આભામંડળથી રચો સફળતાનો સેતુ

કવિ કાલિદાસથી લઈને ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સુધીના કોઈપણ સર્જકે જયારે જ્યારે એમની કૃતિઓમાં કોઈ વ્યક્તિત્વનુ વર્ણન કર્યું છે, ત્યારે તેમને કોઈને કોઈ ઉપમા કે અલંકારોની જરૂર પડી છે. કોઈના વ્યક્તિત્વનું વર્ણન કરવું એ ખુબ જ કઠિન હોય છે એ જેટલું સાચું છે એટલું જ એ પણ સાચું છે કે, કોઈપણ વ્યક્તિત્વની છાપ કે પ્રભાવ હંમેશા અનન્ય જ હોય છે.

કુદરતે દરેકને એવી વ્યક્તિગત કુશળતાઓ આપી છે કે વ્યક્તિ પોતાની એક અલગ ઓળખ બનાવી શકે. એનાથી એક વિશિષ્ટ આભામંડળ સર્જી શકે. પ્રચલિત ભાષામાં તેને આપણે ઓરા કહીયે છીએ. સાદી ભાષામાં સમજીએ તો એ છે એ વ્યક્તિનો પ્રભાવ. તમારી આ ઓરા કે પ્રભાવ, એનાથી પેદા થતો અનોખો આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ, કોઈપણ મુશ્કેલ ઘડીમાં તમારું કામ આસાન બનાવી શકે છે.

ગમે તે સ્થળે, તમારી હાજરીની કોઈ કદર હોય કે ના હોય પરંતુ તમારા જવા પછી, ત્યાં એક સારી કે ખરાબ અસર જરૂર પડે છે. આપણાં શબ્દોને દરેક જગ્યાએ પ્રગટ થવાનો અવસર મળે જ એ જરૂરી નથી એટલે કોર્પોરેટ જગતમાં આજકાલ ફિઝિકલ પર્સનાલિટી,બોડી લેન્ગવેજ અને હાથની ચોક્કસ મુદ્રાઓનું મહત્વ વધતું જાય છે. ફક્ત કોર્પોરેટ જ નહીં, રાજકારણ સહિત જાહેરજીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા માટે તમારી પર્સનાલિટી અને પ્રભાવ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિની સફળતાનો આધાર એમનું પાવર-પેક્ડ રિઝ્યુમ નહીં, પણ એમની કોન્ફિડન્ટ બોડી લેન્ગવેજ અને પોઝિટિવ વિઝન હોય છે.

પોઝિટીવ માઈન્ડસેટ

તમે જોજોઃ સ્માર્ટ લોકો જ્યારે પણ કોઈને મળે છે ત્યારે સામેની વ્યક્તિ માટે એમનો અભિગમ ખાસ હોય છે. જો તમે કોઈ પણ સફળ વ્યક્તિને મળ્યા હોય તો તમને જરૂર અંદાજ હશે કે તેઓ હંમેશા તમને મળતી વખતે ‘તમે એમના માટે ખાસ છો’ એવો અહેસાસ કરાવે છે. ચહેરા પર સ્મિત સાથે દરેક નાની વાતને ધ્યાનથી સમજવાની કળાનુ કોર્પોરેટ વર્લ્ડમાં ખાસ મહત્વ છે. આ જ એટ્ટીટ્યૂડથી તેઓ પોતાના કામોને સહેલાઈથી પાર પાડી શકે છે.

બોડી લેન્ગવેજ અને પોશ્ચર

કોઈપણ વ્યક્તિની સાથે વાત કરતાં પહેલાં તે વ્યક્તિ તમને તમારી બોડી લેન્ગવેજ અને શરીરના પોશ્ચર પરથી તમારા વિશે અમુક ધારણા બાંધી લે છે. ઘણી વખત તો વાતચીત પહેલાં જ એ ધારણાના આધારે નિર્ણય લેવાઇ જતો હોય છે. લઘરવઘર કપડાં, ધીમેથી ટહેલવું અને આમતેમ નજરો ફેરવવી એ લો-કોન્ફિડન્સ કે અરુચિની નિશાની છે. બોડીનું ટટ્ટાર પણ રિલેક્સ પોશ્ચર, આંખમાં આંખ મેળવીને વાતો કરવી એ તમારી કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાની નિશાની છે. આ સાથે ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા હાથ તમારી બોડીને કવર ના કરતાં હોય, કેમકે તેનાથી બીક કે ડરની ભાવનાઓ જન્મી શકે છે. કોન્ફિડન્ટ બોડી સ્ટ્રક્ચર એ એક રીતે કામ પ્રત્યેનો પ્રામાણિક અભિગમ છે, જેનાથી તમે તમારી ઈમ્પ્રેશન વધારી શકો છો.

