આકાંક્ષા તને ખબર છે કેટલા વાગ્યા? સાસુ સરલાબહેને ઘરનો દરવાજો ખોલતા બોલ્યા, હા મમ્મી આજે ઓફિસમાં મીટીંગ હતી એટલે જરા મોડું થઈ ગયું. ફરી સાસુ તાડૂક્યા, મોડું એટલે? 11 વાગ્યા, અને આ કોની ગાડીમાં તુ આવી? પેલો પુરુષ કોણ હતો? આમ અડધી રાત્રે પારકા પુરુષ સાથે આવે તો આસપાસના લોકો શું વિચારે?
આ બધું સાંભળી કુણાલ રૂમમાંથી બહાર આવ્યો. એ જોઈ સરલાબહેન ફરી બોલવા લાગ્યા. આ પત્નીને આમ માથે ન ચડાવાય, જો 12 વાગ્યા છે, અને મેડમને કોક કાર ઘર સુધી મુકી ગયું. આમને આમ જ ચાલ્યા કરશે તો એક દિવસ રોવા વારો આવશે. કુણાલે પોતાની મમ્મીને સમજાવતા કહ્યું કે આકાંક્ષાએ મને ફોન કર્યો હતો, એને મોડુ થશે એ પણ હું જાણું છું. અને એને જે કારમાં છોડવા આવ્યો એ એનો કલીગ સૌરભ છે. મે જ એને કહ્યું હતું કે મોડુ થઈ જાય તો એની સાથે આવતી રહેજે. પણ દીકરા..સરલાબહેન બોલવા ગયાં ત્યાં જ પુત્રએ અટકાવતા કહ્યું મમ્મી આવી બધી વાતો કરીને તમે આકાંક્ષાના ચારિત્ર પર સવાલ કરો છો. એ પરિવાર માટે જ નોકરી કરે છે. ક્યારેક મીટીંગ હોય કે પછી પાર્ટીમાં જવાનું થાય તો લેટ થઈ જાય એનાથી એને ગમે એ બોલવાનો આપણને હક નથી. એક તો એ કામ કરે અને સાંભળે પણ ખરા? આકાંક્ષા બાજુમાં ઉભી રહીને આંસુ સારી રહી હતી.
એ કાયમ સાસુ આ રીતે એને મહેણાં મારતા. કોર્પોરેટ કંપનીમાં ઉંચા હોદ્દા પર નોકરી કરતી, માટે જવાબદારી પણ એ જ રીતની હોય. એ લેટ નાઈટ આવે કે પછી ક્યારેક નાઈટ આઉટ કરવાનું થાય તો પણ કુણાલને બધી જ ખબર હોય. બંને વચ્ચે કોઈ વાત છુપી ન હોય. એકબીજા પર એમને ભરોસો હતો. અને કુણાલનો સાથ હતો માટે જ એ નોકરી કરી શકતી. પરંતુ એના સાસુને કાયમ લાગતું કે આકાંક્ષા જે કરે છે એ યોગ્ય નથી, એ ફ્રી માઇન્ડની છે. પુરુષ મીત્રો છે, પાર્ટી કરે, ક્યારેક ડ્રીંક પણ કરે, એ બધુ સારુ ન લાગે. સમાજમાં વાતો થાય. જો કે કુણાલ પોતાની પત્નીને સમજતો એટલે જ એમનું લગ્નજીવન સુખી હતું.
પણ દરેક આકાંક્ષાને કુણાલ નથી મળતો. મહિલાઓ જો વર્કપ્લેસ પર પુરુષ મિત્રો સાથે સારી રીતે બોલે, એમની સાથે લંચ કે પાર્ટી કરવા બહાર જાય કે ક્યારેક ડ્રિન્ક કે સ્મોકિંગ કરે તો કશુ જ વિચાર્યા વિના એ મહિલાઓને કેરેક્ટર લેસનું સર્ટી મળી જાય છે. હકીકતમાં એ યોગ્ય નથી, પોતાના વિચારો બેબાક રીતે રજૂ કરવાની ક્ષમતા રાખતી, મર્યાદા સાથે પુરુષ મિત્રો સાથે છૂટછાટથી હરતી ફરતી સ્ત્રીઓ એ જાણતી હોય છે કે એ શું કરી રહી છે. દરેક જગ્યાએ સ્ત્રીના સ્વતંત્ર વિચારોને સ્વછંદી સમજવાની જરૂર નથી.
