સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કંઈ નહીં થાય: હર્ષદ પટેલ

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ફેબ્રુઆરી-2024થી ડૉ. હર્ષદ એ.પટેલે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. હર્ષદભાઈ ગૂજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. સાથે જ યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટમાં છેલ્લાં ત્રણ વર્ષથી સેવાઓ આપે છે. તેમના અનુભવની જો વાત કરવામાં આવે તો તેઓ છેલ્લાં 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ તરીકે તેઓ કાર્યરત હતા. આ ઉપરાંત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર પણ સંભાળી ચૂક્યા છે. S.U.G. કોલેજ ઑફ એજ્યુકેશનમાં અધ્યાપક તરીકે તેમણે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખામાં Ph.D. કક્ષાના માર્ગદર્શક, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢના ડિપાર્ટમેન્ટ ઑફ કૉરસપોન્ડન્સના માર્ગદર્શક તથા ગુજરાતની વિવિધ કોલેજોમાં માર્ગદર્શક તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.  ચિત્રલેખા.કોમડૉ. હર્ષદ પટેલ સાથે તેમની ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેની અત્યાર સુધીની સફર વિશે વાત કરી.

ચિત્રલેખા : તમે જ્યારે આ સંસ્થામાં જોડાયા ત્યારથી અત્યાર સુધીની સફર વિશે શું કહેશો? 

ડૉ. હર્ષદ પટેલ: પડકારો હતા. કોઈપણ સંસ્થા હોય અને સમયગાળો લાંબો હોય એમાં વ્યવસ્થા પરિવર્તન સાથે-સાથે સત્તામંડળ, માન્યતા આપનારા મંડળો અલગ-અલગ હોય ત્યારે સમયાંતર નિયમો બદલાતા હોય છે. જેના કારણે અર્થઘટન પણ બદલાતા હોય છે. નવા નિયમોના પાલન માટેની યોગ્ય વ્યવસ્થા સમયસર કરવામાં આવે અને સાથે જ તેની સાથે જોડાયેલાં લોકોને તેની જાણ કરવામાં આવે તો પ્રશ્નો ઓછાં ઉભા થતાં હોય છે. કોઈપણ પ્રશ્નનો ચર્ચા કરીને ઉકેલ લાવવામાં આવે તો પ્રશ્ન રહેતો જ નથી. કોઈપણ સંસ્થા હોય પ્રશ્નો તો ઉભા થાય જ. પરંતુ પ્રશ્નો વિશે વિચારવાના બદલે નવી સંભાવનાઓ વિશે હું પહેલાં વિચારું છું. જેમ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલીકરણ કેવી રીતે કરવાનું છે તેની સાથે સામાજિક પ્રણાલીમાં કેવાં પ્રકારના ફેરફાર આવશે, તેને અનુરૂપ અભ્યાસક્રમ ગોઠવવો, કાર્યપ્રણાલી ગોઠવવી એ વિશે વિચાર કરીને આગળનું કામ કરીએ તો બધાં જ પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે. બીજું એક ઉદાહરણ આપું. CUETની પરીક્ષાનું પરિણામ અત્યારે આવ્યું છે. અમે સમયસર પ્લાનિંગ કર્યું છે તો સંસ્થામાં અત્યારે પ્રવેશ મોટી સંખ્યામાં આપી શક્યા છીએ. આમ આગળ પણ સમયસર પ્લાનિંગ કરીને બધાં જ કાર્યોની જાણ તેની સાથે જોડાયેલાં વ્યક્તિઓને સમયસર કરીને કાર્ય કરીશું તો તે સરળ રહેશે, પ્રશ્નો ઉભા નહીં થાય.

આ વર્ષે પદવીદાન સમારોહની તારીખ બદલવામાં આવી, તેનાં પાછળનું કારણ શું?

આ વર્ષે ગૂજરાત વિદ્યાપીઠનો 70મો પદવીદાન સમારોહ હતો, જ્યારે કે વિદ્યાપીઠને 104 વર્ષ થયા છે. આટલાં વર્ષો દરમિયાન 70 પદવીદાન સમારોહમાંથી શરૂઆતના 17 પદવીદાન સમારોહ અલગ-અલગ તારીખોમાં થયા છે. જ્યારે છેલ્લાં વર્ષોમાં ચારેક વખત એમ કુલ 20 વખત પદવીદાન સમારોહ અલગ-અલગ તારીખોમાં થયા જ છે. જેમાં ઘણીવાર મુખ્ય મહેમાનની અનુકૂળતા પણ જોવામાં આવતી હોય છે. આથી આ પ્રથમ વખત નથી કે જ્યારે પદવીદાન સમારોહની તારીખ બદલવામાં આવી હોય. બીજી એક બાબત એ છે કે સામાન્ય રીતે બધી જ યુનિવર્સિટીઓમાં એપ્રિલ-મે મહિનામાં પરીક્ષાઓ યોજાતી હોય છે. જેનાં પરિણામો જૂન-જુલાઈ મહિનામાં આવતા હોય છે. આથી છેક ઓક્ટોબર-નવેમ્બરમાં પદવીદાન સમારોહ યોજાય તો બીજી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ સર્ટિફિકેટ કઢાવવું પડે. અમારી યુનિવર્સિટીમાં 30 એપ્રિલના રોજ પરિણામ આવી ગયું હતું. આથી જો ડિગ્રી સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ પાસે હોય તો તેમને પ્રોવિઝનલ સર્ટિફિકેટ લેવાની જરૂર ના પડે. ગૂજરાત વિદ્યાપીઠમાં કોઈ બંધારણીય જોગવાઈ કે એવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી કે 18મી ઓક્ટોબરના રોજ જ પદવીદાન સમારોહ યોજવો. આથી આ વખતે ગુરૂપૂર્ણિમાના દિવસે પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો, તેનાથી વધુ ઉત્તમ દિવસ ક્યો હોય શકે? અમે પ્રણાલી અને પરંપરાને અનુકૂળ થઈ રહ્યા છીએ. ગાંધી મૂલ્યોનો કોઈપણ પ્રકારનો ભંગ કરવામાં આવ્યો નથી.

