જાતિ આધારિત વસ્તી ગણતરી ખૂબ ચર્ચિત મુદ્દો છે. જે ઉત્તરોતર સમય પર ઉઠતો રહતો હોય છે. 2011ની વસ્તી ગણતરી દરમિયાન એક સોશિયો-ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ (SECC) આયોગ દ્વારા જાતિ આધારિત માહિતી એકત્ર કરવામાં આવી હતી, પરંતુ તે માહિતી જાહેર કરવામાં આવી નથી. ત્યારે ગત 30 જુલાઈના રોજ વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકોર જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ સામ-સામે આવ્યા હતા. વધતા ઘંઘાટ વચ્ચે પ્રશ્નનો જવાબ તો ના જ મળ્યો પણ આરોપ પ્રત્યારોપ વચ્ચે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના મુદ્દા પર રાહુલ ગાંધી અડગ જોવા મળ્યા.
આ તમામ ઘટના વચ્ચે પ્રશ્ન એ છે કે શું જાતિ આધારિત વસ્તી ગણતરી ભારત માટે કેટલી યોગ્ય છે.? જોઇએ, સમાજને અલગ-અલગ રીતે જોતા નિષ્ણાતોના અભિપ્રાય..
ઘનશ્યામ શાહ, જાણીતા સમાજશાસ્ત્રી
આ બાબતે મારા બે મત છે. પહેલા તો કેમ થવી જોઈએ એ બાબતે વાત કરું તો, 70 વર્ષ પછી પણ આ દેશમાં કઈ જ્ઞાતિઓ પાસે સંપત્તિ અને સત્તા વધ્યા છે એની ખબર પડે. મારા મત મુજબ અપર કાસ્ટે સત્તા અને સંપત્તિનું કોન્સન્ટ્રેશન કર્યું છે. આ બાબત વધારે ઉજાગર થાય એ માટે જાતિ ગણતરી કરવી જોઈએ.
જોકે આ નિર્ણયથી જ્ઞાતિઓમાં ભાગલા પડી જવાની શક્યતા વધી જશે, અને જો જ્ઞાતિમાં ભાગલા પડી જશે તો રાજકીય પાર્ટીને લાભ થઈ શકે. બીજી એક વાત એ પણ છે કે આનાથી જ્ઞાતિમાં તણાવ વધતો જશે. જ્યારે બીજી બાજુ કોઈ પણ જગ્યા પર આપણ જઈએ ત્યારે જાતિ એક વૈકલ્પિક પ્રશ્ન છે. એક જ્ઞાતિની અંદર પણ અલગ-અલગ કેટલાક સમાજ હોય છે. જ્યારે એક સમાજને એકત્ર કરવાની વાત આવે ત્યારે આ સમાજની અંદર અલગ અલગ સમાજ સમજાય. હું ખાતરીપૂર્વક ના કહી શકું, પરંતુ આ નિર્ણય લેવો આકરો છે જેનો કોઈ દિવસ ઉકેલ આવી શકે તેમ નથી.
અલકેશ પટેલ, સામાજિક નિષ્ણાત
જાતિ આધારિત વસ્તી ગણતરી ના થવી જોઈએ. આ એક ભાગલાવાદી વાત છે. ઉદાહરણ દ્વારા સમજાવું તો એક નાની ઓફિસમાં 10થી 15 લોકો એક સાથે કાર્યરત હોય, અને તેમાં કામ, પગાર અને વ્યવસ્થા જ્ઞાતિ જોઈ નથી આપી શકાતું. એ જ રીતે દેશમાં પણ બધા માટે બધી વસ્તુ સમાન હોવી જ જોઈએ. હા, દેશમાં શિક્ષણ, મહેનતના આધારે સામાજિક દરજ્જા આગળ કે પાછળ હોય શકે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગણીનો આશય એ જ છે કે લોકોની જેટલી સંખ્યા એટલા રિસોર્સ આપવા. આ નિર્ણય બાદ જે લોકોની બહુમતી હોય, તેવા લોકો મહેનત ઓછી કરશે, કેમ કે એ લોકોને ખબર છે કે તેમની સંખ્યા વધારે છે અને તેમને રિસોર્સ મળવાના છે. જ્યારે બીજી બાજુ અલ્પ સંખ્યા ધરાવતા લોકોમાં વધુ મહેનત કરવા છતાં રિસોર્સ ઓછા આવવાથી નકારાત્મક વૃતિ ફેલાશે. આ એક સામ્યવાદી વિચારધારા છે.
