Opinion: શું જરૂરી? વિકાસ કે વૃક્ષો?

રાજ્યમાં શહેરીકરણે હરણફાળ ભરી છે એની સાથે આડેધડ થતાં નવા બાંધકામના કારણે વૃક્ષોનું નિકંદન નીકળતું જાય છે. કહો કે, વિકાસની દોટમાં ક્યાંક પ્રકૃતિના વિનાશને આડકતરું પ્રોત્સાહન મળે છે.

શહેરીકરણમાં બિલ્ડીંગ તો વધ્યા પણ શ્વાસ આપનાર વૃક્ષ કયા છે? ઠંડક આપતા એસીનું વેચાણ તો વધ્યું, પણ છાયો આપતા વૃક્ષો ક્યાં છે?

થોડા સમય પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ પાંજરાપોળ વિસ્તારમાં 91 વૃક્ષનું છેદન કરવામાં આવ્યું હતું. જેનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. વિકાસના કામોના બહાના હેઠળ શહેરમાં જે રીતે આડેધડ વૃક્ષો કપાય છે એની સામે નવા વૃક્ષો એટલા ઉમેરાતા નથી.

તો, આજે સવાલ એ છે કે માનવજાત માટે શું વધારે જરૂરી છે? આડેધડ બાંધકામો ખડકીને કરાતો વિકાસ કે વૃક્ષો?ચિત્રલેખા.કોમ ના ઓપિનિયન વિભાગમાં આજે જાણીએ કે, આ મુદ્દે શું છે લોકોનો ઓપિનિયન?

 

મિત્તલ પટેલ, સોશિયલ રીફોર્મ

‘વિકાસ અને વૃક્ષ વાવણી બંનેને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં કાપેલા વૃક્ષોની જગ્યા પર પહોંચતા નવા છોડને 15થી 20 વર્ષનો સમય લાગતો હોય છે. ત્યારે આપણે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ગ્રીન ડેવલપમેન્ટ થાય. યુરોપિયન કન્ટ્રીમાં લગભગ દરેક 1.5 થી 2 કિલોમીટર બાદ એક નાનું જંગલ બનાવવામાં આવ્યું છે. જે વિભાવના અહીં ભારતમાં લાવવાની જરૂર છે. વૃક્ષને લઈ એક કડક પોલીસી બનાવી જોઈએ. જેમાં એક સોસાયટીમાં અમુક સંખ્યામાં વૃક્ષોની વાવણી સાથે ઉછેર કરવો જરૂરી બને. જ્યારે સરકાર સહિત સામાન્ય નાગરિકે પણ વૃક્ષનું જતન કરવું જોઈએ.’

 

પ્રશાંત પારીક, લેખક અને સમાજશાસ્ત્રી

‘વિકાસ અને પ્રકૃતિ બધાને જ પસંદ આવે છે. જ્યારે પ્રકૃતિને પરત કરવાના સમય પર લોકો પાછળ ખસી જતા હોય છે. આજના સોશિયલ મિડિયાના સમયમાં લોકો ફોટો અને લાઈક માટે એક વૃક્ષો સાથે ફોટો અને વિડીયો બનાવવાનો પસંદ કરે છે. પરંતુ તે વૃક્ષની સાર સંભાળ લેવાનું પસંદ કરતા નથી. નોંધનીય વાત એ છે કે હવે સમયમાં થોડો ફેરફાર આવી રહ્યો છે. જ્યાં લોકો વૃક્ષો પ્રત્યે જાગૃત થયા છે. આપણે પ્રકૃતિ માટે ઈન્ટીટ્યુટ અને શાળામાં બાળકોને પર્યાવરણ માટે જાગૃત કરવા જોઈએ સાથે તેમને વૃક્ષો ઉછેરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી કરીને આગળ જતા ગ્લોબલ વોર્મિંગથી સામાન્ય નાગરિકને આંશિક રાહત મળે.’

