કેન્દ્ર સરકારે કેબિનેટમાં જાતિ આધારિત જનગણનાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા છે. એક બાજુ પહેલગામ આતંકી હુમલાના પગલે સરહદ પર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સરકારના આ અચાનક નિર્ણયથી લોકોના મનમાં પ્રશ્નનો વંટોળ છવાઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિપક્ષ દ્વારા વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવતો હતો. સરકારનો નિર્ણય અને વિપક્ષનો આવકાર-ઘણા લોકો બંને બાબતોને જોડવાનો પ્રયાસ કરીને એની પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જાતિગત જનગણનાનો નિર્ણય કેટલો યોગ્ય છે? આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો નિષ્ણાતો આ મુદ્દે શું કહે છે…
ડો.મયુર પરીખ, જાણીતા રાજકીય વિશ્લેષક
“આ નિર્ણય પછી ઘણા મોટા ફેરફાર થવાની શક્યતા છે. કેમ કે ઘણી એવી ખોટી ધારણાઓ આ ઉમેરી પણ દેશે અને હટાવી પણ દેશે બંને વસ્તુ થવાની છે. કેમ કે, આ નિર્ણયથી જે જ્ઞાતિને આરક્ષણની જરૂર છે તેને તો મળશે. પણ જે સમુદાયને અત્યાર સુધી લાભ મળતા હતા અને હવે તેમનું સ્તર ઉપર આવી ચૂક્યુ છે, તેમની પાસેથી લાભ છીનવાઇ જશે, જેના કારણે વિવાદો ઊભા થશે. ઘણા એવા લોકો છે જે સરકારી યોજના લેવાના માપદંડમાં આવી જશે, એ લોકો પોતાના હક્ક માટે અવાજ ઉઠાવશે. આ નિર્ણયને અમલમાં મુકાવાની પ્રક્રિયા ખુબ લાંબી છે. આ નિર્ણયનું સંભવિત નુકસાન એ થશે કે, કોઈ એક સમાજના અમુક પરિવારોની સ્થિતિ સારી હોય, પરંતુ વધુ પરિવારોની સ્થિતિ ખરાબ હશે, તો આખા સમાજને સરકારી યોજનાઓનો લાભ મળી શકે. અમુક જ્ઞાતિઓને લઈ થતી પુર્વધારણા પર ખોટી પડી શકે. મારા મત પ્રમાણે આ જાતીગત જનગણના કરવી જોઈએ. સામાન્ય રીતે જનજીવનમાં જાતિની મોટી ભુમિકા હોય તો, તેને ઓન પેપર લાવવામાં શું વાંધો છે? આ ઓન પેપર આવવું જ જોઈએ.”
રૂઝાન ખંભાતા, સામાજિક અગ્રણી, અમદાવાદ
“જો કોઈપણ નિર્ણયના બે પાસાં હોય છે, અને તેના સારા-ખરાબ પરિણામો બંને શક્ય છે. 2011 આપણા દેશમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આપણે આદિવાસી અને દલીત અમે બે જ વર્ગોની જાતિગત જનગણના થશે બાકી સામાન્ય જનગણના થશે. વિપક્ષ જો કોઈ માગ કરતી હોય તો તે, રાજકિય સ્વાર્થ માટે માગ કરી શકે છે. પણ વિપક્ષના દબાણમાં આ નિર્ણય કેમ કરવામાં આવ્યો, તે સમજવું થોડું મારા માટે આકરું છે. મારા મત પ્રમાણે માઈક્રો ડેટા ઘણી વખત લોકો માટે જ સારો પુરવાર સાબિત થઈ શકે છે. ગુજરાતમાં આ જનગણના બાદ તો ડિલિમિટેશન આવવાની સંભાવના પણ છે. જો કોઈ પણ નિર્ણય હોય, તેના સારા અને ખરબા બંને ઉપયોગ હોય છે. પરંતુ અહીં મારા પ્રમાણે આ નિર્ણયનો સારો ઉપયોગ થવાનો છે. વિચારવા જેવી એ વાત છે કે આ નિર્ણયમાં કોઈ રાજકીય લાભ છે, કે કોઈ પ્રમાણિક પરામર્શ છે, કેમ કે પહેલા સત્તા પક્ષે નિર્ણયનો અમલ કરવાની ના પાડી હતી, જે પછી યુટર્ન લઈ નિર્ણયનો અમલ કરાવ્યો છે. આ નિર્ણયનો આનો ફાયદો એ થશે કે, હાલ સુધી જે સરકારી યોજનના લાભ લોકો સુધી પહોંચી રહ્યા હતા, તે હવે બીજા જરૂરી લોકો સુધી પણ પહોંચાડી શકાશે.”
