અવનીશા અમદાવાદની એક IT કંપનીમાં ડેવલપર તરીકે કામ કરતી. એનું સપનું હતું પ્રોજેક્ટ મેનેજર બનવાનું, પણ ઓફિસમાં ટીમ લીડર ઝીવા હંમેશા એની અવગણા કરતી. અવનીશા સારો પ્રોજેક્ટ તૈયાર કરે, છતા એને એપ્રોચ કરવામાં ન આવે. ઝીવા જાણતી હતી કે અવનીશા ખુબ સારું કામ કરે છે, મેનેજર બનવા માટે પરફેક્ટ છે. એટલેસ્તો એ હંમેશા કોઈને રોઈ રીતે એને અપમાનીત કરતી.
જયારે ઓફિસના રાજકારણમાં ફસાયેલી અવનીશા ઘરે જાય ત્યારે સાસુ નીલમબહેન આગ્રહ રાખતાં કે ઘરના બધા કામ એ જ કરે. વારંવાર એને મહેણાં મારતા કે “નોકરી કરે છે એટલે ઘરની જવાબદારી ભૂલી જાય છે”. ઘણીવાર તો સાસુની બહેનપણીઓ પણ ટોકતી કે આ નોકરી- બોકરી તો ઠીક છે, બાકી ઘર સંભાળવું એ જ સ્ત્રીનું કામ છે.
અવનીશા ઘણીવાર હતાશ થઈ જતી. પણ પતિ ઉત્સવ હંમેશા એને સાથ આપતો, દરેક વાતને અવગણવાની સલાહ આપતો. અવનીશાને પતિના સહકારથી ઘણું પ્રોત્સાહન મળતું. આખરે એની મહેનત રંગ લાવી. ઓફીસના સિનીયર મેનેજર આશિષે અવનીશાના પ્રોજેક્ટને અપ્રુવ કરી એની કાબેલિયતને ધ્યાનમાં રાખી પ્રમોશન આપ્યું.
એક સ્ત્રી તરીકે અવનીશાને ઘર કે ઓફિસમાં બીજી સ્ત્રીનો તો સહકાર ન મળ્યો, પણ પતિ અને સિનીયર મેનેજરના સાથથી એ યોગ્ય જગ્યાએ પહોંચી શકી.
શું કામ એક સ્ત્રી જ સ્ત્રીને આગળ વધતી રોકે છે? ક્યાંકને ક્યાંક ન ઇચ્છતા આજે પણ એક સ્ત્રી જ સ્ત્રીની અવરોધક છે.
સ્ત્રીની સ્ત્રી માટેની સમજણશક્તિની ઉણપ
સમાજમાં સ્ત્રીઓ ઘણી આગળ વધી રહી છે. સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. પુરુષો પણ સ્ત્રીઓની આ સ્થિતિને સ્વીકારતા થયા છે, એની પ્રગતિને બિરદાવતા થયા છે. પણ ઘરથી માંડીને કાર્યક્ષેત્ર સુધી દરેક જગ્યાએ સ્ત્રીની સ્ત્રી માટેની સમજણશક્તિની ઉણપ વર્તાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા રાઈટર નીતિક્ષા જેઠવા કહે છે કે, “એક સ્ત્રી જ ઈચ્છે છે કે સ્ત્રી ક્યારેય આગળના વધે એ ફક્ત ઘરના ચારખુણામાં ઘરના કામમાંજ સમાય જાય. એક સ્ત્રીંજ ઈચ્છે છે કે સ્ત્રી ક્યારેય એના કાર્યક્ષેત્રમાં આગળના વધે, એની પીછેહઠ થાય અને એ જોઈને હું ખુશ થાઉ. એક સ્ત્રીને એના જ સ્ત્રી સંબંધો બંધનમાંથી મુક્ત નથી કરી શકતા. ઘરના કામ પરિવારજનોની જવાબદારી સ્ત્રી એટલે માત્ર રસોડું, કદાચ આજ બિરુદ એક ઘરની વડીલ સ્ત્રી એના ઘરમાં આવનાર વહુ કે દેરાણીને આપતી હશે. કાર્યક્ષેત્રમાં પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને નીચી બતાવી પોતે આગળ વધવાનો પ્રયાસ કરે છે. સ્ત્રી આગળ વધી રહી છે પણ આગળ વધતા વધતા પાછળ નજર કરતાજ એને પાછળ ખેંચવામાં સ્ત્રીઓનું ઝુંડ જોવા મળે છે. પણ હવે સ્ત્રીઓ એ જ સ્ત્રીની પ્રગતિ માટે એના પડખે આવવું પડશે.”
