શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા અપરંપાર છે. આપણી પૂજા અને અર્ચના માત્ર શિવલિંગની પૂજા પૂરતી જ સિમિત રહી જાય છે, કેમકે આપણે એ ચૈતન્ય સ્વરૂપને પૂર્ણ રૂપે જાણી શકતા નથી. સમગ્ર વિશ્વમાં હિન્દૂ ધર્મ જ એવો ધર્મ છે, જેના મૂળ વાસ્તવિકતા સાથે જોડાયેલા છે. જેમાં કલ્પનાઓનો આધાર વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે. જેમાં બ્રહ્મહાંડની ઉત્પતિ અને વિનાશના પુરાવાઓ છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો આ વાતને માની રહ્યા છે.
આંખ બંધ કરો એક પળ માટે કલ્પના કરો, સૃષ્ટિની રચના થાય છે, નાશ થાય છે, બધું તૂટે છે, અને ફરીથી ઊભું રહે છે, એ શક્તિ કોણ છે? કદાચ આપણે નામ આપી રહ્યા છીએ કે ભગવાન. કેમકે બાળપણથી લઈને આજ સુધી આપણને એજ શીખડાવવામાં આવ્યું છે કે બધું જ એક અદ્રશ્ય શક્તિ દ્વારા સંચાલિત છે જેને જ આપણે ઈશ્વર કહીએ છીએ. એક મિનિટ માટે વિચારો કે કેવી રીતે, તો તમારી પાસે કોઈ જવાબ હોય ના શકે. સનાતનના મૂળ એટલા ઊંડા છે કે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હિન્દૂ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. આપણે એક ખોટા માળખામાં એટલા ફસાયેલાં છીએ કે મૂળ રૂપ સુધી પહોંચવું દિવસે દિવસે અઘરું થતું જાય છે. એ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે વિશ્વની સૌથી મોટી સિદ્ધિ પણ ત્યાં સુધી ભાગ્યે જ પહોંચશે.
યુરોપના જીનોવામાં કોસ્મોસ એનર્જી માટે રિસર્ચ કરતી દુનિયાની સૌથી મોટી લેબની બહાર હિન્દુત્વની સૌથી પ્રાચીન નટરાજની પ્રતિમા લગાવેલી છે. ફિઝિક્સની દુનિયાની સૌથી મોટી લેબની બહાર, નૃત્ય કરતાં શિવની કાંસ્યની મૂર્તિ સનાતન ધર્મના મજબૂત મૂળની સાબિતી છે. 1960 થી ભારત cern એટલેકે યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ સંસ્થા જે કવોન્ટમ ફિઝિક્સ અને તેના રિસર્ચ માટે કામ કરે છે, તેનું સભ્ય છે. તેની સાથેના મજબૂત સંબંધ માટે ભારતે 2004 માં શિવની નટરાજની પ્રતિમા ભેટ સ્વરૂપે આપેલી. હિન્દુત્વના ગર્વની આ ઘટનાનો મુખ્ય શ્રેય અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ સેગનને જાય છે.
કાર્લ સેગન વિશ્વવિખ્યાત ઍસ્ટ્રોફિઝિસ્ટ, લેખક અને લોકપ્રિય સંવાદક છે. તેમની લોકપ્રિય ટીવી સિરીઝ COSMOS માં તેમણે હિંદુ ધર્મના બ્રહ્માંડ દૃષ્ટિકોણને સરાહના કરી હતી. કાર્લ સેગને ખાસ રજૂઆત કરી કે હિંદુ ધર્મ એ એકમાત્ર પ્રાચીન સંસ્કૃતિ છે, જેણે બ્રહ્માંડને ‘નિરંતર સર્જન અને વિનાશના ચક્ર’ તરીકે વર્ણવ્યું છે. હિંદુ ધર્મમાં બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ સંચાલન કરે છે અને મહેશ (શિવ) નાશ કરે છે, અને ફરીથી નવી સર્જનશૃંખલા શરૂ થાય છે. જેને વિજ્ઞાનના આયમને આધારે સ્વીકારવામાં આવેલ છે.
જીવન અને મૃત્યુનો ચક્રકાર દ્રષ્ટિકોણ આજના આધુનિક વિજ્ઞાન સાથે જોડાયેલ છે, જેમાં Big Bang થિયરીથી બ્રહ્માંડની ઉત્પત્તિ અને ભવિષ્યમાં Big Crunch અથવા Heat Death જેવી શક્યતાઓ દર્શાવવામાં આવે છે. અણુઓ કોઈ પણ અવસ્થામાં સ્થિર નથી તે સતત સ્પંદનમાં રહેતાં હોય છે. આ અણુઓની ગતિ એ કોઈ સ્થિતિ નથી પરંતુ કદી ના રોકનારો નિરંતર પ્રવાહ છે જેમાં સર્જન અને વિસર્જનની શક્યતાઓ છે. Cern ના વૈજ્ઞાનિકોએ આજ સ્થિતિને શિવ તાંડવ સાથે સુસંગત કરી છે એનું માનવું છે કે કણોનું સતત કંપન એ નૃત્યનું એક સ્વરૂપ છે. જે શક્તિથી જીવનને ઉર્જા મળે છે તે સતત ગતિમાન રહેતાં શિવની મુદ્રાઓ અને સતત વહેતી જટાનું સ્વરૂપ છે. વિજ્ઞાન તેને ગતિ ઉર્જા કહે છે. આ દરેકમાં ગતિ છે એ સૂચવે છે કે બ્રહ્માંડ સતત હલતું રહે છે. દરેક પરમાણુ, તારો, ગ્રહો બધું ગતિમાં છે. બીજી બાજુ,જીવનનો મુખ્ય આધાર છે તે છે સ્થિરતા, તે બીજું કંઈ નહીં પણ નટરાજની મૂર્તિમા શિવનો મુખારવિંદ છે. જે સતત ગતિમાન હોવા છતાં શિવજીનો ચહેરો સ્થિર અને આનંદમય છે. એ જ સ્થિતિ શક્તિનું પ્રમાણ છે,જે બધું ધારણ કરે છે.
સનાતન ધર્મ કોઈ સ્થાપિત ધર્મ નથી. એ તો જીવાત્મા અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધનું શાસ્ત્ર છે. શિવ તત્વ શૂન્યથી આવે છે, પણ અનંત સુધી જાય છે. એમની ત્રિશૂળ – સમયના ત્રણ પરિમાણ (ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય)નું સંકેત છે. આપણે ધર્મમાં માનીયે કે ના માનીયે એ અલગ વાત છે પણ આપણા અસ્તિત્વનો આધાર એ કોઈ સામાન્ય ઘટના ના જ હોય શકે એ માનવું ઘણું જરૂરી છે. કાર્લ સેગન એ હિંદુ ધર્મના વિઝનને ‘the only religion which talks about the right age of the universe’ તરીકે વ્યક્ત કર્યું. એ દરેક હિન્દૂ માટે ગૌરવપ્રદ ગણી શકાય. સનાતન ધર્મના યોગ, તંત્ર વિજ્ઞાન, અને શિવતત્વ દ્વારા આપણે બ્રહ્માંડના કેટલાય વિશ્વોને સ્પર્શી શકીયે છીએ ,એ કોઈ નાની વાત ના જ હોય શકે.
હર હર મહાદેવ
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
