રતિકા સવારના પાંચ વાગ્યે ઉઠી. રસોડામાં ચાની કીટલી ચડાવતાં એને યાદ આવ્યું કે આજે ઓફિસમાં પ્રેઝન્ટેશન છે, બાળકોનું ટિફિન તૈયાર કરવાનું, સાસુજીની દવાઓ લેવા જવું પડશે, અને હા, સાંજે રાહુલના મિત્રનું બર્થડે ડિનર પણ છે. એણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું, બસ, બધું થઈ જશે. પણ એના હૃદયના એક ખૂણામાંથી અવાજ આવ્યો રતિકા બધા માટે સમય છે પણ તારા માટે જ તારી પાસે સમય નથી?
રતિકા એક ૩૫ વર્ષની મહિલા, જેનું જીવન એક સફળ મેનેજર, પત્ની, માતા અને પુત્રવધૂની જવાબદારીઓથી ભરેલું હતું. સવારે બાળકોને તૈયાર કરતી, પતિ રાહુલને લંચ, ફાઈલ આપી ઓફિસ માટે મોકલી પોતે પણ ઓફિસે પહોંચતી. જયાં બોસની ડેડલાઇન્સ, ટીમની મીટિંગ્સ અને ક્લાયન્ટના ફોનકોલ્સની વચ્ચે એનો દિવસ પસાર થતો. ઘરે પાછા ફરે ત્યારે, બાળકોના હોમવર્ક, રાત્રિનું ભોજન, પરિવારની જવાબદારી. આ બધું એક ચક્રની જેમ ચાલતું રહેતું.
એક દિવસ રતિકાને એની જૂની મિત્ર પ્રિયાનો ફોન આવ્યો. એને કહ્યું ઘણા દિવસથી આપણે મળ્યા નથી ચાલ, આ રવિવારે આપણે કોફી પીવા જઈએ. ઘણી બધી વાતો કરીશું. પણ રતિકાએ હસીને રહ્યું યાર આ રવિવાર નહીં ફરીના રવિવારે ચોક્કસથી જઈશું. મારી પાસે સમય નથી દોસ્ત. રવિવારે બાળકોના ટ્યુશન, ઘરનું કામ, અને રાહુલના ઓફિસના મિત્રો આવવાના છે. પ્રિયાએ કહ્યું, રતિકા તારી પાસે બધા માટે સમય છે પણ તારા માટે જ સમય નથી.
એ દિવસે રતિકા મોડી રાત સુધી વિચારતી રહી કે હા પ્રિયાની વાત બિલકુલ સાચી છે. મારી પાસે મારી માટે સમય જ નથી.
સ્ત્રી પોતાનું જીવન પ્રેમથી જીવે, ત્યારે જ પરિવાર ખુશીથી જીવી શકે
મારી પાસે સમય નથી. આ શબ્દ એટલી વખત સાંભળવા મળે છે કે, જાણે દરેક સ્ત્રીના જીવનનો ભાગ બની ગયું છે. વાત સાચી પણ છે કે મહિલાને પાસે પરિવાર, પતિ, બાળકો, ઘર, નોકરી, સામાજિક જવાબદારી માટે સમય હોય છે. પરંતુ પોતાના માટે સમય નથી હોતો.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગ્રાફિક્સ ડિઝાઈનર તમન્ના ચાવલા કહે છે કે, મોટાભાગની મહિલા પોતાની જાત માટે, પોતાના સપનાઓ માટે, પોતાના શોખ માટે કે પોતાના આરોગ્ય માટે સમય કાઢવાનું વિચારી પણ શકતી નથી. કારણ કે એક સ્ત્રીનું જીવન, સમય, એ બીજા લોકોની જરૂરિયાતોમાં વહેંચી નાખે છે. અન્યના દાયિત્વોમાં એટલા બંધાઈ જઈએ છીએ કે પોતાને જ ભૂલી જઈએ છીએ. પણ કોઈ દિવસ વિચાર્યું છે કે જો આપણી જાત માટે સમય ન કાઢીયે, તો આપણે અંદરથી ખાલી થવા લાગી જઈશું. જ્યાં સુધી આપણે ખુશ નથી, તંદુરસ્ત નથી, મનથી શાંતિમાં નથી, ત્યાં સુધી આપણે બીજા માટે સંપૂર્ણ રીતે કંઈ આપી શકીએ નહીં. પોતાને પ્રેમ આપવો, પોતાનું ધ્યાન રાખવું, સમય કાઢીને આનંદ કરવો કોઈ સ્વાર્થ નથી આ જરૂરિયાત છે. આપણે બીજા માટે જ છીએ, એમાં શંકા નથી, પરંતુ પહેલા આપણે આપણા માટે હોઈએ, પછી જ બીજાને સારું આપી શકીએ.
