માઇક્રો રિટાયરમેન્ટ : એ વળી કઇ બલા છે?

હમણાં એલન મસ્ક અને ઇન્ફોસીસના વડા નારાયણ મૂર્તિના કેટલા કલાકો કામ કરવું જોઈએ એ મતલબના નિવેદનોની ભારે ચર્ચા છે. યુવાનોએ વીકના 90 કલાક કે 120 કલાક કામ કરવું જોઇએ એવી સલાહો આપવામાં આવે છે. આજની પેઢી પોતાની આગવી સમજણ અને કોઠાસૂઝથી આ પ્રેશર સામે લડવા સજ્જ થઇ રહી છે. જ્યાં તેઓ કામમાં સર્જનાત્મકતા લાવવા તેમજ હાઇપર વર્કલોડ સાથે પોતાની પર્સનલ લાઈફ બેલેન્સ કરતાં શીખી રહી છે.

સોશિયલ મીડિયા અને ન્યુઝ અપડેટસમાં વારંવાર અનેક જાણીતી હસ્તીઓના બ્રેક અપ અને ડિવોર્સના ખબરને જોઈને આપણને નવાઈ નથી લાગતી કેમ કે હવે આ બધુ સામાન્ય બની રહ્યું છે. કારણ કે આપણે જાણીયે છીએ કે અંડર્સ્ટેન્ડિંગ અને એક્સટર્નલ અફેર્સ સિવાય લગભગ દરેક રિલેશનશીપ માટે સૌથી મૂળભૂત કારણ સમયનો અભાવ જ રહ્યો છે. જ્યાં સંવનન અને સમજ માટે પણ સમય જરૂરી છે ત્યાં કેરિયર બનાવવાની અને તેમાં અવલ્લ આવવાની હોડ, અસંખ્ય સબંધો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. એક સર્વે મુજબ મોટાભાગના લગ્ન જીવન તૂટવાનું કારણ વર્કલોડ માનવામાં આવે છે. થોડા સમય પહેલાં કોર્પોરેટ જગતમાં, ખાસ કરીને યુવાઓમાં ‘બર્નિગ આઉટ’ શબ્દ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. બર્નિગ આઉટનો સામાન્ય ભાષામાં અર્થ થાય છેઃ ‘અકળાવું’.

થોડા સમય પહેલા અમેરિકાની સિલિકોન વેલીમાં કામ કરતાં એક કન્ટેન્ટ રાઇટરે પોતાના સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો, જેમાં તેણે ખુલાસો કર્યો કે પોતાની અધધ સેલેરી વાળી જોબ છોડીને તે ખૂબ ખુશ છે. એટલું જ નહિ તેણે બીજાને પણ આવું કરવા માટે અપીલ કરી હતી કે જો તમે તમારી જોબથી અકળાઈ ગયાં હોય તો જોબ છોડી દો, ભલે તે ગમે તેટલી ઉચ્ચ હોય. ટીકટોક પરના આવાં ઘણા વિડિયોઝ બાદ યુવાઓમાં નવા વિચારો શરૂ થવા લાગ્યા. ત્યારબાદ તબક્કા વાર અનેક ટ્રેન્ડ બદલાયા, ‘કોફી બેજીંગ’, ક્વાઇટ કવિટિંગ, અને હવે એમાનું જ, પણ લેટેસ્ટ આવ્યું છે ‘માઈક્રો રિટાયરમેન્ટ’.

માઈક્રો રિટાયરમેન્ટ શું છે?

