ક્યારે આવે નોરતા, હું જોતી’તી વાટ રે…
આવ્યા માના નોરતા, મારી અંબામાના નોરતા!
નવરાત્રી એ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ છે, જ્યાં નવ રાત સુધી શેરીઓ, પોળો અને ગ્રાઉન્ડ્સમાં અખંડ જ્યોતની સાક્ષીએ
ગરબાની રમઝટ બોલે છે. ચણિયાચોળી, કેડિયું અને પરંપરાગત ઘરેણાં સજીને જ્યારે ખેલૈયાઓ માતાજીની માંડવી ફરતે ગોળાકારે ઘૂમે છે, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી ગૂંજી ઊઠે છે.
સદીઓથી ચાલતી આ નવરાત્રી પરંપરામાં સમય સાથે અનેક અનોખી શૈલીઓ વિકસી છે, જે આ તહેવારની ખરી રોનક છે. શાંત ભક્તિભાવથી શરૂ કરીને રાત ઢળતાં જોશીલા તાલ સુધી પહોંચતી ગરબાની મુખ્ય પાંચ શૈલીઓ નવરાત્રીના ઉત્સવને જીવંત બનાવે છે. વાત કરીએ ગરબાની અવનવી શૈલી(સ્ટાઈલ) વિશે…
બે તાળી અને ત્રણ તાળી ગરબા

નવરાત્રીના આરંભની મૂળ ઓળખ એટલે પરંપરાગત બે તાળી અને ત્રણ તાળી. આ ગરબાની સૌથી પ્રાચીન શૈલી છે, જેનો ઇતિહાસ આશરે 800થી 900 વર્ષ જૂનો માનવામાં આવે છે. સમગ્ર ગુજરાતના ગામડાં, પોળો અને શહેરી વિસ્તારોમાં માતાજીના ચોકમાં છિદ્રાળુ માટીના ગરબા (ગર્ભદીપ) સ્થાપીને આ શૈલી અવિરત રમાય છે. 1, 2, 3 ના લયબદ્ધ તાલ પર પગ આગળ-પાછળ રાખીને હથેળીઓનો તાલ મિલાવવો એ આની મૂળ ઓળખ છે. નવરાત્રીની શરૂઆતમાં ‘આનંદનો ગરબો’, પ્રાચીન છંદ અને આરતી ગાઈને આરાધના કરવામાં આવે છે. ધીમા લયથી શરૂ થતો આ ગરબો જેમ રાત આગળ વધે તેમ ઢોલના વધતા ધબકારા સાથે સહજ ફેરફૂદડીમાં પરિવર્તિત થાય છે.
ગરબી

નવરાત્રીના ચોકમાં સ્ત્રીપ્રધાન ગરબાની સામે પૌરુષત્વ અને ભક્તિરસનો અદભુત સમન્વય એટલે ગરબી. આ શૈલીનો ઇતિહાસ સદીઓ જૂનો છે, જે 18મી સદીમાં ભક્તકવિ દયારામની ગરબી રચનાઓ બાદ સમગ્ર સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ચરમસીમાએ પહોંચ્યો હતો. ગરબી મૂળભૂત રીતે પુરુષો દ્વારા રમાતી શૈલી છે. ગામના ચોકમાં લાકડાની કોતરણીવાળી માંડવી કે દીવો સ્થાપીને પરંપરાગત કછોટો કે ધોતી વાળીને પુરુષો વર્તુળાકારે ઘૂમે છે. ઢોલના ભારે ઘા, ઝાંઝ-પખાવાજ અને કરતાલના ઝડપી તાલ સાથે પગની જોરદાર ઠેક અને કૂદકા આની મુખ્ય ઓળખ છે. વીરરસ અને મા અંબા તેમજ કૃષ્ણભક્તિના સૂર સાથે રમાતી ગરબી નવરાત્રીના માહોલને ભક્તિમય અને જોશીલો બનાવી દે છે.
હીંચ

નવરાત્રીની મધ્યરાત્રિ પછી જ્યારે ગરબાનો માહોલ ચરમસીમાએ પહોંચે ત્યારે હીંચની રમઝટ શરૂ થાય છે. આ શૈલી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના માલધારી, રબારી તથા ચારણ સમુદાયો દ્વારા સદીઓથી (આશરે 400થી 500 વર્ષ જૂના લોકવારસા તરીકે) જાળવી રાખવામાં આવી છે. ડાક અને કાંસીજોડાના અતિ ઝડપી તાલ પર રમાતી હીંચમાં શરીરનું અદભુત સંતુલન જોવા મળે છે. આ શૈલીની મુખ્ય ઓળખ કમરેથી વાંકા વળીને લયબદ્ધ ઝૂકવું, ખભાના ઝટકા લેવા અને ઝડપી હિલોળા સાથે આગળ વધવું છે. નવરાત્રીની રાતોમાં હીંચનો તીવ્ર તાલ અને વળાંકો ખેલૈયાઓમાં રુવાંડાં ઊભાં કરી દે એવો જોશ ભરી દે છે.
દાંડિયા રાસ અને ટીપ્પણી

