Opinion: ક્યારે ઉતરશે રે આ પાણી..

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. અમદાવાદમાં મેઘરાજા હજું મન મૂકીને વરસ્યા નથી. એકબાજુ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં લોકો હાલ મેઘમહેરને તરસી રહ્યા છે. બીજી બાજું એ પણ ચિંતા હશે કે જો મેઘરાજા મન મૂકીને વરસી પડશે તો? ચોમાસાના આગમન સાથે સામાન્ય નાગરિકો છાશવારે એક પ્રશ્ન પૂછતાં જોવા મળે છે. આ પાણી ક્યારે ઉતરશે?

અમદાવાદ શહેરની વાત થાય તો, શહેરમાં કેટલાક એવાં વિસ્તારો છે, જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે. અમદાવાદ પૂર્વમાં નરોડા, ઈસનપુર, બાપુનગર વિસ્તારમાં આ સમસ્યા જોવા મળે છે. જ્યારે અમદાવાદ પશ્ચિમમાં વેજલપુર, વાસણા ગામ, સરખેજ ગામ, બોપલ ગામ અને જુહાપુરાના કેટલાંક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવે છે.

પાણી ભરાવવાની સમસ્યા હોવી મોટી વાત નથી. પરંતુ પાણી ભરાયાં હોવાથી ઉભી થતી સમસ્યાનું શું? શું છે આ સમસ્યાનું સમાધાન?

આ જ વિષય પર અમે આ સપ્તાહનો અમારો ‘ઓપિનિયન પોલ’ કર્યો. જેમાં મેયરથી લઈને સામાન્ય વ્યક્તિનું શું કહેવું છે જાણીએ.

પ્રતિભાબેન જૈન, મેયર, અમદાવાદ

રોડ રસ્તાને લઈ કોઈપણ કામગીરી દરમિયાન જો કોઈ ખાડો ખોદવામાં આવે છે. તો તેના પર પુરાણ કર્યા બાદ પહેલાં વરસાદમાં થોડું આગળ-પાછળ થવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ આ સમસ્યાને લઈ મળતી સૂચના પ્રમાણે ઇજનેર વિભાગ કામગીરી પૂર્ણ કરે છે. હેલ્પલાઈન નંબર દ્વારા મળતી માહિતીની ગંભીરતા જાણી ઇજનેર વિભાગ કામગીરી હાથ ધરે છે. અમદાવાદમાં 130 એવાં વિસ્તારો હતા જ્યાં પાણી ભરાવવાની સમસ્યા રહેતી હતી. જો કે  તેમાંથી 100 જેટલા વિસ્તારોમાં પાણી ન ભરાય, તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 30 જેટલાં વિસ્તારમાં હાલ પણ કામગીરી થઈ રહી છે. જે જલ્દીથી પૂર્ણ થઈ જશે.

રાજેન્દ્રભાઈ સોલંકી, કોર્પોરેટર, નરોડા, અમદાવાદ

ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાના સમાધાન માટે આગળ વધવું એ મહત્વનું છે. હાલ નરોડા ગામમાં જોવા મળતી પાણી ભરાવવાની સમસ્યાનો નીકાલ કરવા માટેનું કામ ચાલી રહ્યું છે. પાછલા ત્રણ વર્ષમાં નરોડા ગામમાં પાણી ભરાવવાની સમસ્યાના સમાધાનને લઈ કેટલાંક બદલાવ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ પણ કેટલાંક કાર્ય બાકી છે જે AMCના સહયોગથી થઈ રહ્યા છે. કેનાલમાં ઈગલેટ ભરવા સાથે ડ્રેનેજ પ્રોબ્લેમ જેવી સમસ્યાનું સમાધાન પણ કરવામાં આવ્યું છે. જેનાથી નરોડાની જનતા અમુક અંશે પાણી ભરાવવાની સમસ્યામાંથી છુટકારો પણ મળ્યો છે. આ સાથે જૂની પાઈપલાઈનના ડાયોમીટરમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાં કારણે પાણીની આવક અને જાવકમાં વધારો થાય છે.

શેરબાનુ નૌશાદ મલિક, સરપંચ, શેલા ગામ

શેલા ગામમાં થોડા સમય પહેલાં જ ગટરનું પાણી ભરાવવાની સમસ્યાને લઈ AUDAને રજૂઆત કરવામાં આવી હતી. હાલ શેલામાં ગટર લાઈન અને ડ્રેનેજ લાઈનને લઈને પાણી ભરાવવાની સમસ્યા ઉદભવી રહી છે. શેલાની આ સમસ્યાને લઈ AUDA દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી ગટર લાઈનને લગતી સમસ્યાનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી પાણી ભરાવવાની સમસ્યા રહેવાની છે. આ ગટર ભરાવવાની સમસ્યાનું AUDA જલ્દીથી નિરાકરણ લાવશે, એવું AUDAએ અમારી રજૂઆત પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે.

રજ્જન શર્મા, સ્થાનિક, શેલા

શેલા વિકસિત વિસ્તારોમાંથી એક છે. આમ તો શેલા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ જે જગ્યાએ પાણી ભરાયા છે, એવી જગ્યા પર પણ પાણીના નીકાલને લઈ કામગીરી થઈ રહી છે. કેટલીક વખત વરસાદી પાણીના જલ્દી નિકાલ માટે સ્થાનિકો ગટરના ઢાંકણા ખોલે છે. જેની આડઅસર એ થાય છે, કે પાણી ભરાવવાની સાથે ગટરનું પાણી પણ બેક મારે છે. જેથી વરસાદી પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતા દુર્ગંધ ફેલાય છે. હાલના સમયમાં પણ AUDA AMC સાથે મળીને શેલાને સ્વચ્છ અને સુંદર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ સરકારી કવાયત પર સ્થાનિકોનો  વિશ્વાસ છે આવનાર એક વર્ષમાં આ પ્રકારની સમસ્યા શેલામાં નહીં ઉદ્ભવે.

રેખા બેન, સ્થાનિક, સરખેજ ગામ

અમારે તો આ દર વર્ષનું છે. ચોમાસું આવતાની સાથે જ અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. જો થોડો વધારે વરસાદ પડે તો પછી પત્યું. ઘણીવાર તો ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની જાય. વરસાદી પાણીનો નિકાલ ન થતા અમને સ્થાનિકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક વાર ઘર ગથ્થુ વસ્તુ લેવા જવા માટે તો બાળકોને શાળાએ મુકવા કે લેવા માટે પણ અમારે પાણી ઉતરવાની રાહ જોવી પડતી હોય છે. આ બાબતે તંત્ર કઇંક કરે તો સારું બાકી આ વર્ષે પણ વરસાદ પડશે તો સમસ્યા તો સર્જાશે જ.

 

 

(તેજસ રાજપરા – અમદાવાદ)