અમદાવાદના હેરીટેજ સ્થળોની વાત આવે એટલે સરખેજ રોજાનું નામ અવશ્ય આવે. ગુજરાતના સુલતાનો, એમના કુટુંબીજનોની કબરો અને બેનમુન કલાકૃતિ સાથેની મસ્જિદો સરખેજમાં આવેલી છે. આશરે 171 એકર ક્ષેત્રફળ ધરાવતું સુંદર તળાવ છે. મહેમૂદ બેગડાના મહેલના અવશેષો અહીં જોવા મળે છે.
ઇતિહાસ કહે છે કે, સુલતાન મહેમૂદ બેગડાના સલાહકાર અને મિત્ર શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ પાટણથી આવીને અહીં રહ્યા હતા. અમદાવાદ શહેરનો પાયો નાખનાર પાંચ ઑલિયા અહમદો પૈકીના તેઓ એક હતા. શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ ઈ. સ. 1446માં મરણ પામ્યા ત્યારે તેમની ઉંમર 111 વર્ષની હતી. એમની કબર સરખેજના રોજા તરીકે ઓળખાય છે. એનું બાંધકામ બેગડાના અનુગામી સુલતાન કુતુબુદ્દીનના શાસન દરમિયાન છ વર્ષના ગાળામાં પૂરું થયેલું.
આ રોજો ગુજરાતમાં સૌથી મોટો રોજો છે. રોજાની આસપાસ પથ્થરની કોતરણીવાળી જાળીઓ છે. અંદર આવેલ કબર ફરતે ધાતુની સુંદર જાળી પણ છે. આસપાસ એક એકરથી વધુ વિસ્તાર ધરાવતું ચોગાન છે. સુલતાન મહમૂદશાહ બેગડો અને એના પુત્ર મુઝફ્ફરશાહની કબરો છે. રોજા અને મસ્જિદની પાછળ વિશાળ જળાશય છે. સરોવરના સામા કાંઠે સલ્તનત સમયની મોટી ઇમારતો છે. એની બાંધકામ શૈલી મહેલો જેવી કહી શકાય. તળાવમાં ઊતરવાનાં પગથિયાં ઉપરાંત ઢોરને ઊતરવાના ઢાળ પણ બનાવેલા છે. વિશાળ સરોવર જેવા તળાવમાં પાણી ભરાય એ માટે ત્રણ નાળાં પણ બનાવેલાં છે. એમાં આવતું પાણી ચોખ્ખું આવે – કચરો બહાર રહે એવી ગાળણ-જાળી ગોઠવેલી છે. જળાશયના કાંઠે મહેમૂદ બેગડાનું વિશ્રામગૃહ હતું.
જળાશયથી સહેજ દક્ષિણમાં સંત બાબા અલીશેરની કબર છે. આ સંતની ખ્યાતિ અહમદ ખટ્ટુ ગંજબક્ષ કરતાં પણ વધુ હતી. નજીકમાં મિર્ઝા ખાનખાનાન દ્વારા ફતેહવાડી બાગ ઈ. સ. 1584માં તૈયાર કરાયો હતો. હેરીટજ સ્થળોમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે અમદાવાદનું આ એક નજરાણું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)