ફ્રેન્ડશીપ ડે: એકલતાનું ઔષધ…

એકલતાનું ઔષધ શોધાય તો ઠીક છે.

બાકી તો મિત્ર જેવો બીજો કોઈ મલમ નથી

દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી થાય છે, જેની શરૂઆત 1958થી થઈ હતી. આ દિવસ લોકો માટે પોતાની મિત્રતાને ખાસ રીતે ઉજવવાનો અવસર છે. કારણ કે મિત્રતાનો સંબંધ જીવનનો સૌથી સુંદર અને મૂલ્યવાન બંધન માનવામાં આવે છે.

ફ્રેન્ડશીપ ડેની ઉજવણી દ્વારા આ સુંદર સંબંધને યાદ રાખવામાં આવે છે. જો કે એવા પણ દેશો છે જે ઓગસ્ટના પ્રથમ રવિવારે મિત્રતા દિવસની ઉજવણી નથી કરતા. આવો જાણીએ એ ફ્રેન્ડશીપ ડેના ઇતિહાસ અને એ દેશો વિશે…

મિત્રતા દિવસનો ઇતિહાસ

ફ્રેન્ડશીપ ડેનો ખ્યાલ પ્રથમ વખત 1930માં ઉદભવ્યો, જ્યારે અમેરિકન ગ્રીટિંગ કાર્ડ કંપની હોલમાર્કના સ્થાપક જોયસ હોલે મિત્રતાને સન્માન આપવા માટે એક ખાસ દિવસની શરૂઆતનો પ્રસ્તાવ રાખ્યો. તેમનો મુખ્ય ઉદ્દેશ લોકોને પ્રોત્સાહન આપવાનો હતો કે તેઓ તેમના મિત્રોને ગ્રીટિંગ કાર્ડ્સ અને ભેટો આપીને આ દિવસને ખાસ બનાવે, જે ઓગસ્ટના પહેલા રવિવારે (2025માં 3 ઓગસ્ટ) ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ, આ પહેલ શરૂઆતમાં મર્યાદિત સફળતા મેળવી શકી. ઘણા વર્ષો પછી બીજી ઐતિહાસિક પહેલે ફ્રેન્ડશીપ ડેને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી, જેની અસર આજે પણ દેખાય છે.

ઓગસ્ટમાં જ કેમ થાય છે ઉજવણી?

સંયુક્ત રાષ્ટ્રે 2011માં 30 જુલાઈને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કર્યુ. જે વિશ્વના ઘણા દેશોમાં મિત્રતાને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. જોકે, ભારત સહિત કેટલાક દેશોએ આ પરંપરામાં ફેરફાર કર્યો છે. આ દેશોમાં મિત્રતા દિવસને ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવાની રીત અપનાવવામાં આવી છે, જેની કોઈ સત્તાવાર જાહેરાત નથી. અલબત્ત આ પ્રથા લોકોની લોકપ્રિય રુચિ અને વેપારી પ્રોત્સાહન, ખાસ કરીને માર્કેટિંગના પ્રભાવથી વિકસિત થઈ અને પ્રચલિત બની.

ભારત

ભારતમાં ફ્રેન્ડશીપ ડે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે, ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. આ દિવસ ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય છે. જેમાં મિત્રો એકબીજાને ફ્રેન્ડશીપ બેન્ડ બાંધે છે. ઘણા લોકો એકબીજાના નામ લખેલી ટી-શર્ટ પહેરે છે, ચોકલેટ, કાર્ડ્સ અને નાની-નાની ભેટો આપે છે. મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા કે ફિલ્મ જોવા જાય છે. સોશિયલ મીડિયા પર મિત્રોને શુભેચ્છા મોકલવાની પ્રથા પણ ખૂબ પ્રચલિત છે.

પેરાગ્વે

અહીં ફ્રેન્ડશીપ ડે 30 જુલાઈએ “ડીઆ ડી લોસ અમિગોસ” તરીકે ઉજવાય છે, જે એક અનોખી અને મનોરંજક રીત ગણાય છે. આ દિવસે “અમિગો ઇનવિઝિબલ” રમત રમવામાં આવે છે. જેમાં લોકો ગુપ્ત રીતે એકબીજા માટે ભેટો અને મેસેજ તૈયાર કરે છે. મિત્રો સાથે ખુલ્લા મેદાનોમાં ભોજનની વ્યવસ્થા થાય છે. સાંજે રાત્રિની મેળાઓમાં ભાગ લેવાની પરંપરા છે. શાળાઓ અને કોલેજોમાં પણ આ દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉજવણીની શરૂઆત 1958માં ડૉ. રામોન આર્ટેમિયો બ્રાચોએ વર્લ્ડ ફ્રેન્ડશીપ ક્રુસેડની સ્થાપના દ્વારા કરી હતી.

અર્જેન્ટીના

આ દેશમાં ફ્રેન્ડ્સ ડે 20 જુલાઈએ “ડીઆ ડેલ અમીગો” તરીકે ઉજવાય છે, જે દેશભરમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે મિત્રો એકબીજા સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે. ભેટો આપીને પ્રેમ વ્યક્ત કરે છે. ખાસ કરીને બુએનોસ એર્સ જેવા મોટા શહેરોમાં રેસ્ટોરન્ટ્સ અને બાર્સમાં મિત્રોની મુલાકાતોનું આયોજન થાય છે. 20 જુલાઈની રજા સિવિલ સર્વિસ માટે પણ જાહેર કરવામાં આવે છે. આ ઉજવણીની પ્રેરણા 1969માં એનરિક એર્નેસ્ટો ફેબ્રારોએ મૂન લેન્ડિંગથી લઈને મિત્રતાને ખાસ દિવસ તરીકે મનાવવાનો વિચારથી લઈને શરૂ કરી હતી.

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયામાં ફ્રેન્ડશીપ ડે 20 ફેબ્રુઆરીએ ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે, જે એક સર્જનાત્મક અને ખુશનુમા માહોલમાં ઉજવાય છે. આ દિવસે મિત્રો એકબીજા સાથે ફોટો ખેંચાવીને યાદગાર ક્ષણો સર્જે છે. ભેટો આપીને પ્રેમ દર્શાવે છે  અને સોશિયલ મીડિયા પર મિત્રતાના સુંદર સંદેશાઓ શેર કરે છે. શાળાઓમાં નિબંધ લખવાની સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જે શિક્ષણ અને મનોરંજનને જોડે છે. આ ઉજવણીની શરૂઆત 2010માં ઇન્ડોનેશિયન યુવા સંગઠનોએ મિત્રતાને પ્રોત્સાહન આપવા માટે કરી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ

અહીં રાષ્ટ્રીય ફ્રેન્ડશીપ ડે પ્રથમ ઓગસ્ટ રવિવારે એક સરળ પરંતુ હૃદયસ્પર્શી રીતે ઉજવાય છે. આ દિવસે મિત્રો એકબીજા સાથે સમય વિતાવીને, ભેટો આપીને, અને સોશિયલ મીડિયા પર શુભેચ્છા શેર કરીને આનંદ માણે છે. કેટલાક શહેરોમાં મિત્રો માટે ફેસ્ટિવલ્સ અથવા સ્પર્ધાઓનું આયોજન થાય છે. આ ઉજવણીની શરૂઆત 1935માં જોસ ચેરી હોલ, હોલમાર્ક કાર્ડ્સના સ્થાપકે ગ્રીટિંગ કાર્ડનું વેચાણ વધારવા માટે કરી હતી.

હેતલ રાવ