું માનતી હતી કે અમારી વચ્ચે જે થઈ રહ્યું હતું એ મારાં માતા-પિતા જાણે છે એ વાતની ખબર મારા પતિને પડશે તો મને મારાં માતા-પિતાથી વધુ દૂર કરી દેશે, નારાજ થશે અને વધારે મારપીટ કરશે. લગ્નની શક્તિમાં ત્યારે મને બહુ વિશ્વાસ હતો. હું એ સમજતી ન હતી કે અમારાં લગ્નમાં પ્રેમ નહીં, પરંતુ ભય જ બચ્યો હતો. કોઈ સંબંધમાં એક વ્યક્તિ તમારા પર હાથ ઉઠાવે એનો અર્થ એ કે અણે તમારી ઇજ્જત કરવાનું છોડી દીધું છે. પહેલી થપ્પડ મારવામાં આવી ત્યારે જ હાથ પકડી લેવો જોઈતો હતો, પરંતુ આપણે સંબંધ નિભાવતા રહીએ છીએ, કારણ કે આપણે એ જ શીખ્યા છીએ. હું માનતી હતી કે હું બધું ઠીક કરી નાખીશ. પરંતુ એવુ ન બન્યું મારા પતિના મારના નિશાન રોજ હું મેકઅપ નિચે સંતાડતી. હવે મેં એને છોડી દીધો છે. એની માટે નફરત પણ નથી રહી, હું એને યાદ કરવા જ નથી માંગતી મારા બાળકો સાથે સુખી છું.”

મહિલા સહન કરશે તો એમના બાળકો પણ એવું જ શીખશે

અમદાવાદના જાણીતા પ્લેબેક સિંગર દેવાંશી શાહ ચિત્રલેખા.કોમને કહે છે,  હવે પરિવારમાં મહિલા અને પુરુષ બંને કામ કરે છે. મહિલાઓ તો ઘરમાં અને બહાર બંને જગ્યાએ કામ કરે છે, ઘણા કિસ્સામાં પતિ કરતા પણ ઘરનો વધારે ભાર મહિલા ઉપાડે છે.  હા, ઘર છે તો નાની મોટી રકઝક થાય એનું નિરાકરણ પણ આવે. પરંતુ પતિ જ્યારે હાથ ઉપાડે એ વાત કોઈપણ મહિલાઓ ક્યારેય સહન ન કરવી જોઈએ. જો મહિલા સહન કરશે તો એમના બાળકો પણ એવુ જ શીખશે. દીકરો હશે તો એમ સમજશે કે મારે પણ મોટા થઈને પપ્પાના જેમ જ કરવાનું અને દીકરી હોય તો એમ સમજી લેશે કે મારે મમ્મીની જેમ હંમેશા દબાઇને રહેવાનું.

 

શું કહે છે કાયદો

કાયદા વિશે વાત કરતા અમદાવાદની ક્રિમિનલ (ફોજદારી) કોર્ટના વકીલ પુષ્પા ચાવડા ચિત્રલેખા.કોમને કહે છે, ઘરેલુ હિંસાનો કાયદો 2005માં અસ્તિત્વમાં આવ્યો.આ કાયદો અમલમાં આવ્યો એ પહેલા પણ જો કોઈ હિંસા થઈ હોય એટલે કે ભૂતકાળમાં પણ ઘરેલું હિંસા બની હોય તો એને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. 125નો કાયદો હતો એ પત્ની, માતા અને પિતાને આવરી લેતો હતો પરંતુ હવે જે ડોમેસ્ટિક કાયદો છે એ દરેક સ્ત્રીને આવરી લે છે. એટલે કે સ્ત્રીની વ્યાખ્યા પહેલા માતા કે પત્ની પુરતી સિમિત હતી એમાં હવે તમામ સ્ત્રી આવી ગઈ એટલે કે પ્રેમ સંબંધ હોય અને એની સાથે રહ્યાં હોય એમને પણ  કાયદો લાગુ પડે છે. બીજું 125નો કાયદો જે હતો એ ભરણ પોષણને પોસતો હતો. પણ ડોમેસ્ટિકમાં સેક્શન 12માં મેજિસ્ટ્રેટને અરજી થાય અથવા તો પ્રોટેકશન ઓફિસરને અરજી થાય અને એ એનો અહેવાલ તૈયાર કરે.

જ્યારે સેક્શન 18માં રક્ષણાત્મક હુકમ કરી આપવામાં આવે છે. મહિલાને સાસરીમાંથી કાઢી મુકવામાં આવે તો સેક્શન 19 હેઠળ એને ઘરભાડું મળે અથવા વૈક્લ્પિક રહેવાની વ્યવસ્થા મળે આ જોગવાઈ હુકમ 125માં ન હતી. જ્યારે સ્ત્રી લગ્ન કરીને જાય એને સ્ત્રી ધન આપ્યું હોય અને પતિ કે એના કુટુંબ વાળા લઈ લે તો એ પાછો અપાવવા માટેનો હુકમ સેક્શન 19માં કરવામાં આવે છે. સેક્શન 20 નાણાકીય હુકમ આપે છે, 125ના કાયદાકીય હુકમ હતો એ રીતે જ એમાં પણ ભરણપોષણ આપવાનો હુકમ છે. કોઈ સ્ત્રીનું નાનું બાળક હોય એને સાસરી વાળા કે કોઈએ લઈ લીધું હોય ત્યારે સેક્શન 21 પ્રમાણે કસ્ટડી ઓર્ડર કરવામાં આવે છે. જેને સિવિલ કોર્ટની સત્તા પ્રાપ્ત થયેલી છે.