ડૉ.નયનેશ ગઢવી, અધ્યાપક અને સમાજશાસ્ત્રી, અમદાવાદ
“આ નિર્ણય સાચો કે ખોટો એ નિર્ણય લેવા પાછળની મહત્વકાંક્ષા પર નક્કી કરી શકાય. મારી દ્રષ્ટીએ એવી ઘણી પેટા જ્ઞાતિઓ છે જેમાં શિક્ષણ અને સામાજિક વિકાસનો દર ઓછો છે. જો એવી જ્ઞાની પર વધુ ફોક્સ કરવામાં આવશે, તો આ નિર્ણય અસરકારક બનશે. જો જો સરકારી લાભો એવા લોકો સુધી પહોંચાડવામાં આવે, જેમને હજુ સુધી તે મળ્યા નથી અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકાર શું કરી શકે, તેના હેતું સ્પષ્ટ હોય તો, આ નિર્ણય ખુબ જ સારો છે. પણ જો રાજકીય લાભો માટે જ આ નિર્ણય કરવામાં આવ્યો હોય તો આ નિર્ણય અયોગ્ય છે.”
દેવાંગ લાઠિગરા, ખાનગી કંપનીમાં માર્કેટીંગ હેડ, પૂણે
“જાતિ આધારિત જનગણના માટે મારો અભિપ્રાય દ્વિધા ભરેલો છે. એક સંશોધક તરીકે હું માનું છું કે સાચા અને વિગતવાર ડેટા કોઈપણ નીતિ ઘડતર માટે ખૂબ જરૂરી છે. ખાસ કરીને જ્યારે વાત સામાજિક ન્યાયની આવે. ભારત જેટલા વૈવિધ્યસભર દેશમાં, જો આપણે ચોક્કસ જાતિગત અને આર્થિક પરિબળો વિશે જાણીએ તો હેતુસાર યોજના ઘડી શકાય. પરંતુ પ્રશ્ન એ છે કે, આ ડેટાનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરશે? શું આ માહિતીથી નીતિ ઘડાશે કે રાજકીય સંખ્યાબંધ ગણતરી થશે? ડેટા એક શક્તિ છે, પણ જ્યારે તે કૌશલ્ય વગર કે અકાર્યપણે વાપરાય છે ત્યારે તે ભેદભાવ ઊભો કરી શકે છે. જો માત્ર રિપોર્ટ તૈયાર થાય અને તેના આધારે અસ્તિત્વમાંથી ઊંડા પડેલા વર્ગો માટે યોગ્ય આયોજન ન થાય, તો જનગણના માત્ર કાગળ પર જ રહી જશે.”
ચંદ્રેશ બારોટ, રિયલ એસ્ટેટ મેનેજર
“જાતિ આધારિત જનગણનાનો નિર્ણય રિયલ એસ્ટેટ સેક્ટરના દૃષ્ટિકોણથી ઘણો મહત્વપૂર્ણ અને બેવડી અસર ધરાવતો હોઈ શકે છે. એક રિયલ એસ્ટેટ મેનેજર તરીકે હું માનું છું કે આ ડેટા સરકારને એફોર્ડેબલ હાઉસિંગ યોજનાઓને વધુ લક્ષિત અને અસરકારક બનાવવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને, જો જનગણનામાંથી એવી જાતિઓ અને સમુદાયોની ઓળખ થાય કે જેમની આર્થિક સ્થિતિ નબળી છે, તો સરકાર આવા સમુદાયો માટે સબસિડી આધારિત હાઉસિંગ પ્રોજેક્ટ્સ અથવા લો-કોસ્ટ હાઉસિંગ સ્કીમ્સ શરૂ કરી શકે. આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને નવા પ્રોજેક્ટ્સ અને રોકાણની તકો મળી શકે, ખાસ કરીને શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં જ્યાં એફોર્ડેબલ હાઉસિંગની માંગ વધી રહી છે. બીજી બાજુ, આ નિર્ણયના કેટલાક પડકારો પણ છે. જો જનગણનાના ડેટાનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થશે અથવા તેનો દુરુપયોગ થશે, તો સમાજમાં વિભાજન વધી શકે છે, જેની અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ પડી શકે. મારા મતે, આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એ હશે કે, તેનાથી સરકારને વધુ સચોટ ડેટા મળશે, જેનો ઉપયોગ ગરીબ અને પછાત સમુદાયો માટે હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં થઈ શકે.”
(તેજસ રાજપરા)