સંગીતા પટેલ, જાણીતા સમાજ શાસ્ત્રી
અત્યારના સમાયમાં ભારતની આગવી વિશેષતા જ્ઞાતિ છે. જ્ઞાતિ આધારિત માળખું ધીમે-ધીમે બદલાયું છે. વિકાસ માટે જોવા જઈએ તો, જ્ઞાતિમાં પણ પેટા જ્ઞાતિ હોય છે. જેને સરકારી યોજનાઓનો લાભ મળી શકતો નથી. એ જ્ઞાતિ માટે પણ અમુક રિઝર્વેશન હોવા જોઈએ. વિચરતી પછાત જાતિઓ સુધી સરકારી યોજનાના લાભ પહોંચ્યા નથી. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો સરકારી લાભ પહોંચાડવા ઉપરાંત પણ વિકાસને પણ વેગવંતુ બનાવી શકો. હાલના સમયમાં દરેક જ્ઞાતિનું પોતાનું એક જૂથ એક બંધારણ હોય છે. જેમાં કુરિવાજો સહિતની વસ્તુઓ ધીમે-ધીમે નાબુદ થાય છે. ઉપરાંત આ નિર્ણય લાગુ થવાથી દરેક સમાજના વિકાસને વેગવંતુ બનાવવામાં મદદરૂપ બનશે. જો દરેક નાનાથી નાના સમાજની સંખ્યા આપણી પાસે હશે, તો આપણે સરકારી યોજાના તેમના સુધી સારી રીતે પહોંચાડી શકાશે. આ ઉપરાંત રાજકારણમાં જોઈએ તો, લોકસભા ચૂંટણીમાં પણ જ્ઞાતિઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થશે સંખ્યાત્વ સાથે ગુણાત્મ પરિણામ પણ મળશે.
ઉમંગ સરવૈયા, એડવોકેટ અને નોટરી
વ્યક્તિગત રીતે હું એવુ માનું છું કે જાતિગત જનગણના ન થવી જોઈએ. આપણા દેશમાં અલગ-અલગ ધર્મના જુદી-જુદી જાતિના લોકો વસે છે. જેથી લોકોની જનસંખ્યા વધુ હશે તેનું પ્રભુત્વ વધી જશે. જ્યારે બીજી બાજુ નાની સંખ્યા ધરાવતા સમાજનો અવાજ કોઈ નહીં સાંભળે. આ ઉપરાંત જો જાતિ આધારિત વસ્તી ગણતરી લાગુ થશે, તો મોદી સરકારના ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના નારાનો વિરોધાભાષ ઉભો થશે. આપણા દેશના બંધારણમાં પણ લોકોને ધર્મ કે જાતિના આધારે જોતું નથી, તે માત્ર ભારતના નાગરિક તરીકે જ લોકોને જોવે છે. જાતિ આધારીત જનગણના હોવાથી વર્ગ વિગ્રહ થવાની સંભાવના વધી જશે. ત્યારે કેટલીક જ્ઞાતિ એવી છે કે, જે ગુજરાતમાં OBCમાં છે પરંતુ બીજા રાજ્યમાં SC, ST, OCમાં હોય શકે. આ નિર્ણયથી અલ્પ સંખ્યા ધરાવતા સમાજને ન્યાય મળવાની સંભાવના પણ ઘટી જશે, જેથી જાતિ આધારિત જનગણના ન થવી જોઈએ.
ડિમ્પલ વરિંદાની, પ્રેસિડેન્ટ, હેલ્પીંગ હેન્ડ્સ ટ્રસ્ટ
જાતિ આધારિત ગણતરી ના થવી જોઈએ. દેશના તમામ નાગરિકો ભારતીય છે. મારા મત પ્રમાણે દેશના નાગરિકોની ગણતરી થવી જોઈએ, ન કે લોકોના જ્ઞાતિ. આપણે જ આપણા દેશમાં જ્ઞાતિ નામની લકીર બનાવી રહ્યા છીએ. જ્યારે આપણે દેશ આઝાદ થયો ન હતો, ત્યારે આપણા દેશમાં જ્ઞાતિવાદ વધુ હતો. આજે આપણો દેશ આગળ વધી રહ્યો છે. એજ્યુકેટેડ લોકોની સંખ્યા વધી રહી છે. આજે ST, SC, OBC હોય તમામ પાસે ભણતર હોય છે. આપણે આપણી સિસ્ટમમાં સમાનતા લાવવા જોઈએ. આપણી આવનાર પેઢીને આ જ્ઞાતિવાદથી બચાવવી જોઈએ.
(તેજસ રાજપરા-અમદાવાદ)