વધુમાં એ કહે છે જુના કાયદા પ્રમાણે તમને શારીરિક માનસિક ત્રાસ આપે તો એની વ્યાખ્યા એવી હતી કે માર્યુ હોવું જોઈએ અને તમે એની મેડિકલ ટ્રીટમેન્ટ લીધેલી હોવી જોઈએ. પરંતુ ડોમેસ્ટિકના કાયદામાં સેક્શન 22માં વળતળ હુકમ કરવામાં આવ્યો તો એમાં કહેવામાં આવ્યું છે કે કોઈ સ્ત્રીને ઘરમાં રોજ મહેણાં મારવામાં આવે કે એના શરીરને લઇને કોઈ પણ ટિપ્પણી કરવામાં આવે એ સ્ત્રીની લાગણીને ઠેસ પહોંચાડે છે. માટે એ ભાવનાત્મક હિંસા થઈ માટે એમાં પણ મહિલાને રક્ષણ મળે છે. ટુંકમાં 125 કરતાં ઘરેલુ હિંસાના કાયદામાં  સ્ત્રીની વ્યાખ્યા મોટી કરી છે.

125 હેઠળ ભરણપોષણ મળતું હોય અને આ કાયદા હેઠળ ભરણપોષણ જોઈએ તો કોર્ટ સંજોગોને હકીકતને ધ્યાનમાં રાખીને હુકમ કરી શકે છે એટલે પુરુષને બે જગ્યાએ ભરણ પોષણ આપવું પડે. ઘરેલુ હિંસાનો કાયદો કેન્દ્ર સરકારનો છે એટલે દેશના દરેક રાજ્યને લાગુ પડે છે.

પોતાનું જીવન જીવવાનો હક દરેક મહિલાને છે

અમદાવાદ નારી સંરક્ષણ ગૃહના નિવૃત સભ્ય અને ડીસન જન કલ્યાણ ફાઉન્ડેશનનના ટ્રસ્ટી નીતાબહેન પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે, પતિ હાથ ઉપાડે તો પત્નીએ સ્વબચાવ માટે કોઈ પણ પ્રકારના પગલા લેવા જોઈએ. જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ. હકીકતમાં તો મહિલા સમાજ, સગાસબંધી અને પરિવાર વિશે વિચારીને જ સહન કરે છે. એમને લાગે છે કે હું ફરિયાદ કરીશ તો મારા ઘરની આબરૂ જશે, કોઈ શું વિચારશે? પોતાનું જીવન જીવવાનો હક દરેક મહિલાને છે. પોતાના પર થતા અત્યાચાર સામે સો ટકા પગલા લેવા જોઈએ, 181 હેલ્પલાઈન છે, નારી અદાલત છે ઉપરાંત મહિલાઓને ઘણી બધી મદદ મળે છે, એનો ઉપયોગ કરવો જોઈએ.

 

ભૂતકાળમાં ઘરેલુ હિંસાને દર્શાવતી અનેક ફિલ્મો, વિડીયો પણ બન્યા છે. તાપસી પન્નુ ફેમ ફિલ્મ થપ્પડ પણ મહિલાના સ્વામાનની જ વાત કરે છે. આ ફિલ્મનો ઘણો વિરોધ પણ થયો હતો. કારણ કે સમાજના કહેવાતા ઉચ્ચ જ્ઞાનીઓનું માનવું એમ હતું કે એક થપ્પડને કારણે પત્નીએ છૂટાછેડા ન લેવા જોઈએ. એટલે કે જ્યાં સુધી પતિ પત્નીને માર મારીને મારી ન નાખે ત્યાં સુધી એને સહન જ કરવાનું. ખેર આવી વાત તો થયા જ કરે છે. પરંતુ અહીં સવાલ હજુ પણ એજ છે કે મહિલાઓ ક્યાં સુધી ઘરેલુ હિંસાનો શિકાર બનશે. કારણ કે સમાજને સુધરેલો કહેવા જઈએ છીએ તો આંકડાઓ સ્પષ્ટ કરે છે કે એ વાત પાયાવિહોણી છે. જો કે દરેક પુરુષ ખરાબ અને મહિલા બિચારી એવું નથી પરંતુ મારપીટના મામલે તો પુરુષો અત્યારે પણ મહિલાઓને પોતાની માલિકીની કોઈ વસ્તુ જ સમજે છે.

હેતલ રાવ