સુખાકારી અને સફળતાની ગુપ્ત અને અદ્ભૂત સ્ટ્રેટેજી

હાલ આપણે આપણી આસપાસની દુનિયામાં ન્યુઝમાં, સોશિયલ મીડીયામાં અનેક વિરોધાભાસ બાબતો અવારનવાર જાણીએ છીએ. પણ તમે કદી એ માર્ક કરેલું છે કે દરેક ખબરમાં આટલો વિરોધાભાસ હોવા છતાં બંને ખબર સાચી કેવી રીતે હોય શકે. જેમકે હાલ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બૉર્ડ દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યું કે પ્રયાગરાજનું પાણી દુષિત થઇ ગયું છે. ફેકલ બેક્ટેરિયાના ક્ન્ટામિનેશનથી પાણી ન્હાવા લાયક નથી રહ્યું, પણ એ છતાં કરોડો શ્રદ્ધાળુંઓએ એમાં સ્નાન કર્યું. કોઈ બીમાર પડ્યું એવુ સત્તાવાર જાહેર થયું નથી. તો આ લોજિક અને તર્ક પાછળનો હેતુ આપણે સમજવો જ રહ્યો. વિજ્ઞાન હંમેશા શક્યતા પર આધાર રાખે છે જયારે ધર્મનો પાયો આસ્થા છે. ક્યારે ક્યુ સમીકરણ કામ કરશે એ સંભાવનાના સિદ્ધાંતો હજુ પણ આપણાથી ઘણા દૂર છે.

ધર્મ અને વિજ્ઞાનમાં અટવાતા આપણે ઘણી વાર નિર્ણય લેવામાં ગુંચવાઈએ છીએ અને દિશાઓ ભૂલીએ છીએ, કેમકે મન અને મગજ બને અલગ અલગ વસ્તુઓ અનુભવે છે. આર્થિક ઉપાધીના ચક્કરમાં સાધુ થવું શક્ય નથી ત્યાં માત્ર આધુનિકવાદમાં પણ સફળતા કે સારા જીવનની કોઈ ગેરેન્ટી નથી. જ્યાં માત્ર અને માત્ર એક જ માન્યતા અને સિદ્ધાંત પર જીવનના દરેક ઉકેલ મળવા શક્ય નથી. અને એટલે જ આધુનિકવાદમાં સુખી જીવન માટે ચોક્કસ બાબતોનું સંતુલન સાધવું ખૂબ જરૂરી બને છે. કદાચ આ સંતુલન અને સંયોજન જ સફળ લોકોની સિદ્ધિઓ પાછળનું તર્કવિજ્ઞાન છે.

વિજ્ઞાન અને આધ્યાત્મ

યુવા ખેલાડી વિરાટ કોહલીની સફળતાના રહસ્યો ઘણા જ રસપ્રદ છે. ઇન્ફેક્ટ, આજના ડિજિટલ યુગમાં અને અઢળક સંપત્તિ વચ્ચે પણ તે માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએજ નહીં, પરંતુ માનસિક દૃઢતાથી પણ સફળ થયા છે. આની પાછળનું કારણ માત્ર ક્રિકેટની અધ્યતન તાલીમ જ નહીં પણ મનની સાધના પણ છે. તેઓ નિયમિત ધ્યાન (Spirituality) અને મેઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરે છે, જે તેમનું ફોકસ મજબૂત રાખવા માટે જરૂરી છે. બીજી તરફ, વિજ્ઞાન અને ડેટા-એનલિટિક્સ (Science) દ્વારા પોતાની બેટિંગ ટેકનિકમાં નાવીન્યથી તમામ વિદેશી બોલરોને હંફાવે છે. જે શીખવે છે કે સફળતા મેળવવા જ નહીં પરંતુ તેને ટકાવા પણ શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ વચ્ચેનું સંતુલન ખૂબ જરૂરી છે.