સ્ત્રીની સ્વતંત્રતા પર અનેક સવાલ કરવામાં આવે છે
દરેક વ્યક્તિને પોતાની પસંદગીઓ, સીમાઓ અને મર્યાદાઓ પર આધારિત જીવન જીવવાનો અધિકાર છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સુરતના ક્રિમીલ હરીયા કહે છે, જ્યારે કોઈ યુવતી ધીમા અવાજે વાત કરે, કે પછી કોઈ પણ વ્યક્તિની વાતને માની લે તો એને સારી માનવામાં આવે છે. ઓફિસમાં ભલે એ પુરુષ મિત્રો સાથે વાત કરે પરંતુ ઉઠવા બેસવાનું હંમેશા સ્ત્રી મિત્રો સાથે રાખે તો એ યુવતીના કેરેક્ટરને સારું માનવામાં આવે છે. પરંતુ જો એ પોતાના હક માટે અવાજ ઉઠાવે કે પછી એ પોતાની મરજીથી કોઈ પણ પુરુષ મિત્રો સાથે છુટછાટથી વાત કરે તો એને દુનિયા સામે લડવાની તૈયારી રાખવી પડે છે. જે બિલકુલ યોગ્ય નથી. એકબાજુ સ્ત્રીની સ્વતંત્રતાની વાત કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જો એ જરા અમથી સ્વતંત્રાથી જીવે તો એને અનેક પ્રકારના ખોટા સર્ટી આપવામાં આવે છે.
એમની ભાષામાં જવાબ આપવો જરૂરી છે
1993માં રિલીઝ થયેલી ફિલ્મ દામીનીમાં મિનાક્ષી શેષાદ્રિએ પોતાના ત્યાં કામ કરતી મહિલાના રેપ કેસમાં પતિના નાના ભાઈ અને એના મિત્રો સામે કેસ દાખલ કરેલો. ત્યારે એના જ પરિવારે એને સાથ ન આપ્યો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ ચાલી પરંતુ એ રીલ લાઈફની વાત હતી માટે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા આઇટી કંપનીમાં એચઆર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા કુપાલી જોશી કહે છે કે, હવે સમય બોલવાનો જ છે. એક સમય એવો હતો જ્યારે યુવતી કે મહિલા કોઈને સામે જવાબ આપતા ખચકાટ અનુભવતી, પરંતુ હવે તો બોલે નહીં તો એમની સાથે ગમે એ થઈ શકે. આજકાલ તો મહિલાઓએ અપશબ્દો પણ બોલવા પડે છે. કારણ કે ક્યારેક સામેવાળાને એમની ભાષામાં જવાબ આપીએ તો જ એ સમજે છે. હવે આવી યુવતીઓને જો સ્વતંત્ર વિચારો વાળી કહેવામાં આવે તો મને નથી લાગતું એમાં કોઈ વાંધો હોવો જોઈએ. હવે રહી પુરષ મિત્રોની વાત તો મને ખબર છે ત્યાં સુધી સ્ત્રીઓમાં સિક્સ સેન્સ હોય છે એ સમજી શકે છે કે કયા પુરુષની દાનત કેવી છે. અને એ એને એજ રીતે ટ્રેકલ કરે છે.
સાચા હોઈએ તો ક્યારેય કોઈના સર્ટીફીકેટની જરૂર નથી
મહિલા જ્યારે પોતાના વિચારો, મર્યાદાઓ અને પસંદગીઓ પર ખુલીને વાત કરે, ત્યારે એને મૌલિક રીતે ખોટું ગણવામાં આવે એ સમજી શકાતું નથી. આનો અર્થ એ નથી કે
સમાજે સ્ત્રીઓને એક સ્વતંત્ર, મૌલિક અને મર્યાદિત અવકાશ આપવો જોઈએ, જે એમની વિચારધારાને સમજે.
હેતલ રાવ