અલ્ગોરિધમની વિચિત્ર દુનિયા : જ્યાં સ્ક્રોલ કરીએ, ત્યાં વિચારો બદલાય!

આતંકવાદી હુમલાઓ નવા નથી. આપણો ગુસ્સો પણ ખોટો નથી. પગલાંઓ લેવાયા નથી કે લેવાયા એ અલગ વાત અને આપણે કશું નહીં કરી શકતા એ બીજી વાત. થોડા દિવસોમાં બધું ભૂલી જવુ એ પણ સાચી વાત અને ફરી હુમલાઓ નહીં થાય એની પણ કંઈ ગેરેન્ટી નથી.

પણ ફર્ક ક્યાં આવ્યો, આક્રોશતાએ શુ રંગ લીધો? 24 કલાક એક ઘટના તમારા મગજમાં ઠોકવામાં આવી, દરેક સોશિયલ મીડિયાના પેજ, ઇન્ફ્લુએન્સર્સ, મોટીવેશનલ સ્પીકર્સ એક વાતને સો વાર કહે, એક જ વાતના અલગ અલગ મંતવ્યો, અભિપ્રાયોથી રજૂ કરે. માત્ર આજ ઘટના નહીં પણ દરેક એ બાબત જે ટ્રેન્ડમાં છે, તેને જન માનસ પર ઠોકવામાં સોશિયલ મીડિયાનો ફાળો અત્યાર સુધી અવર્ણીત રહ્યો છે.

અંધશ્રદ્ધા હોય કે યુવાઓના અટપટા ટ્રેન્ડ્સ, બની બેઠેલા કાઉન્સેલર્સ હોય કે રેકી,ટેરોટ બતાવતા ઇન્ટિલિજન્ટ ભુવા. મહિનાના અંતે તેમને પચીસ પચાસ મુર્ગા સોશિયલ મીડિયા પર મળી જ રહે છે, જેથી એની રોજી ચાલે છે. પણ એની અસર શુ? આજ સુધી ત્યાં કોઈ સેન્સર બૉર્ડ નથી ઘુસ્યુ કે સેફટીના કોઈ ફીચર્સ નથી અપડેટ થયાં.શુ આપણે પણ એજ દિશામાં ચાલવા તૈયાર છીએ જ્યાં આપણને બ્રેઈન વોશિંગ માટે તૈયાર કરી રહ્યા છે? કોના દ્વારા, અને કોણ છે એ માસ્ટર માઈન્ડ.

એ છે અલ્ગોરિધમનો ખુંખાર કીડો

તમારા એનરોઇડ ફોનના માઈક્રોફોન્સ તમારા શબ્દોને ગ્રહણ કરે છે, વાત ચીતોનો ઊંડો અભ્યાસ કરે છે, તમારી સોશિયલ મીડિયાની લાઈક્સ, ડીસલાઈક્સ, સર્ચ, ફ્રેન્ડસ વગેરે જાણકારીના હિસાબે નક્કી કરે છે કે તમને શું પીરસવું, તમને કેમ લોભવવા અને લલચાવવા. આપણે સવારે આંખ ખોલતાં જ પહેલી નજરમાં ફોન ખોલતાં જ ફોન પર સ્ક્રોલિંગ શરૂ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે આપણું જોવું, પસંદ કરવું કે શેર કરવું એ બધું એક છુપા ‘અલ્ગોરિધમ’ દ્વારા નિયંત્રિત થાય છે?

અલ્ગોરિધમ એટલે શું?

સાદી ભાષામાં કહીએ તો, અલ્ગોરિધમ એ એક પ્રકારનો નિયમોનો સેટ છે, જે નક્કી કરે છે કે તમારે શુं જોવાનું છે. જે પ્રકારની પસંદગી હોય તે જ સતત અહીં પીરસવામાં આવે છે. એટલે જો તમારો ફોન તમારા બાળકો દ્વારા પણ વપરાતો હોય તો એના માટે એ ઘણી વાર અયોગ્ય કન્ટેન્ટ પીરસી શકે છે. અંધશ્રદ્ધા ફેલાવનારા પેજ વધુ ખતરનાક સાબિત થાય છે, ખાસ કરીને દિવાળી, કાળી ચૌદશ જેવા દિવસે અનેક ટોટકા બતાવવામાં આવે છે. દાદા દાદી જેટલાં ઉંમરના લોકો એમના સોફ્ટ ટારગેટ હોય છે. એ લોકો જે કાઉન્સેલર્સ, સાયક્રિયાટિક્સ, ડાયટિંશિયન છે, જે પોતાનું માર્કેટિંગ રીલ્સ કે વીડિઓઝ દ્વારા કરે છે, મોટા ભાગે ટોટકા અને મેડિકલ સલાહો આપતાં રહે છે. એની વાત સાચી હોય તો પણ દરેકને તાસીર પ્રમાણે જ દવાઓની અસર થાય છે. એટલે માત્ર જાહેરાત સિવાય એ લોકોનો ઈરાદો કોઈ જ હોતો નથી.
ઘણી વાર તમે જો મનથી મક્કમ ના હોય તો કોઈના વિચારો તમારા પર હાવી થઈ શકે છે, અંગત જીવનના ઘણા પ્રશ્નો લોકો આવાં ઇન્ફ્લુએન્સર્સના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરતાં હોય છે જે તદ્દન વાહિયાત સોલ્યુસન છે. બાળકો માટે તે અતિ જોખમી સાબિત થયું છે, બાળકોમાં અગ્રેસન, હાઇપર સેન્સિટિવીટીના કેસોમાં ધરખમ વધારો થયો છે.
અલ્ગોરિધમ આપણું જીવન કેવી રીતે નિયંત્રિત કરે છે?

 

આજના સમયમાં અલ્ગોરિધમ આપણું ધ્યાન, સમય અને પસંદગીઓને નિયંત્રિત કરે છે. આપણે શું વાંચીએ, શું ખરીદીએ, કે શું વિચારીએ—આ બધું ખુબજ હદ સુધી એ આધારે નક્કી થાય છે કે મીડિયાના એ એપ્સ શું બતાવે છે.

ઉકેલ શું છે?

સોશિયલ મીડિયા માટે સમય મર્યાદિત કરવો. અલગ-અલગ વિષયો માટે માહિતી શોધવાનો પ્રયત્ન કરવો,જેથી અલ્ગોરિધમ પણ વિવિધતાપૂર્વક માહિતી આપે. જ્યાં સુધી તમે સ્યોર નથી ત્યાં સુધી, માહિતી શેર કરતાં પહેલા તેની સચોટતા ચકાસવી.

અલ્ગોરિધમ પોતે ખરાબ નથી, પણ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. જો આપણે સમજદારીથી તેનો ઉપયોગ કરીએ, તો તે જાણકારી અને વિકાસ તરફ દોરી શકે છે. નહીં તો, તે આપણા વિચાર અને જીવનની દિશા બદલી શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)