Opinion: કેન્દ્રીય બજેટથી શું છે લોકોની અપેક્ષા?

કોઇપણ સરકારની ખરી કસોટી બજેટ પર થતી હોય છે. તેના પર દેશ નાનાથી નાના અને મોટાથી મોટા લોકોની નજરો મંડાય રહેતી છે. બજેટમાં કેટલાક ધંધાદારોની અપેક્ષાને પાંખ લાગતી હોય છે, તો કેટલાક સેક્ટરની આશા પર પાણી ફેરવાય જતું હોય છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી, વર્ષ 2024-25 માટે 1લી ફેબ્રુઆરીના રોજ વચ્ચેગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને 23 જુલાઈના રોજ વર્ષ 2024-25 માટે પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે.

 

બજેટ પહેલા તમામ સેક્ટરની આશા અને અપેક્ષાઓ બંધાતી હોય છે.

આ વર્ષના બજેટથી શું છે આ સેક્ટરના લોકોની આશા?

પૂર્વિન મરિયાંકરી, ડાયરેક્ટર, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન (AEIDA)

અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન (AEIDA)  નિકાસ ક્ષેત્રોના વિકાસને ટકાવી રાખવા અને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા રાખે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વિસ્તરણ માટે નિર્ણાયક, ખાનગી ક્ષેત્રના રોકાણોની સમયસર અનુભૂતિને સક્ષમ કરવા માટે મૂડી ખર્ચના પ્રોજેક્ટ માટે સ્ટ્રીમ લાઇનિંગ મંજૂરી પ્રક્રિયાઓને વધુ ઝડપી બનાવવી જોઈએ. આ ઉપરાંત નવીનતા અને પેટન્ટને પ્રોત્સાહન આપવા માટે R&D માટે કરમાં છૂટ સાથે અનુદાન અને ભંડોળ સહાય પૂરી થઈ શકે તો.. જેનાથી માલ અને સેવાઓમાં અદ્યતન પ્રક્રિયાઓના વિકાસને ફાયદો થશે, સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક ધોરણોનું પાલન સુનિશ્ચિત થશે. નિકાસ સબસિડી ઓફર કરવી, કર, નિકાસલક્ષી એકમો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં રાહત અને નવા આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. સરકારે ચાલુ શિક્ષણ અને અનુકૂલનક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે તાલીમ અને વિકાસમાં રોકાણ કરતા સ્ટાર્ટ-અપ્સ અને MSMEsને ટેક્સ બ્રેક્સ અને સબસિડી પણ આપવી જોઈએ.

 

રમેન્દ્ર પટેલ, કમિટી મેમર, ફાર્માર અસોસિયેસન

સરકાર પાસે અમને અપેક્ષા છે કે, ગત ચૂંટણી વખતે કરવામાં આવેલા કેટલાક વાયદા પર સરકાર ખરી ઉતરે. સરકારે MSP ને લઈ ખેડૂતો મિત્રોને કેટલા વચનો આપ્યા હતા. સ્થાનિક કક્ષાએ ખેડૂતો પર કેટલીક જગ્યા પર માલ લેવા કે વેચવા માટે પ્રક્રિયા સરળ કરવી જોઈએ. ત્યારે ખેડૂતોને ઉત્પાદન પર ખેડૂતોને વધુ વળતર મળે તેવી જોગવાઈ બનાવવી જોઈએ. સરકારી ફર્ટીલાયસર પર GSTમાં થોડી રાહત આપી શકે તો ખેડૂતો માટે સારુ.. આ ઉપરાંત ટ્રીપ પરથી GST હટાવવાની જરૂર છે.

 

મયુર આડેસરા, ડેપ્યુટી ચીફ ગુજરાત IBJA

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન એવી આશા રાખી રહ્યું છે કે, આવનાર બજેટમાં કસ્ટમ ડ્યુટી શક્ય એટલી ઘટાડવી જોઈએ, જેથી દાણચોરીને રોકી શકાય. સમગ્ર દેશમાં માત્ર IIBX દ્વારા સોનાની આયાતની મંજૂરી હોવી જોઈએ. સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ, સમગ્ર દેશમાં નિકાસ કરવા માટે માત્ર IITBX દ્વારા ચેનલ બનાવવી જોઈએ. આ સાથે જ સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કામ થઈ શકે, જેથી કરીને આપણા દેશની નિકાસમાં વધારો થઈ શકે. દેશને વિદેશી હૂંડિયામણનો લાભ મળવો જોઈએ. ગિફ્ટ સિટીમાં એક સંપૂર્ણ નિકાસ વિભાગ બનાવવો જોઈએ, જેમાં દેશના કોઈપણ સામાન્ય ઝવેરી તેની પ્રોડક્ટને એક જગ્યાએ લઈ જઈ શકે અને ત્યાંથી તેને વેચી શકે, આખા વિશ્વ બજાર સાથે જોડાઈ શકે અને તેને ગિફ્ટ સિટીની જટિલ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. તમામ કાયદાકીય પ્રક્રિયામાં રાહત મળે. સર્વન ગોલ્ડ બોન્ડ હેઠળ કરવામાં આવેલ રોકાણ પર ગ્રાહકોને આવકવેરા મુક્તિ આપવી જોઈએ. સમગ્ર દેશમાં એકસરખી રીતે હોલમાર્કિંગ લાગુ કરવું જોઈએ. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR) સરળીકરણ લાવવું જોઈએ. જૂનું સોનું ખરીદતી વખતે GST હટાવવી જોઈએ. નાના મધ્યમ વર્ગના નિકાસકારોને સોનું સરળતાથી મળવું જોઈએ, આ માટેની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ.

