બાળકોમાં વધતા જતા મોબાઈલના દુષ્પ્રેરણાના કિસ્સાઓને પગલે હવે ધર્મગુરૂઓ પણ આગળ આવી રહ્યા છે. દાઉદી વ્હોરા સમાજના 53મા ધર્મગુરુ ડો. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ સ્વામીનારાયણ સંપ્રદાયના હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં પ્રબોધજીવન સ્વામીએ જણાવ્યું હતું કે, બાળકો મા-બાપનું કહેલું માને, બાળક મોબાઈલ તથા ગૅમની દુનિયા છોડે, અભ્યાસુ બને તથા આજના સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને યોગ્ય સંસ્કાર મળે તે હેતુથી યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ વિદ્યાર્થીઓને મોબાઇલથી દૂર રહેવાની શિખામણ આપી છે. બાળકોના જીવનમાં મોબાઈલની ફોનની ખરાબ અસરો કેટલી હદે વધી ગઈ છે તેના વિશે જાણવા માટે ચિત્રલેખા.કોમએ સિનિયર સાયકોલોજીસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સાથે વાત કરી.
ડૉ. પ્રશાંત ભીમાણી: મારી દ્રષ્ટિએ આ એક આવકારદાયક પગલું છે. મોબાઈલમાં પણ માતા-પિતા સ્માર્ટ ફોન ન આપે અને સામાન્ય ફોન આપે તો ચાલે. કારણ કે જો બાળક ઘરની બહાર એકલું ભણવા અર્થે જતું હોય, અથવા તો માતા-પિતા બંન્ને વર્કિંગ છે અને બાળક ઘરે એકલું રહે છે તો તેને ફોન આપવો જરૂરી હોય છે. આવા જરૂરિયાતના સમયે બાળકને માત્ર કોલિંગ થઈ શકે તે પ્રકારનો સામાન્ય ફોન આપવો જોઈએ. આપણે જોયું કે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય બાળકોના હિતમાં જ કરવામાં આવ્યો છે. કારણ કે બાળકો જો સોશિયલ મીડિયાનો ઓવરયુઝ કરે છે તો તેનાથી અનેક પ્રકારના માનસિક નુક્સાન થતા હોય છે. આથી આ પ્રકારના કડક નિર્ણયથી બાળકો સાયકોલોજીકલ ડેમેજીસથી બચી જાય છે અને બીજી ઓફલાઈન પ્રવૃત્તિમાં ફોક્સ કરી શકે છે.
ફોનમાં પણ તમે ક્યો ફોન આપો છો તેના પર આધાર છે. ધારો કે બાળક સાથે કોમ્યુનિકેશનની જરૂરિયાત રહેતી હોય અને તમે તેને સાદો ફોન આપો તો તેમાં કશું ખોટું નથી. પરંતુ જો સ્માર્ટ ફોનની વાત કરવામાં આવે તો તે બાળકને એક આખી નવી દુનિયા જ ખોલી આપે છે. આથી હું એવું માનું છું કે લગભગ બાળક શાળાનું ભણતર પૂરું કરીને 18 વર્ષનું થાય ત્યારે સ્માર્ટ ફોન આપવો જોઈએ.
આ બાબત ખૂબ જ ડેન્જર્સ છે. કારણ કે ઈન્ડિયનનો એવરેજ સ્ક્રિન ટાઈમ છે તે ત્રણથી પાંચ કલાકનો હોય છે. તેમાં પણ યંગસ્ટર્સનો સ્ક્રિન ટાઈમ વધારે હોય છે. આ વાત ડેટા કહી રહ્યા છે. તો એનો અર્થ એવો થયો કે મોટાભાગના લોકો ભણવા કરતા વધુ સમય સોશિયલ મીડિયા અને મોબાઈલ ગેમિંગને આપી રહ્યા છે. બાળકો માટે માત્ર સોશિયલ મીડિયા નહીં પરંતુ ગેમિંગ પણ એટલું જ હાનિકારક છે. આ બંન્નેની નકારાત્મક અસરો બાળક પર થતી હોય છે. જેમ કે, બાળકમાં ચિડિયાપણું આવવું, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટે છે, બાળકમાં બેચેનીનું પ્રમાણ વધે છે, ડિપ્રેશનના લક્ષણો જોવા મળતા હોય છે. બાળકોની ઊંઘ ઓછી થઈ જાય છે. એટલે દિવસ-રાતની સાયકલ ડિસ્ટર્બ થતી હોય છે. બાળકના સામાજિક સંબંધો બગડતા હોય છે. ખાસ કરીને માતા-પિતા સાથેના સંબંધો ડિસ્ટર્બ થતા હોય છે. સૌથી વધુ દુષ્પરિણામો બાળકના શિક્ષણમાં જોવા મળતા હોય છે. ખાસ કરીને પોસ્ટ કોરોના આ બધાં જ લક્ષણો બાળકોમાં જોવા મળતા હોય છે. કારણ કે કોરોના સમયથી બાળકો પાસે સ્માર્ટ ફોન વધ્યા છે અને તેનો ઉપયોગ પણ વધ્યો છે.
હું એવું માનું છું કું સમજાવટથી કામ લેવું જોઈએ. લોકોને ખાસ કરીને બાળકોને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી થતાં નુક્સાન અંગે સમજાવવા જોઈએ. તેનાથી શું થાય છે અને કેમ તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. મોબાઈલનું જે સ્ક્રિન એડિકશન છે એ ડ્રગ્સ એડિક્શન જેટલું જ ખતરનાક છે. સૌથી મોટી વાત એ છે કે આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ મોબાઈલ ફોન છે. તે વધુ ખતરનાક વાત છે. આથી જો મોબાઈલ ફોનમાં જોવામાં આવતું કોન્ટેન્ટ તમે સેન્સર કરીને બાળકને ફોન આપો તો ચાલી શકે છે. પરંતુ એ વસ્તુ કેટલી હદ સુધી શક્ય છે તે મને ખબર નથી.
મારી પાસે ઘણા બધાં કેસ આવતા હોય છે. સ્ક્રિન એડિકશનના કેસ આવે છે. જે લોકો આખી રાતોની રાતો ફોનમાં સમય પસાર કરી દે છે. આવા બાળકો સવારે મોડા ઉઠે અને શાળાએ ન જાય. આવા બાળકોને ફોનનું એડિક્શન જ થઈ ગયું હોય છે. માતા-પિતા મોબાઈલ લઈ લે તો ચીડિયાપણું આવા બાળકોમાં આવી જતું હોય છે. તે વગર કારણે ગુસ્સો કરતો હોય છે. ઘરમાં આવા એડિક્ટેડ બાળકો ફોન ન મળે તો મારા-મારી કરતા હોય છે. તોડફોડ પણ કરતા હોય છે. આવા બાળકોને સાયકોથેરાપી અને કાઉન્સિલિંગ આપવું પડતું હોય છે. માતા-પિતાએ બાળક આ હદ સુધી એડિક્ટેડ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)