પરંપરા (ટ્રેડિશન)અને નવીનતા (ઈનોવેશન)

એમતો ફેશન અને આર્ટના ફિલ્ડમાં પરંપરાગત ડિઝાઇનોને રીક્રિએટ કરવાનો ટ્રેન્ડ ખૂબ જાણીતો છે. આ ફોર્મ્યુંલા પણ સુપર હિટ છે. પણ પ્રેક્ટિકલી રોજ બરોજના જીવનમાં પણ આ કોમ્બિનેશન ખૂબ અગત્યનું છે. આનું સૌથી મોટું ઉદાહરણ સ્ટીવ જોબ્સે પુરુ પાડ્યું છે. એપલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન જગતમાં હંમેશાથી ટોપ પર જ રહી છે. એની પાછળના ઘણા જ કારણો છે. જ્યાં એપલના ગેજેટ્સ અધ્યતન ટેક્નોલોજીની હરણફાળ દ્વારા હંમેશ અપડેટ થતાં રહે છે, ત્યાં ગેજેટ્સના ડિઝાઇનમાં તેઓ પરંપરાગત સરળતા જાળવી રાખી છે. મેકબુક અને આઇફોન તેના મિનિમલીઝમ અને ડિઝાઇન એથીક્સ માટે જાણીતા છે. યુવાઓ નવા પ્રોજેક્ટમાં કે નવી દિશામાં પોતાનું કૌતુલ્ય દેખાડવા માંગે છે એના માટે પરંપરાગત પદ્ધતિને અનુસરવું સલાહભર્યું છે.

અનુસાશકતા (ડિસિપ્લિન) અને સ્વતંત્રતા (ફ્રીડમ)

કોઈ પણ કાર્યની સફળતા માટે મૂળભૂત પાયો શિસ્ત છે. ધર્મ ગ્રંથોમાં પણ પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવનારને જ સિદ્ધપુરુષ કહ્યો છે. પણ અહીં પ્રેક્ટિકલ રીતે આ વાત ડિસિપ્લિનના અનુસંધાને કહેવાઈ છે. સ્વતંત્રતા, એ કોઈ ગમે તે કરવાની આઝાદી નહીં પણ પોતાની જાતને અશક્યતાઓમાં પણ અજમાવી અને એમાં સફળ થવાનો પ્રયત્ન છે. ગાંધીજી અને અબ્દુલ કલામજીના શિસ્તના નિયમો જગજાહેર છે. બહુ ઓછા લોકો એમના સ્વપ્નો જોવાના અને તેને સાકાર કરવાના પ્રયાસો વિશે જાણતા હશે. તેમનામાં એક વાત બહુ કોમન હતી કે એમણે એ પરિસ્થિતિ માટે સ્વપ્નો સેવ્યાં જે એમના વર્તમાન સમય કરતાં વધુ એડવાન્સડ હતાં. જે તેમની પરિસ્થિતિને અનુરૂપ અશક્ય હતાં, છતાં તેઓ તે પામવામાં સફળ રહ્યા. બહુ જૂજ લોકો એમના સમયકાળથી આગળ વિચારી શકે છે. આ લોકો એવા હતાં જેમને યુગ બદલવાના સપના સેવ્યાં અને શિસ્ત અને અનુશાસનથી એમને સાકાર કર્યા અને એ અંધકારયુગથી આઝાદ થયાં.

લોજીક અને ઈમોશન

થોડા સમય પહેલા એક શબ્દ બહુ ફેમસ થયેલો ‘ઈમોશનલ ઇન્ટેલીજન્સ’. માર્કેટિંગના દરેક ફિલ્ડ, આ સિદ્ધાંત પર કામ કરે છે. જ્યારે કંપનીઓને પોતાની પ્રોડક્ટ કે સર્વિસ માર્કેટમાં મુકવાની હોય ત્યારે તે કંપનીની માર્કેટિંગ ટીમ લોકોના ઈમોશનને તે પ્રોડક્ટ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. આજ સિદ્ધાંત પર ધર્મગુરુઓ, ઇન્ફલુએશર્સ, અને મોટીવેશનલ સ્પીકર્સના ધંધા ટકેલા છે. જે લોકોની લાગણીનાં ઉપયોગ કરીને પોતાની વાત રજૂ કરે છે, અને લોકો એ વાત સહેલાઈથી સ્વીકારી પણ લે છે. લોજીક અને ઈમોશનનું કોમ્બિનેશન છે, ઈમોશનલ ઇન્ટિલિજન્સ, જે એ પણ શીખવે છે કે, માત્ર આવેગમાં આવીને પણ નિર્ણયો ના લેવા, યોગ્ય જગ્યાએ તર્કશક્તિથી કઠિન કામ વધુ સારી રીતે ઉકેલી શકાય છે. જીંદગીના જટિલ રહસ્યો કોઈ એક જ સિદ્ધાંતને અનુસરતા નથી જરૂર પડ્યે અને સમયનુસાર તેમાં ફેરફારો કરવા ઘણીવાર જરૂરી હોય છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)