ગુજરાતમાં ‘ગ ગુજરાતીનો ગ’ કેમ નહીં?

ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર, ભાષાની મીઠાશ નહિ જાણે બોલે કાગડો કાબર

જાણીતા કવિ અવિનાશ વ્યાસની આ કવિતાથી તો આપણે સૌ કોઈ વાકેફ જ છીએ, પરંતુ આજે અહીં વાત ગુજરાતી ભાષા ભણવાની થઈ રહી છે. આમ તો, સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણવા અને ગુજરાતી માધ્યમમાં ભણવાના મુદ્દે ઘણા સમયથી ચર્ચા ચાલતી આવી છે. તમને યાદ હોય તો, થોડા સમય પહેલા વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજીયાત રાખવાની વાત કરી હતી.

સારી વાત છે, પણ એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે, ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નબળા પુરવાર થઇ રહ્યા છે. આ અમે નથી કહેતા, આ વાત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના આકંડાઓ કહી રહ્યા છે.

છેલ્લા દસ વર્ષના ધોરણ 10નાં ગુજરાત બોર્ડના પરિણામો જોઇએ તો, દર વર્ષે સરેરાશ એક લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય છે.

વિજ્ઞાન અને ગણિત વિષય પછી ગુજરાતી એવો વિષય છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. વિદ્યાર્થીઓની માતૃભાષા ગુજરાતી હોવા છતાં પણ એમને યોગ્ય રીતે ગુજરાતી લખતાં તો દૂર, પણ બરાબર વાંચતા ય આવડતું નથી!

ગુજરાતી વિદ્યાર્થીઓનું ગુજરાતીના વિષયમાં જ પરિણામ આટલું નબળું કેમ?

બાળકને વારસામાં ગુજરાતી નહીં આપો તો વસિયતનામું અધુરું રહી જશે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ ભાગ્યેશ જહા કહે છે કે, ‘ખરાબ પરિણામ આવ્યું એનો અર્થ છે કે ગુજરાતી માટે આપણે વધારે કામ કરવું જોઈએ, કારણ કે માતૃભાષાથી જો બાળકો વિમુક્ત થાય તો એનો વિકાસ અટકી જાય. ગુજરાતી ભાષાના શિક્ષણને વધુ લોકભોગ્ય અને લોકપ્રિય બનાવવું જોઈએ. ગુજરાતી કવિતા, ગુજરાતી વાર્તા આ બધું બાળકોને ભણાવવું જોઈએ. ભલે અભ્યાસક્રમમાં કદાચ ન હોય તો એક્સ્ટ્રા ક્લાસ લઇને પણ બાળકને ગુજરાતીનો પરિચય કરાવવાની જરૂર છે. ચારેબાજુ અંગ્રેજીનો મારો છે. ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે. એટલે બાળકોને ગુજરાતીનો પરિચય જ નથી રહ્યોં માટે એ નાપાસ થાય છે. ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં રસ લે એ માટે જુદા-જુદા પ્રયોગો કરવા જોઈએ. જેમ કે, વાર્તા કહેવી, કવિતા સંભળાવી, ડાયરામાં લઈ જવા, લોકગીતો અને સંગીતના કાર્યક્રમોમાં લઈ જવા. આ બધામાં બાળકો જતા થશે તો એમને ખ્યાલ આવશે કે ઓહ..ગુજરાતી ભાષા તો જોરદાર છે!  એને આકર્ષણ થશે તો એને ભણવાની ઈચ્છા થશે અને જો એક વખત બાળકોને ભણવાની ઈચ્છા થાય પછી કોઈ વસ્તુ એનાથી અસ્પૃશ્ય ન રહે. ભાષાને થોડી લોકપ્રિયતાના ઘોરણે લઈ ઘનિષ્ઠ રીતે પ્રયાસો કરવા જોઈએ. અને હા, ખાસ કરીને ઘોરણ બાર સુધી તો માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ.’

ભાગ્યેશભાઈ કહે છે, ‘આપણે મિલ્કતની ઘણી ચિંતા કરીએ છીએ. પરંતુ ભાષાનો વારસો જે મૂલ્યવાન છે એને જ ભૂલી ગયા છીએ. જો બાળકને વારસામાં ગુજરાતી નહીં આપો તો તમારું વસિયતનામું અધુરું રહી જશે. અન્ય ભાષાઓમાં કે મિડીયમમાં ભણવાથી બાળકમાં હોંશિયારી આવશે,પણ ડહાપણ તો માતૃભાષામાં ભણવાથી જ આવશે.’