સ્ત્રીની સ્ત્રી પ્રત્યેની અપેક્ષાઓ
સમાજમાં સ્ત્રીઓ એકબીજાને નીચે ખેંચવાનું કામ કરે છે, જેનાથી અશાંતિ ફેલાય છે. જ્યારે દીકરીનો જન્મ થાય, ત્યારે માતા કે સાસુ પુત્રની અપેક્ષા રાખે છે. દીકરીને નાનપણથી જ ઘરકામ, સાસરે જવાની તૈયારી અને નિયમો શીખવવામાં આવે છે. લગ્ન બાદ સાસુ વહુ પાસેથી ઘરના કામમાં પરફેક્શનની અપેક્ષા રાખે છે. પોતે સહન કરેલી પીડા વહુએ પણ સહન કરવી જોઈએ એવું માને છે. આ ઝઘડાઓથી ઘરમાં અશાંતિ ફેલાય છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર મિનાક્ષી પ્રજાપતિ કહે છે, “વિધવા સ્ત્રીને શણગાર, રંગીન કપડાં કે જીવનનો આનંદ માણવાની મનાઈ કરવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ એની નિંદા કરે છે, એમ કહીને કે “એનો પતિ નથી, તો એ સમાજમાં શું કામ રહે?” કામકાજી સ્ત્રીઓ પાસે પણ ઘર અને નોકરી બંનેમાં સમાન પરફેક્શનની અપેક્ષા રાખવામાં આવે છે, જે અનુચિત છે. સ્ત્રીએ સ્ત્રીને સમજવાની જરૂર છે. એકબીજાને નીચે ખેંચવાને બદલે, સાથ આપીને મજબૂત બનાવવી જોઈએ. જો સ્ત્રીઓ એકબીજાને સમર્થન આપે, તો સમાજમાં મજબૂત સ્ત્રીઓની સંખ્યા વધશે, અને સમાજ વધુ સુખી થશે.”
સ્ત્રીઓ એકબીજાને સમજીને સમર્થન આપવાની જરૂર છે
સ્ત્રી કોઈપણ પરિસ્થિતિમાં હોય બીજી સ્ત્રી ક્યારેય એની મનોસ્થિતિને સમજી શકતી નથી. ઘણીવાર સ્ત્રીજ સ્ત્રીનું શોષણ કરતી નજરે પડે છે. સ્ત્રીઓ વચ્ચેની ઈર્ષા અને સ્પર્ધા ઘણીવાર ઘર અને સમાજમાં વિખવાદનું મૂળ કારણ બને છે. અમુક સ્ત્રીઓને એવી લાગણી થાય છે કે બીજી સ્ત્રી એમનાથી વધુ સફળ, આકર્ષક કે સમર્થ ન બનવી જોઈએ.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા નિવૃત શિક્ષિકા કોમલ દેસાઈ કહે છે કે, “ખાસ કરીને ઘરમાં, સાસુ-વહુના સંબંધોમાં, સત્તા અને પ્રભુત્વ જાળવવાની લડાઈ જોવા મળે છે, જ્યાં સાસુને ભય રહે છે કે વહુ તેનું સ્થાન ન હડપી લે. આ અસુરક્ષા અને ઈર્ષાની ભાવના સ્ત્રીઓને એકબીજાને નીચે ખેંચવા પ્રેરે છે, જેનાથી સંબંધોમાં તિરાડ પડે છે. આવું દરેક જગ્યાએ નથી હોતું, પરંતુ ઘણીવાર સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી અવરોધક બની જાય છે. જો સ્ત્રીઓ એકબીજાને સમજીને સમર્થન આપે, તો સમાજમાં સ્ત્રીશક્તિનો નવો અધ્યાય શરૂ થઈ શકે છે.”
હેતલ રાવ