શેકહેન્ડ

વ્યક્તિ સાથે હાથ મિલાવવાની રીતથી વ્યક્તિગત ચેષ્ટા જાણી શકાય છે. થોડા ટટ્ટાર અને મજબૂતાઈથી કરેલા શેકહેન્ડનો પ્રભાવ ઊંડો અને અસરકારક હોય છે. એટલે જ સફળ લોકો પોતાની પ્રતિભા અને પાવરનો પરિચય ટૂંકમાં આપવા સક્ષમ હોય છે. જનરલ વાતચીત દરમ્યાન હાથને ક્રોસ કરી અદબ વાળી શકાય, પરંતુ જો તમે કોઈ જગ્યાએ એમ્પ્લોઇ તરીકે વાત કરો છો ત્યારે આ આ સ્થિતિ એક અહંમ ભાવ જગાવી શકે છે. એ જ રીતે પગને ક્રોસ રાખવા એ અહંકારી એટ્ટીટ્યૂડ દર્શાવે છે. હાથથી પેનને વારંવાર હલાવવી કે તેની સાથે રમવું એ અગેઇન, લો-કોન્ફિડન્સ અને મિટીંગ માટે પૂરતી તૈયારીની ખામી બતાવે છે.

વોઇસ ટોન

કોઈપણ જગ્યાએ લાઉડ વોઇસ ટોન કે ઉંચો અવાજ એ ઓવર કોન્ફિડન્સ અને નર્વસનેસની નિશાની છે. સ્પીચ-થેરાપીસ્ટ માને છે કે કોઈપણ વાતને ધ્યાનપૂર્વક સાંભળવી એ મહત્વની કળા છે. સામેની વ્યક્તિ સાથે વાતચીતમાં રસપૂર્વક ભાગ લેવો જરૂરી છે. વાતચીત દરમ્યાન નજર આમતેમ ફેરવવી, નીચે જોવું, વારંવાર ટાઈમ ચેક કરવો કે માથું હલાવ્યે રાખવું એનાથી તમારું ધ્યાન કે રૂચિ વાતચીતમાં નથી એવું સાબિત થાય છે.

સફળ લોકો વાતચીત દરમ્યાન તદ્દન સભાન હોય છે. એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ જબરદસ્ત હોય છે. એમના માટે તે ક્ષણથી વધુ જરૂરી કંઈ નથી એવું એમના વર્તનમાંથી પ્રતીત થાય છે. આવા લોકોની આ માઈન્ડફુલનેસ જ એમની સફળતાનું કારણ હોય છે.

ચોક્કસ મુદ્રાઓ

યોગા અને ધ્યાનમાં જેમ હાથની ચોક્કસ મુદ્રાઓનું ખૂબ મહત્વ છે એમ તેનો ઉપયોગ મિટીંગમાં કે કોઇની સાથેની વાતચીતમાં પણ કરી શકાય. એનાથી આંતરિક શક્તિમાં વધારો થાય છે. એલોન મસ્ક હોય કે વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર રોનાલ્ડો, જયારે કોઈની સાથે વાતચીતમાં બેઠા હોય છે ત્યારે તેઓ પાવર મુદ્રાનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી. તણાવ અને વ્યસ્તતા વચ્ચે પણ પોતાની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવાની આ સૌથી અસરદાર રીત છે. વાતચીત કે ઇન્ટરવ્યૂ દરમ્યાન ચોક્કસ મુદ્રાઓનો ઉપયોગ તમારી વાતચીતનું પોઝિટિવ પરિણામ આપવામાં મદદ કરે છે.

અલગ અલગ ભાષાઓ બોલવા છતાં આપણા ભાવોને પ્રદર્શિત કરવા માટે ઉપયોગમાં લેવાતા હાવભાવ દરેક માનવીમાં સરખા જ હોય છે. પ્રાણીઓમાં પણ તે સરખા જ જોવા મળે છે. આપણા હાવભાવ જ કમ્યુનિકેશનનું કુદરતી અને સૌથી સચોટ સ્વરૂપ છે માટે વાતચીત દરમ્યાન તમારા હાવભાવ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)