ગુજરાતી પ્રજા માતૃભાષાનું ઋણ ઉતારવામાં ઉણી ઉતરી છે

અમદાવાદસ્થિત દીવાન બલ્લુભાઇ પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય અને જાણીતા શિક્ષણવિદ્ અનિલ રાવલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “ગુજરાતી વિષયમાં વિદ્યાર્થી નાપાસ થાય એના માટે શિક્ષકોની ઉદાસીનતા, માતા-પિતાની ઉદાસીનતા અને સરકારની ઉદાસીનતા જવાબદાર છે. વાલીઓની એવી માન્યતા હોય છે કે આ ટકાવારી આગળ જતા એડમિશનમાં ગણાશે નહીં. સરકારની વાત કરીએ તો સરકારી કચેરીના બોર્ડ હોય કે રસ્તા પર લગાવેલા સરકારી બોર્ડ જેમાં અનેક ભાષાકીય ભૂલો હોય છે. આ વાત મીડિયાને પણ લાગુ પડે છે. ઇલેકટ્રોનિક મીડિયાના સ્ક્રોલિંગમાં અનેક ભૂલો જતી હોય છે. પ્રિન્ટ મીડિયામાં પણ જોડણીની ભૂલો થાય છે. આના લીધે બાળકો જેવું વાંચતા જાય એવું જ એ શીખે છે અને અપનાવે છે. એમની આ ખોટી માન્યતા દ્રઢ થતી જાય છે.

બીજી એક વાત એ પણ છે કે ઘણીવાર વિદ્યાર્થીઓને વિષયમાં રસ પડે એ માટે કોર્સ બહાર જઈને પણ એમને શીખવવું પડે. પરંતુ શિક્ષકોને કોર્સ પૂરો કરવાની ચિંતા હોય છે. એમાં પણ બોર્ડમાં તો ડિસેમ્બર- જાન્યુઆરી સુધી કોર્સ પૂરો કરવાનો હોય. છ સાત મહિનાના ગાળામાં આખું પાઠ્યપુસ્તક બાળકોને ભણાવવાનું કેવી રીતે? અને વિચાર એ પણ થાય કે શિક્ષકો ભણાવે પણ છે તો એ કેવુ ભણાવતા હશે?”

અનિલભાઇ ઉમેરે છે, “એક મહત્વની બાબત એ પણ છે કે ઘણા બધા બીએડ(B.ED,બેચરલ ઓફ એજ્યુકેશન) શિક્ષકો કોલેજમાં માત્ર વાર્ષિક પરીક્ષા આપવા જ જાય છે. પછી આવા જ શિક્ષકો માર્કેટમાં આવે છે, તો પછી બાળકોનું ઘડતર કેવી રીતે થઈ શકે? એમની જ માનસિક્તા પાંચ નવા પુસ્તકો વાંચવાની ન હોય તો એ વિદ્યાર્થીઓને કેવી રીતે વાંચન તરફ વાળે? માતૃભાષાની ખુબ જ દયનીય સ્થિતિ છે. ગુજરાતી ભાષાને બચાવવા માટે ઘરનું વાતાવરણ બદલવાની જરૂર છે. બાળપણથી જ બાળકને જન્મ દિવસે પુસ્તક આપવાનું રાખવું જોઈએ. રિટર્ન ગીફ્ટમાં પણ પુસ્તક આપવાનો આગ્રહ રાખવો. પહેલેથી જ ગુજરાતી વાંચતા, સમજતા અને બોલતા શીખવવું જોઈએ. હકીકતમાં તો ગુજરાતી પ્રજા માતૃભાષાનું ઋણ ઉતારવામાં ઉણી ઉતરી છે.”