 

દિનેશભાઈ ઠક્કર, પર્યાવરણ પ્રેમી

‘પ્રકૃતિના ભોગે માનવ જાનનો વિકાસ સ્વીકાર્ય નથી. કેટલાક અનિવાર્ય બાંધકામ કરવાની જરૂર પડે તેની શક્યતા નહીંવત હોય છે. ત્યારે પ્રકૃતિ અને વિકાસને સાથે લઈ ચાલવાની વાત આવે ત્યારે ફોર ટ્રેક રસ્તાની જગ્યા પર આપણે સર્પ આકાર સસ્તા પણ બનાવી શકાય છે. જ્યારે બીજો વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યાં સુધી વૃક્ષનો વિનાશ ન કરવો જોઈએ. એક વૃક્ષને કાપીએ છીએ ત્યારે એક વૃક્ષ સાથે હજારો જીવજંતુના રહેણાકનો નાશ કરીએ છીએ. બિલ્ડીંગ બાંધકામ જરૂરી બને ત્યારે વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વિકલ્પ પણ તપાસવું જોઈએ અથવા તો બિલ્ડીંગની જગ્યામાં વૃક્ષ ઉછેર માટેની જગ્યા રાખવી. મે મારા જીવનમાં પ્રકૃતિની રક્ષા માટે 1.5 થી 2 લાખ જેટલા વૃક્ષોની વાવણી અને ઉછેર કર્યો છે.’

 

પ્રતાપસિંહ ડાભી, નિવૃત્ત DFO.

‘વિકાસની આગળ એક વિશેષણ લગાવવું જોઈએ ‘ટકાઉ વિકાસ’. રાજ્ય કે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર જરૂરી છે. પરંતુ આપણા વિકાસમાં વૃક્ષનો પણ સમાવેશ કરવો જોઈએ. આપણે કોઈ પણ વિસ્તારમાં વસવાટની શરૂઆત થયા પહેલા જ એક ગ્રીન ઝોનની ઊભો કરવો જોઈએ. વિકાસના કાર્યો વચ્ચે જેમ બને તેમ ઓછા વૃક્ષો કપાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રોજેક્ટને લઈને બીજા વિકલ્પ ચકાસવા જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ વિકાસ કાર્ય કેટલું મહત્વનું છે? આ વિકાસ કાર્ય બીજી કોઈ જગ્યા પર ખસેડી શકાય તેમ છે કે કેમ? પ્રોજેક્ટ અંતર્ગત શું કરવાથી વૃક્ષો વિનાશ અટકશે? જેવા પ્રશ્નોનું સમાધાન કરી શહેરી કરણ કરવું જોઈએ’.

 

અનુરાધા સંઘવી, સ્થાનિક રહેવાસી પાંજરાપોળ, અમદાવાદ

‘બાંધકામ અને વૃક્ષને સાથે રાખીને પણ વિકાસને પ્રધાન્ય આપી શકાય છે. જ્યારે આપણી પાસે ફોર લેન્ડની જગ્યા પર ટુ લેન્ડ રોડનો વિકલ્પ છે. એક રોડ પર આગળ બ્રીજ માટે વૃક્ષનું બલીદાન લેવામાં નથી આવ્યું તો એ જ રોડ પર બીજો બ્રીજ બનાવવા માટે વૃક્ષનું બલિદાન કેમ?  જ્યારે આપણે કેટલાક વર્ષોના રેકોર્ડ તોડતી ગરમી જોઈ રહ્યા છે. ત્યારે વિકાસના નામ પર વૃક્ષ વિનાશ કેમ કરો છો? જો વૃક્ષની ડાળી નડી શકે છે તો ડાળ કાપો વૃક્ષનો ભોગ કેમ લેવામાં આવે છે. પશુ પ્રાણી બોલી નથી શકતા અને વિરોધ નથી કરતા એ જ માટે એમના ઘર તોડવામાં આવે છે.’

 

(તેજસ રાજપરા-અમદાવાદ)