 

જગત શાહ, CMD, Global Network India

એક્સપોર્ટના બિઝનેસની દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો, અમેરિકા થોડાંક જ વર્ષોમાં $5 ટ્રિલિયનની ઈકોનોમીને પહોંચી જશે. જ્યારે 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનશે. આપણે વિશ્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા માટે દેશમાંથી વિવિધ વસ્તુઓની નિકાસ વધારવાની જરૂર છે. આ માટે બજેટમાં સરકાર એક્સપોર્ટના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટેના પગલાં લે તો વધુ સારુ.. એક્સપોર્ટને ઈન્સેન્ટિવ આપવા જોઈએ. જ્યારે પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલના આધારે વેરહાઉસ ખોલી વેપાર અને એક્સપોર્ટને વેગવંતુ કરવું જોઈએ. એક્સપોર્ટના વેપારમાં માં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવું જોઈએ. અત્યારે એક્સોપોર્ટની પ્રક્રિયા જટિલ અને વધુ સમય લેનારી છે. તેમાં થોડી રાહત આપવી જોઈએ. એક્સપોર્ટ બિઝનેસમાં કેટલાક ઇનડાયરેક્ટ ટેક્સ લગાડવામાં આવે છે. જ્યારે એ ટેક્સ રિફંડના કેટલાંક નિયમો પહેલાં હતા જે અત્યારે હટાવી દેવામાં આવ્યા છે. તેને ફરી લાગુ કરવા જોઈએ. એક્સપોર્ટ બિઝનેસમાં સરકારે ફંડિંગ સપોર્ટ પણ કરવું જોઈએ.

 

વિનય થડાની, ડિરેક્ટર અને સીઇઓ, એમ ગ્રૂ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ

સૌર ઊર્જાને લઈને રાષ્ટ્રમાં કેટલાક પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારતીય સૌર ક્ષમતા મે 2024 માં 84 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જો કે, રાષ્ટ્રના 2030 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હજી પણ ઓછી છે. આથી, માંગમાં વધારો થવાને કારણે અને વૈશ્વિક પ્લેટફોર્મ પર નિર્ધારિત આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંકના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે, આપણે ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર છે, જેના માટે આવનાર બજેટમાં 31 માર્ચ 2024 પછી શરૂ થતા નવા ઉત્પાદન એકમો માટે રાહત કર દર વધારવા અંગે વિચારણા કરવામાં આવે.

 

ભૂપેન્દ્ર વૈદ્ય, નિવૃત બેન્કર

મોદી સરકાર આવ્યા બાદ કોઈ પણ ટેક્સમાં રાહત આપી નથી. આવનાર બજેટમાં તમામ લોકોને 12 લાખની ઈનકમ પર રાહત આપવી જોઈએ. બજેટમાં સિનિયર સિટિઝન માટે સરકાર કોઈ મોટો ફેરફાર કર્યો નથી. શેર બજારની આવક પર જ્યાં કોઈ ટેક્સ ન હતા, જેના પર હવે ટેક્સ લાદવામાં આવ્યો છે. ટેક્સ લેબમાં A અને B જેવા વિકલ્પો હટાવી એક સીધો ટેક્સ સ્લેબ રાખવો જોઈએ. બજેટમાં સામાન્ય રીતે જે લોકોને નુકસાન થાય છે એ છે મધ્યમ વર્ગના લોકો જ્યારે ધનિકો અને ગરીબો લોકોને કોઈ ફેર પડતો જ નથી. આપણા દેશમાં સિનિયર સિટિઝન માટે ખાસ બદલાવ કરવામાં આવતા નથી. જે બદલાવ લાવવા જોઈએ. બીજા કેટલાક એવા દેશ છે, જ્યાં વય વૃધ્ધ લોકોની સાર સંભાળ સરકાર કરે છે. જ્યારે આપણે ત્યાં વય વૃધ્ધ પાસેથી પણ ટેક્સ લેવાના નિયમો છે.

 

(તેજસ રાજપરા- અમદાવાદ)