નવરાત્રીની પૂર્ણતા દાંડિયાના ખખડાટ વગર અધૂરી ગણાય છે. દાંડિયા રાસનો ઇતિહાસ દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન ગોપ-રાસલીલા સાથે હજારો વર્ષ જૂનો જોડાયેલો છે, જ્યારે ટીપ્પણી એ સૌરાષ્ટ્રના ચોરવાડ દરિયાકાંઠાની કોળી અને ખારવા બહેનોના ભોંયતળિયું ટીપવાના શ્રમ-નૃત્યમાંથી ઉતરી આવેલી અંદાજે દોઢસો વર્ષ જૂની કળા છે. હાથમાં રંગબેરંગી લાકડાના દાંડિયા કે ટીપ્પણી લઈને સામસામે અથડાવતાં વર્તુળાકારે ઘૂમવું એ આનું હાર્દ છે. આંખ, હાથ અને પગનું પરફેક્ટ ટાઈમિંગ આમાં અનિવાર્ય છે. લાકડીઓનો પરસ્પર રણકાર અને ઘુઘરાનો નાદ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દે છે.
દોઢીયું

નવરાત્રીમાં યુવા ખેલૈયાઓનો સૌથી પ્રિય અંદાજ એટલે દોઢીયું. આ શૈલી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ચોકમાંથી નીકળીને 1980 અને 1990ના દાયકામાં આધુનિક મોટા ગ્રાઉન્ડ્સ, ક્લબ્સ અને પાર્ટી પ્લોટ્સ પર ખૂબ લોકપ્રિય બની. સામાન્ય ગતિ કરતાં 1.5 ગણી (દોઢ ગણી) ઝડપી ચાલ પરથી એનું નામ દોઢીયું પડ્યું છે. આશરે 100 વર્ષ જૂની આ શૈલી મૂળ 8 કે 12 તાલના સ્ટેપ્સથી શરૂ થઈ હતી, જે આજે વિસ્તરીને 16, 24, 32 કે 64 સ્ટેપ્સના આકર્ષક વળાંકો સુધી પહોંચી છે. આગળ ઝૂકીને તાળી પાડવી, ચપળતાથી દિશા બદલવી અને ગોળાકારમાં લયબદ્ધ કદમતાલ સાથે આગળ વધવું એ આ શૈલીની મુખ્ય ખાસિયત છે.
|
ફ્યુઝન, લોકનૃત્યો અને ટ્રેન્ડિંગ સ્ટેપ્સની રમઝટ!
આજના આધુનિક ગરબા ગ્રાઉન્ડ્સ પર પરંપરાગત શૈલીઓની સાથે લોકનૃત્યો અને આધુનિક ફ્યુઝનનો અદભુત સંગમ જોવા મળે છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં 72-સ્ટેપ ગરબા તેમજ હાઈ-એનર્જી ‘થનગાટ’ અને બોલીવુડ ફ્યુઝન સ્ટેપ્સ યુવાનોમાં ભારે ધૂમ મચાવી રહ્યા છે. આ સાથે ગ્રાઉન્ડમાં ઊર્જા ભરતો ઝડપી ‘ટીટોડો’, પગની ચંચળ મૂવમેન્ટવાળું ‘પોપટ સ્ટેપ’ અને 14 સ્ટેપનો જાણીતો ‘કાચુકો’ સદાબહાર આકર્ષણ બન્યા છે. બીજી તરફ, ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિમાંથી આવેલી પંચમહાલ-દાહોદની ફાસ્ટ બીટ્સવાળી ‘ટીમલી’, તરણેતરના મેળાની ઓળખ સમાન હાથ-પગના સામસામે તાલવાળો ‘હુડો’, જોશીલો ‘સનેડો’ અને ભક્તિભાવથી રુવાંડાં ઊભાં કરતા વેગવંતા ‘ડાકલા’ સ્ટેપ્સ આજના નવરાત્રી મહોત્સવને અતિ રોમાંચક અને જીવંત બનાવી રહ્યા છે. |
(હેતલ રાવ)





