Opinion: કામ મહત્વનું કે કામના કલાકો?

સામાન્ય જીવન નિર્વાહ માટે ત્રણ મહત્વના પાસા હોવા જરૂરી છે. જેમાં રોટી, કપડાં અને મકાનનો સમાવેશ થાય છે. આ ત્રણ પાસા કમાવા માટે આપણે નોકરી અથવા તો ધંધો કરવો જરૂરી છે. જીવનમાં કોઈ પણ વસ્તુ શીખવા માટે પરિશ્રમ જરૂરી છે. કોઈ પણ કામ કરવા માટે ધગશ જરૂરી છે. સ્વામી વિવેકાનંદે પણ આ વિષય પર કહ્યું હતું કે જો સફળ થવું હોય તો “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”

પરંતુ અત્યારના સમયમાં વિચારો બદલાયા છે. વર્ષ 2023 અને 2024માં બે મોટી કંપનીના ચેરમેનના સક્સેસ મંત્ર ખૂબ ચર્ચામાં આવ્યા છે. ઇન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિએ એવું કહ્યું હતું કે દેશના દરેક યુવાને અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. હવે L&T કંપનીના ચેરમેન એસ.એન.સુબ્રહ્મણ્યે અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપતા ફરી વિવાદ છેડાયો છે. તેમના મત અનુસાર કર્મચારીએ રવિવારે પણ કામ કરવું જોઈએ. ત્યારે અહીં પ્રશ્ન એ ઊભો થાય કે શું જીવનમાં આરામ કરવો જરૂરી નથી?

આ વખતે ‘ઓપિનિયન’ વિભાગમાં અલગ-અલગ વર્ગના કર્મચારીઓ પાસેથી જાણીએ કે કામના કલાકો મહત્વના હોય છે, કે કામ?

ડો. વૈભવ જોષી, સાયક્યાટ્રીસ્ટ (ગોલ્ડ મેડાલિસ્ટ), બ્રેઈન કેર હોસ્પિટલ, અમદાવાદ

“વર્ક સ્ટ્રેસના કારણે માનસિક તથા શારીરિક તકલીફ થવી બહુ સામાન્ય છે. આજે ભારતમાં આર્થિક મંદીના કારણે વર્ક લોડ વધી ગયો છે. જેના કારણે સામાજિક રીતે પણ ઘરમાં લડાઈ ઝઘડા વધી ગયા છે. કામના સ્થળ પર એક હકારાત્મક અને પ્રેરણાદાયક વાતાવરણ હશે તો કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થશે અને કર્મચારી વધારે અસરકારકતાથી કામ કરી શકે. વધારે પડતા વર્ક સ્ટ્રેસના કારણે કામના વાતાવરણ પર ખરાબ અસર થશે જેના કારણે કર્મચારીનો કામ કરવાનો ઉત્સાહ નહીં જળવાય અને કર્મચારીને જોબ સેટિસ્ફેકશન પણ નહીં રહે.

જો વધારે પડતા કામના કલાકો વધારવામાં આવે તો વ્યક્તિની એકાગ્રતા ક્ષમતા ઓછી થતી જાય છે અને વ્યક્તિના કામમાં ભૂલો કરવાનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે સેલેરી કટ થવી, સિનિયર તરફથી ઠપકો મળવાનો ડર વધી જાય છે. આ સાથે નોકરીને લઈ ઇનસિક્યોરિટી વધી જાય છે. જેના કારણે કર્મચારીમાં ફાઈનાન્શિયલ ઇનસિક્યોરિટી પણ ઉદ્ભવે છે. આ બધાના કારણે કર્મચારીમાં માનસિક ડર રહે છે અને કર્મચારી માનસિક બીમારીનો ભોગ બને છે. વર્ક સ્ટ્રેસના કારણે કર્મચારીમાં કોન્ફિડન્સ પણ ઓછો રહેશે અને વધારે પડતા વર્ક સ્ટ્રેસના કારણે લોકો કામ પર જવાનું પણ ટાળે છે. વર્ક સ્ટ્રેસના કારણે ડિપ્રેશન, એન્ઝાયટીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના લીધે યુવાનો આજે વ્યસનના ગેરમાર્ગે ચડી રહ્યા છે. આમ આર્થિક નુકસાન પણ ભોગવવું પડી શકે છે.”