 કેળવણી માટે માતૃભાષા હોવી અનિવાર્ય છે

જાણીતા કવિ-લેખક અને માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી રાજેન્દ્ર રાવલ ચિત્રલેખા.કોમ ને કહે છે કે “અમે (માતૃભાષા અભિયાન) સરકાર સામે હાઇકોર્ટમાં કેસ કર્યો છે કે ધોરણ 1થી 12માં કોઈપણ માધ્યમ અને કોઈ પણ બોર્ડમાં ગુજરાતી વિષય ફરજીયાત કરવો જોઈએ. ખરેખર તો સરકારે એ અમલમાં આવે એની માટે ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતી વિષય બારમાં ધોરણ સુધી ફરજીયાત કરવો જોઈએ અને હાયર એજ્યુકેશનમાં એની ટકાવારી ગણાવી જોઈએ, તો પછી ફેર પડશે. ઉપરાંત, ગુજરાતીના શિક્ષકોને ગુજરાતી ભણાવવાની તાલીમ આપવી જોઈએ. આ નહીં થાય ત્યાં સુધી ગુજરાતી ભાષાનું કોઈ ભવિષ્ય જ નથી. માતા-પિતા અને સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. જેમ કે કોઈ મહેમાન આવે તો એને ગુજરાતીના પાંચ દસ મેગેઝીન ઘરે મળવા જોઈએ. મારી દીકરીના લગ્નમાં ચાંલ્લો નથી લીધો એની જગ્યાએ બધાને ગુજરાતી સામયિકોનું લવાજમ ભરાયું હતું. સમાજે આવી રીતે અનેક પહેલ પણ કરવી પડશે. શિક્ષકોએ પણ સભાન થવું પડશે. એમને તાલીમ આપવી પડશે.”

“સરકાર આ માટે જરૂરી પગલા ગંભીરતાથી લે અને સમગ્રપણે બધા પ્રયત્ન કરશે તો ગુજરાતી ભાષાને કઈ વાંધો નહીં આવે. માધ્યમ ગુજરાતી-ઉત્તમ અંગ્રેજી. ગુજરાતીને બચાવવું હોય તો અંગ્રેજી સારું ભણાવો. ભાષા શીખવાની એક પદ્ધતિ છે. પહેલા લીસનિંગ (સાંભળવું) પછી સ્પીકિંગ ( બોલવું) પછી રીડિંગ( વાંચવું) અને છેલ્લા રાઇટીંગ (લખવું) પરંતુ આપણે એનાથી ઉંધુ જ કરીએ છીએ. માટે બાળક નથી રહેતો ગુજરાતીનો કે નથી રહેતો અંગ્રેજીનો. કોઈ ભાષા એમને એમ મળતી નથી. ભાષામાં જે તત્વ અને સત્વ હોય એ બાળકમાં પહોંચે નહીં તો એનો વિકાસ નૈસર્ગિકપણે નહીં થાય. કેળવણી માટે માતૃભાષા હોવી અનિવાર્ય છે. કોઈ આને ગંભીરતાથી લેતા નથી, વાલીઓને ચિંતા નથી, શિક્ષકો બરાબર ભણાવતા નથી અને સરકારને કંઈ પડી નથી. સમગ્રપણે બાળકનો વિકાસ રુંધાઇ જાય છે.”

હું છું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી

નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના આચાર્ય અને રાજ્યકક્ષાના પારિતોષિક વિજેતા શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “પ્રાથમિક શિક્ષણ એ કેળવણીનો પાયો છે. માટે તે કક્ષાએથી જ માતૃભાષા ગુજરાતી વાંચન -લેખનનો સવિશેષ મહાવરો આપવો જોઈએ. આનંદમય-પ્રવૃતિમય રીતે ભાષા શિક્ષણ અપાય ઉપરાંત ભાષા સજજતા ,ભાષા વિહાર અને વ્યાકરણ સંબંધી સરળ સહજ શિક્ષણ અપાય તે જરૂરી નહીં, પણ ખૂબ  જરૂરી છે. મનગમતા પુસ્તકનું વાંચન, તેના વિષયવસ્તુની પ્રાર્થના સભામાં રજૂઆત, પુસ્તક ચર્ચા,  વિદ્યાર્થીઓનું શબ્દ ભંડોળ વધે તેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભાષામાધુર્ય વધારતી પ્રવૃત્તિઓ અવશ્ય કરાવી શકાય. મૂળ તો સવિશેષ વાંચન -લેખનનો મહાવરો ખાસ જરૂરી છે.  તેનું મૂલ્યાંકન અને નિદાન ઉપચાર જરૂરી છે.”

વર્તમાન સમયમાં અંગ્રેજી માધ્યમ તરફ લોકોનો ઝુકાવ સૌથી વધુ છે. ગુજરાતી માધ્યમની સરખામણીએ અંગ્રેજી માધ્યમમાં બાળકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. અંગ્રેજી માધ્યમના આંધળા અનુકરણ તરફ લોકો આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાતી ભાષાના અસ્તિત્વ તરફ પ્રશ્ન ઊભો થાય એ પણ ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ હવે જો ભાષાને બચાવવાના પ્રયાસોમાં સફળતા નહીં સાંપડે તો એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા પર પૂર્ણવિરામ લાગી જશે.

(હેતલ રાવ)