નવા શબ્દોમાં છુપાયેલ જૂનો અભિગમ પ્રકટ કરતાં આ શબ્દોના અર્થ કોઈ નવા નથી. જેમ જમીનમાં સતત પાક લેતાં લેતાં જમીનની ગુણવત્તા સાચવવા જમીનને એકાદ વર્ષ માટે ખેતી વિહોણી છોડવી પડે છે તેમ આ અભિગમ શારીરિક અને માનસિક કાર્યશીલતા વધારવા તેમજ પરિવારજનો માટે સમય ફાળવવા માટે નવી પેઢી દ્વારા અપનાવવવામાં આવેલો કન્સેપ્ટ છે, જેમાં નિવૃત્તિની ઉંમર ન હોવા છતાં યુવાનો અનિશ્ચિત સમય માટે કામમાંથી બ્રેક લે છે અને જોબ છોડે છે, પ્રવાસો કરે છે, પોતાના લોકો માટે સમય ફાળવે છે, શોખ પુરા કરે કે કોઈ સ્ટાર્ટ અપ કરે છે, જેમાં તે જીવનનો ખરો આનંદ માણી શકે.

માઇક્રો રિટાયરમેન્ટ માટેના મૂળભૂત કારણો

મૉડર્ન વર્કલાઈફ અને જીવનશૈલીમાં બદલાવના લીધે માઇક્રો રિટાયરમેન્ટ જરૂરી બની રહ્યું છે, જેના માટે ઘણા કારણો જવાબદાર છે.

1. નોકરીમાં બર્નઆઉટ (Burnout)

બર્નઆઉટ એટલે કે કંટાળી જવું. વર્કલોડ, પ્રેશર અને એક સરખા કામને લીધે જીવન મશીન જેવું લાગે છે. બોરડમ વધવાના લીધે વારંવાર જોબ છોડી દેવાનું મન થાય છે.

 

2. કેરિયરના નવા વિકલ્પો

આપણે ઘણીવાર એવુ વાંચેલું કે સાંભળેલું હોય છે કે મોટી જોબ છોડીને કોઈ ખેતી કરે છે કે કોઈ નવું સ્ટાર્ટ અપ કરે છે તો એની પાછળનો મુખ્ય હેતુ પોતાની સ્કિલના ગ્લોબલ એક્સપોઝર માટેનો હોય છે. આ ઉપરાંત, લોકો ફ્રિલાન્સિંગ જોબ તરફ વધારે આકર્ષિત થઇ રહ્યા છે, જ્યાં તેઓ પોતાની મરજી મુજબ કામ કરવાનું વધુ પસંદ કરે છે.

3. પર્સનલ લાઈફનું મહત્વ

એક સર્વે પ્રમાણે 70 ટકા બ્રેકઅપનું કારણ બીઝી લાઈફ સ્ટાઇલ હોય છે. યુવાનો હવે આ બાબતે વધુ મેચ્યોર બની રહ્યા છે. પોતાના સાથી પ્રત્યે સમય ફાળવવો એ સબંધની તંદુરસ્તી માટે જરૂરી બન્યું છે.

માઈક્રોરિટાયરમેન્ટ પછી શુ?

કોરોના મહામારી બાદ માણસ જીંદગીને માણતા શીખ્યો છે. ‘ઓછામાં ઘણું જીવવું’ ના બોધને જાણ્યો છે. પરંતુ આ એક અત્યંત જોખમી પ્રકિયા છે, જેમાં ઘણીવાર નવી આશાઓ અને ઉત્સાહ પર પાણી ફરતાં વાર લાગતી નથી. એક્સપર્ટસના મત મુજબ જો તમારી પાસે આર્થિક સધ્ધરતા હોય તો જ તમે આ રિસ્ક લઇ શકો છો. કામના બ્રેક બાદ પ્રવાસ, મોજ શોખમાં બમણી આવક પણ જઈ શકે છે. આ ઉપરાંત, ચોક્કસ સમય બાદ પણ યોગ્ય જોબ માટેનો સંઘર્ષ તો ખરો જ. બધું મૂકીને નવું સ્ટાર્ટઅપ કરવામાં ઘણા જોખમ પણ છે. દરેક સાહસને સફળતા મળે જ એ પણ જરૂરી નથી એટલે જાણકારોના મત મુજબ માઈક્રોરિટાયરમેન્ટ પહેલાં નાણાકીય અને કેરિયરની અનિશ્ચિત્તા વિશે વિચાર કરવો પણ ખૂબ જરૂરી છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)