પદવીદાન સમારોહ અને સ્થાપના દિવસ અલગ રાખવા પાછળનું કારણ શું?

પદવીદાન સમારોહ અને સ્થાપના દિવસના કાર્યક્રમના રૂપ અલગ-અલગ હોવા જોઈએ. સામાન્ય રીતે સ્થાપના દિવસના રોજ ધ્વજ વંદન કરવામાં આવે છે. તેમજ ગૂજરાત વિદ્યાપીઠના અલગ-અલગ વિભાગો તેમજ તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓની પ્રવૃત્તિનું ડિસ્પ્લે કરવામાં આવતું હોય છે. જ્યારે બંન્ને કાર્યક્રમ સાથે રાખવામાં આવે ત્યારે સંસ્થાઓની જે પ્રવૃત્તિઓ હોય તેનું અવલોકન કરવામાં પૂરો ન્યાય આપી શકાતો ન હતો. વિદ્યાપીઠનો સ્થાપના દિવસની ઉજવણી પાછળનો જે ધ્યેય હતો તે ક્યાંકને ક્યાંક પૂરો થતો ન હતો. આથી સ્થાપના દિવસ સારી રીતે ઉજવી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો બંન્ને કાર્યક્રમ અલગ-અલગ હોય તો સ્થાપના દિવસે માત્રને માત્ર બાકીના વિભાગોની કામગીરીને આલેખવાનો અને તેમની ગતિવિધીઓને જાણવા માટેનો અવસર મળી રહે. બંન્ને કાર્યક્રમ અલગ હોય તો સ્થાપના દિવસને વધારે સારી રીતે ઉજવી શકાય. કોઈપણ સંસ્થામાં જે ફેરફાર કરવામાં આવે છે તે સાનુકૂળ છે કે ઉપયોગી છે એ જોવું મહત્વનું હોય છે.

ગ્રામજીવન પદયાત્રા કેમ બંધ કરવામાં આવી છે?

ગ્રામજીવન પદયાત્રા બંધ કરવામાં આવી નથી. પદયાત્રાની શરૂઆત વર્ષ 2006-07માં થઈ હતી. પ્રકલ્પો સમયાંતરે શરૂ થતાં હોય, નવાં આવતા જતા હોય છે. પણ હા, પદયાત્રા શરૂ છે. ગત વર્ષે કોઈ કારણોસર ન હતી થઈ. આ વર્ષે અમે લોકો પદયાત્રા કરવાના છીએ. જે દિવાળીના સમય આસપાસ લગભગ 21થી 26 ઓક્ટોબર વચ્ચે થવાની છે.

નવરાત્રીમાં વિદ્યાર્થિનીઓને ગરબા રમવાની ના પાડવામાં આવી હતી, નવરાત્રીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો ન હતો?

નવરાત્રીનો કાર્યક્રમ પણ ગયા વર્ષે જ ન હતો થયો. વિદ્યાર્થિનીઓને પણ બાદમાં ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી જ હતી. આ વર્ષે અમે નવરાત્રી કાર્યક્રમ ઉજવવાના છીએ.

સંસ્થાના અનેક પ્રકારના પડકારો હતા, તે વિશે શું કહેવું છે?

આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે મેં કાર્ય કર્યું છે. એટલે સંસ્થાના કાર્યને પહેલેથી જાણતો જ હતો. સંસ્થામાં કેવાં પ્રકારના પ્રશ્નો હતાં તે પણ હું જાણતો હતો અને કોઈપણ સંસ્થામાં પ્રશ્નો ના હોય, પડકારો ના હોય તેવું ના બને. સંસ્થામાં કોઈપણ બંધારણીય કે નિયમો બનાવેલાં હોય તેમાં ફેરફાર કરવામાં આવ્યા નથી. જે પણ સંવિધાનિક બાબતો છે તેનું પાલન કરાવવા માટે જ કાર્યવાહી કરવામાં આવે છે. સંસ્થાની પ્રતિષ્ઠાને આંચ પહોંચે તે પ્રકારના કોઈપણ નિર્ણયો કરવામાં આવ્યા નથી. સંસ્થાના બધાં જ સેવકો ખુબ જ સારા છે આથી સંવાદ અને યોગ્ય પ્રક્રિયાઓ કરીને દરેક મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવતો હોય છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)