આજે જ્યારે સમગ્ર વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આપણી આસપાસ ફેલાયેલી યુદ્ધ અને અશાંતિની પરિસ્થિતિઓ આપણને નારીશક્તિના એક વિશિષ્ટ પાસાનો પરિચય કરાવે છે.
એકબાજુ જ્યાં યુદ્ધ વિનાશ અને વેદના લાવે છે, ત્યાં બીજી બાજુ આ જ રણમેદાનમાં મહિલાઓએ ક્યારેક હાથમાં હથિયાર લઈને તો ક્યારેક ઘાયલોની શુશ્રૂષા કરીને માનવતા અને બહાદુરીના નવા સીમાચિહ્નો સ્થાપ્યા છે.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ માતૃભૂમિ પર સંકટ આવ્યું છે, ત્યારે મહિલાઓ મેદાન-એ-જંગમાં ઉતરીને શત્રુઓને ધૂળ ચાટતા કર્યા છે. આજે એવી જ મહાન મહિલાઓની વાત કરીએ જેમણે વિવિધ યુદ્ધોમાં પોતાની અદમ્ય સાહસવૃત્તિથી ઇતિહાસની ધારા બદલી નાખી.
કેપ્ટન લક્ષ્મી સહગલ, ભારત

24 ઓક્ટોબર 1914માં મદ્રાસ (હાલના ચેન્નાઈ)માં જન્મેલા લક્ષ્મી સહગલનું નામ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ભારત આઝાદી માટે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે એ નેતાજી સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’ (INA) માં જોડાયા. એમણે એશિયાની પ્રથમ મહિલા લડાયક ટુકડી ‘ઝાંસીની રાણી રેજિમેન્ટ’ નું નેતૃત્વ કર્યું હતું. વ્યવસાયે ડોક્ટર હોવા છતાં, એમણે બંદૂક ઉઠાવી બર્મા (મ્યાનમાર)ના જંગલોમાં અંગ્રેજો સામે સીધો મોરચો માંડ્યો હતો. સાડીના છેડાને કમરે બાંધીને રણમેદાનમાં ઉતરનારી આ વીરાંગનાએ સાબિત કર્યું કે ભારતીય નારી આઝાદી માટે પોતાનું લોહી વહાવવા પણ સક્ષમ છે.
લ્યુડમિલા પાવલિચેન્કો, સોવિયેત યુનિયન (વર્તમાન યુક્રેન)

12 જુલાઈ 1916ના રોજ યુક્રેનના બિલા ત્સર્કવા (Bila Tserkva) માં જન્મેલા લ્યુડમિલા પાવલિચેન્કો બીજા વિશ્વયુદ્ધના સૌથી ભયાનક સ્નાઈપર તરીકે જાણીતા છે. સોવિયેત સેનાના આ જાંબાઝ સૈનિકે ફ્રન્ટ લાઈન પર રહીને અંદાજે 309 દુશ્મન સૈનિકોને સચોટ નિશાન બનાવી ઠાર કર્યા હતા. ઇતિહાસમાં ‘લેડી ડેથ’ તરીકે ઓળખાતા આ મહિલાની મારક ક્ષમતા એટલી ઘાતક હતી કે જર્મન સેનામાં એમનો ભારે ફફડાટ હતો. યુદ્ધમાં એમની ભૂમિકાએ વિશ્વ સ્તરે મહિલા સૈનિકોની ક્ષમતા પર લાગેલા પ્રશ્નાર્થચિહ્નોને હંમેશ માટે ભૂંસી નાખ્યા હતા.
મારિયા બોચકારેવા, રશિયા

જુલાઈ 1889માં રશિયાના નોવગોરોડ વિસ્તારમાં જન્મેલા મારિયા બોચકારેવા સૈન્ય ઇતિહાસમાં એક ક્રાંતિકારી નામ છે. પ્રથમ વિશ્વયુદ્ધના કપરા સમયમાં જ્યારે પુરુષ સૈનિકો હિંમત હારી રહ્યા હતા, ત્યારે એમણે રશિયન સેનામાં ‘વુમન્સ બટાલિયન ઓફ ડેથ’ ની રચના કરી હતી. આ ટુકડીનો ઉદ્દેશ્ય ડગમગતા પુરુષ સૈનિકોમાં નવો જોશ ભરવાનો હતો. મારિયાએ પોતે મોરચા પર જઈને આક્રમક યુદ્ધ ખેડ્યું હતું અને અનેકવાર ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે ક્યારેય પીછેહઠ કરી નહોતી. તેમની આ બહાદુરીએ મહિલાઓના લોખંડી મનોબળનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો હતો.
જોન ઓફ આર્ક, ફ્રાન્સ

15મી સદીમાં જન્મેલી જોન ઓફ આર્ક એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી હતી, પરંતુ એની પ્રબળ રાષ્ટ્રભક્તિએ એમને ફ્રાન્સની રક્ષક બનાવી દીધી. અંગ્રેજો સામેના લાંબા યુદ્ધમાં એમણે પુરુષ સૈનિકનો વેશ ધારણ કરી, ઘોડા પર સવાર થઈને ફ્રેન્ચ સૈન્યનું અત્યંત સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. માત્ર કિશોરાવસ્થામાં જ એમણે ઓર્લિયન્સના યુદ્ધમાં ફ્રાન્સને નિર્ણાયક વિજય અપાવ્યો હતો. એમની અતૂટ શ્રદ્ધા અને અદમ્ય સાહસ આજે પણ વિશ્વભરની મહિલાઓ માટે સર્વોચ્ચ પ્રેરણાસ્ત્રોત છે.
ખાતૂન મોહમ્મદ, (કુર્દિશ સીરિયા/ઈરાક)

સીરિયાના કુર્દિશ વિસ્તારમાં જન્મેલા ખાતૂન અલી મોહમ્મદ આધુનિક યુગના યુદ્ધોનું એક અપ્રતિમ નામ છે. સુરક્ષાના કારણોસર એમની ચોક્કસ જન્મતારીખ ઇતિહાસમાં ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ એમનું શૌર્ય આજે વિશ્વભરમાં ગુંજી રહ્યું છે. વર્તમાન સમયના યુદ્ધોમાં ખાતૂન મોહમ્મદ અને એમની કુર્દિશ મહિલા લડવૈયાઓની ટુકડી (YPJ) એ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ISIS જેવા ક્રૂર આતંકવાદી સંગઠન સામેના જંગમાં આ મહિલાઓએ મશીનગન અને રોકેટ લોન્ચર સાથે ફ્રન્ટ લાઈન પર રહીને લોહિયાળ લડત આપી છે. પોતાના ઘર, આબરૂ અને અસ્તિત્વને બચાવવા માટે ખાતૂન જેવી અનેક મહિલાઓએ આતંકવાદીઓને પીછેહઠ કરવા મજબૂર કર્યા છે. આ આધુનિક વીરાંગના સાબિત કરી રહ્યા છે કે યુદ્ધ ભલે ગમે એટલું ભયાનક હોય, નારી શક્તિ હંમેશા અન્યાય સામે અડીખમ ઊભી રહે છે.
હેતલ રાવ