કાજલ રાઠોડ, આઈ. ટી. સ્ટાફ ઓગમેન્ટેશન & ફાઉન્ડર ઓફ એન. એસ. ગ્લોબલ કોર્પોરેશન, રાજકોટ

“કોઈ પણ કંપનીમાં 90 કલાક કામ કરવામાં આવે કે 70 કલાક કામ કરવામાં આવે, ત્યાં કામ પૂર્ણ થવું જોઈએ. સામાન્ય રીતે એક સપ્તાહમાં કર્મચારી 48 કલાક કાર્યરત રહે છે. 90 કલાકની વાત કરવામાં આવે તો આટલું કામ કર્યા બાદ કોઈ પણ માણસની પ્રોડક્ટિવિટી ન મળે. ડેવલપર્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણી વખત જે કાર્ય કર્મચારી બે કલાકમાં પૂર્ણ નથી કરી શકતા, તે કામ ફ્રેશ થઈને અડધી કલાકમાં પૂર્ણ કરી આપે છે. મારી દ્રષ્ટિએ કામના કલાકો મહત્વપૂર્ણ નથી કામ મહત્વપૂર્ણ છે. કોઈ પણ કંપનીના કર્મચારીની પ્રોડક્ટિવિટી પાંચથી છ કલાકની હોય છે. હા એ વાત છે, જો કર્મચારી પોતાનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન કરે તો તેને વધુ સમય કાર્યસ્થળ પર પસાર કરવો પડે છે. કંપનીએ કર્મચારીને વધુ સુવિધાઓ અને અપ્રાઇઝલ આપવું જોઈએ. જ્યારે કર્મચારીએ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરી પ્રોડક્ટિવ રહેવું જોઈએ. આ રીતે બંને પક્ષ માટે બરાબર સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.”

પરવાન હૈદર ખાદીમાલી મિર્ઝા, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ખાનગી કંપનીના કર્મચારી, અમદાવાદ

“બધાં જ લોકો પોતાના પરિવાર માટે કમાતા હોય છે. જો તમે નોકરી ધંધાને લઈ પરિવારને સમય ન આપી શકો તો કમાણી શું કામની? અહીં બે વસ્તુ અસર કરે છે એક તો પીસ ઓફ માઈન્ડ અને બીજુ સંબંધ. આપણે એવી નોકરી ન કરવી જોઈએ, જ્યાં પીસ ઓફ માઈન્ડ ન મળતું હોય. પરિવારને સમય આપવા સાથે પોતાના શરીરને આરામ પણ આપવો જરૂરી છે. આ ઉપરાંત જે તે જગ્યા પર કંપનીમાં કામ કરો છે તે કંપની કર્મચારી વિશે શું વિચારે છે તે પણ મહત્વનું છે. જો કંપનીમાં કામ કરવાની મજા આવે તો કર્મચારી વધુ સારું કામ કરી શકે.”

વિવેકા પટેલ, જાણીતા અભિનેત્રી, અમદાવાદ

“કોઈ માણસની પ્રાયોરીટી કામ ન હોવું જોઈએ, તેમના પરિવારને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ. વર્ક બેલેન્સ સાથે એક મહત્વની વસ્તુ છે, મેન્ટલ હેલ્થ. જો તે બરાબર નહીં હોય તો, કામ અને પરિવાર બંને જગ્યા પર તેની અસર પડે છે. અત્યારના સમયમાં સ્ક્રિન ટાઈમ વધી જવાથી લોકોની એકાગ્રતામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આપણે શરીર અને મગજને અમુક કલાકનો બ્રેક આપવો જરૂરી છે. બધાં લોકોની ક્ષમતા એક સરખી નથી હોતી. કોઈ માણસને ચાર કલાકનો આરામ જરૂરી હોય તો કોઈને આઠ કલાકનો આરામ જરૂરી હોય. જેની મેન્ટલ હેલ્થ બરાબર હોય તે અઠવાડિયામાં ગમે તેટલા કલાક પણ કામ કરી શકે છે. 90 કલાક કામ કરવું કે ન કરવુ તે તમારી કાર્ય ક્ષમતા પર આધાર રાખે છે.”

હિતેશ દેવલિયા, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, યુનિવિયા એગ્રી, અમદાવાદ

“વાસ્તવિકતા તો એ છે કામના કલાકોને લઈ કોઈ ડિબેટ ન થવી જોઈએ. કંપનીમાં થતી પ્રોડક્શનની ક્વાન્ટિટીને લઈ ડિબેટ કરવી યોગ્ય રહેશે. વધતી સોશિયલ લાઈફથી કલાકના કામમાં બે કલાકનો સમય વ્યર્થ થાય છે. આજ કાલના યુવાનો અમુક કલાકમાં થાકી જાય છે. ત્યારે આપણે 90 કલાક કામ કરવાની વાત કરીશું તો તેના પર ફ્રસ્ટ્રેશન આવી જશે. મહત્વનું એ છે કે કંપનીની અંદર ફોક્સ અપ્રોચ કઈ રીતે રાખી શકાય. સરકારી સૂચના પ્રમાણે 48 કલાકથી વધુ કામની જરૂર નથી. હા એ વાત છે કે કંપનીના ફાઉન્ડર હોય તેમને ગ્રોથ માટે કામ કરવુ પડે.”

 

(તેજસ રાજપરા – અમદાવાદ)