મહિલાઓને ચિંતા હોય એટલી ઓછી. ઓફિસની, ઘરની, બાળકોની, ફેમિલીની દરેકની ચિંતા કરતી સ્ત્રી શું પોતાના વિશે વિચારે છે ખરી? જી હા, વિચારે છે પણ માત્ર એ સમયે જ્યારે તેને કોઇ શારિરીક સમસ્યા ઉભી થતી હોય છે. આમ તો એક મહિલાને પોતાનામાં ઝાંખવાનો સમય નથી મળતો પરંતુ જ્યારે એને ક્યારેક શારિરીક સમસ્યા ઉભી થાય છે ત્યારે એ પોતાના વિશે વિચારે છે અને ચિંતામાં મૂકાય છે. અને એમાં પણ ખાસ કરીને જ્યારે પીરિયડ્સ અચાનક બંધ થઇ જવા અથવા તો અનિયમિત આવવા એ સ્ત્રી માટે ચિંતાજનક હોય છે. પ્રેગનેન્સી દરમિયાન તો મહિલાઓ નવ મહિના પીરિયડ્સમાં નથી થતી. પરંતુ એના સિવાય પણ અનેક કારણો છે જેના કારણે માસિક અનિયમિત થાય છે અથવા તો અચાનક બંધ થઇ જાય છે.સામાન્ય રીતે કોઇ પણ મહિલા પીરિયડ્સમાં મહિનામાં 3થી 7 દિવસ માટે રહે છે. આ માસિક ચક્ર વર્ષો સુધી આ રીતે ચાલ્યા કરે છે અને ત્યારબાદ એક સમય આવે છે જેને મેનોપોઝ કહેવામાં આવે છે. પરંતુ તમારુ માસિક અચાનક રોકાઇ જાય અથવા તો અનિયમિત થાય છે તો એના પાછળ ઘણા કારણ જવાબદાર છે. પરણિત મહિલા હોય તો એને તરત જ પ્રેગનેન્સીનો વિચાર આવી જાય છે જેનાથી કોઇ ખુશ થાય છે તો કોઇ દુખી પણ થાય છે. પરંતુ પીરિયડ્સ મોડા આવવાનું કારણ માત્ર પ્રેગનેન્સી જ નથી હોતુ. એવા અનેક કારણો છે જેના લીધે પીરિયડ્સ અનિયમિત આવે છે. તમારી લાઇફસ્ટાઇલમાં નાનામાં નાનો કોઇ ફેરફાર પણ તમારા પીરિયડ્સ પર અસર કરે છે. ખાવા-પીવામાં ફેરફાર થવો, સૂવા-ઉઠવામાં ફેરફાર, બહારનું ખાવાનું વધી જવુ, કોઇપણ નવુ કામ શરૂ કરવુ જેવા અનેક ફેરફારનાં કારણે તમારા પીરિયડ્સ મોડા આવી શકે છે. તમારા શરીરને જીવનશૈલીમાં થતા બદલાવને અપનાવવામાં સમય લાગે છે અને તેના કારણે માસિક ચક્રમાં પણ ફેરફાર થાય છે.ઘણી વખત તમારા ખાવા-પીવાનાં કારણે પણ પીરિયડ્સ મોડા આવે છે. બહારનું ફાસ્ટફૂડ ખાવાથી, અથવા તો ખાનપાનમાં વધુ પડતા તેલ મસાલા વાળુ ખાવાનું શરૂ કરવાથી પીરિયડ્સ મોડા આવતા હોય છે. જ્યારે પણ પીરિયડ્સ મોડા આવતા હોય છે અથવા તો અનિયમિત થાય છે ત્યારે મહિલાઓ ખૂબ ચિંતા કરતી હોય છે. પરંતુ ચિંતા કરવાની જગ્યાએ તમારી જીવનશૈલીને નિયમિત કરવાની કોશિશ કરો. તેલ મસાલા અને બહારનું ફાસ્ટફૂડ ઓછુ કરી અને હેલ્ધી ખોરાક ખાવાનું શરૂ કરો.
ઘણી વખત સ્ટ્રેસ પણ લેટ પીરિયડ્સનું કારણ બની શકે છે. ભાવનાત્મક લાગણી અને ટેન્શન વધી જવાને લીધે પીરિયડ્સમાં મોડુ થતુ હોય છે. મહિલાઓ હોય છે પણ એવી કે નાની-નાની વાતમાં ખૂબ લાંબુ વિચારે છે અને દરેક સાથે લાગણી પણ એટલી જલદી બંધાઇ જાય છે કે ભાવનાત્મક આવેગમાં આવી જાય છે. આવા સમયે ખાસ કરીને તમે કોઇને લઇને ચિંતા કરો છો ત્યારે તમારી મેન્સ્ટ્રુઅલ લાઇફ પર અસર થાય છે. આ સિવાય જો તમે પીરિયડ્સ મોડા આવવાના ટેન્શનમાં છો તો એના કારણે પણ પીરિયડ્સમાં મોડું થાય છે.જો તમે અચાનક જીમ અથવા તો હેવી વર્કઆઉટ શરૂ કરી દીધુ છે તો પીરિયડ્સ મોડા આવવાના કારણમાં આ પણ જવાબદાર છે. વર્કઆઉટ કરવાથી તમારા મેટાબોલિઝમ રેટ વધે છે જેના લીધે તમારી મેનસ્ટ્રુઅલ સાઇકલ અનિયમિત થઇ જાય છે. અચાનક વજન વધી જવાથી કે ઘટી જવાથી શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. જેને શરીરમાં એડજસ્ટ થતા વાર લાગે છે જેના કારણે પણ પીરિયડ્સ મોડા આવતા હોય છે. શરીરમાં ઓવ્યુલેશન થતી વખતે બીમાર પડવાથી પણ આવુ થઇ શકે છે.આ સિવાય જો ગર્ભાશયનો ટીબી હોય અથવા તો થાઇરોઇડના લીધે હોર્મોન્સમાં થયેલા ફેરફારનાં કારણે પણ પીરિયડ્સ મોડા આવી શકે છે. પરંતુ જો તમને લાંબા સમયથી આવી સમસ્યા હોય અથવા અન્ય કોઇ શારીરિક સમસ્યા હોય તો એના માટે તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.