સ્ત્રી પોતાને હંમેશા છેલ્લાં સ્થાને રાખે છે
મહિલા હંમેશા પોતાનું સ્થાન છેલ્લા રાખે છે. કારણ કે બાળપણથી એને શીખવવામાં આવે છે કે સંસ્કારી સ્ત્રી એ જ બની શકે જે ત્યાગ કરે, જે શાંત રહે, જે પોતાને ભુલીને બીજાઓ માટે જીવે. સમાજે સ્ત્રીની ઓળખ એના સંબંધી પદોથી જ બનાવી છે. જેમાં મા, પત્ની, વહુ, દીકરી છે, પણ શું એનો પોતાનો કોઈ રોલ નથી? એનો અવાજ, એના સપના, એના શોખ, એના વિચારોનું શું?
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષીકા પિંકલ દેસાઈ કહે છે કે, જ્યારે સ્ત્રી ઘરના કામમાં નિપુણ બને છે, ત્યારે એને વખાણ મળે છે. પણ જ્યારે એ પોતાના સપનાની વાત કરે છે, ત્યારે એને અટકાવવામાં આવે છે. એના સપનાઓને ઘર તોડનારું ગણી ને દબાવવામાં આવે છે. પરંતુ હવે સમય બદલાયો છે. સ્ત્રી એ માત્ર સંબંધો પૂરતી નથી રહી. એને પણ પોતાના માટે સમય નિકાળવો જ જોઈએ. હું એક પત્ની છું, એક વહુ છું, એક માતા પણ છું. હું ઘરના કામ પણ સંભાળું છું. પણ હું એ બધું મારા અસ્તિત્વના ખંડન પર નહિ, પરંતુ સંતુલન સાથે કરું છું. હું મારા શોખ માટે સમય કાઢું છું, મારી ઓળખ માટે પ્રયત્ન કરું છું. કારણ કે હું માનું છું કે 24 કલાકમાંથી દરેક મહિલાએ પોતાની માટે અમુક ક્ષણો તો નીકાળવી જ જોઈએ.
પોતાના માટે સમય કાઢવો જરૂરી
દરેક સ્ત્રી માટે દિવસ ૨૪ કલાકનો હોવા છતાં પણ એવો લાગે છે કે સમય એને ક્યારેય પૂરતો મળતો નથી. જાણે સમય એની મુંઝાયેલી મુઠીમાં દરરોજથી સરકી જાય છે. સવારથી શરૂ થતી એક અવ્યાખ્યાયિત દોડથી દરેક પરિબળે એને તણાવમાં રાખે છે. આ બધામાં એ ‘સ્ત્રી’ તરીકે જીવતી રહી જતી નથી, એ તો ફક્ત ‘ભૂમિકા’ઓ ભજવે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન અલ્પા ચૌહાણ કહે છે કે, મહિલાઓએ પોતાના માટે સમય કાઢવો અત્યંત જરૂરી છે, કારણ કે એમની શારીરિક અને માનસિક સુખાકારી એમની આર્થિક અને વ્યક્તિગત સફળતાનો પાયો છે. મહિલાઓ ઘણીવાર પરિવાર અને કારકિર્દીની જવાબદારીઓમાં એટલી ફસાઈ જાય છે કે પોતાના માટે સમય નથી રહેતો, જે એમની આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિ પર અસર કરે છે. નાના-નાના પગલાં, જેમ કે દર અઠવાડિયે થોડો સમય શોખ, આરામ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે ફાળવવો, મહિલાઓને પોતાની ઓળખ અને આત્મસન્માન જાળવવામાં મદદ કરે છે. આવો સમય નીકાળવો એ સ્વાર્થ નથી, પરંતુ પોતાની ક્ષમતાઓને સશક્ત કરવાની રીત છે, જે અંતે પરિવાર અને સમાજને પણ ફાયદો પહોંચાડે છે.
હેતલ રાવ
