સ્ત્રીઓ માટે સર્વત્ર એકસમાન સમસ્યાની ચર્ચા હોય તો…

સ્ત્રી, કોઇપણ વર્ગની હોય દરજ્જાની હોય કે દેશની હોય, એક સમસ્યા એકસમાન ધોરણે ખૂબ પહેલેથી વ્યાપક રહી છે.

એ સમસ્યા માટે સૌને એકલાકડીએ હંકારવાની વાત નથી પરંતુ જાતીય હિંસાની વાત આવે ત્યારે સ્ત્રીઓને પુરુષ તરફથી થતી જાતીય હિંસા એવી ચોખ કર્યા વગર છૂટકો નથી. હોલિવૂડ હોય કે બોલિવૂડ, આ ગ્લેમરવર્લ્ડના પ્રભાવી અને શાનશૌકતના જગતમાં જીવતી ધુરંધર નેત્રીઓએ જ્યારેજ્યારે મોં ખોલ્યાં છે ત્યારે આવા કીચડ તરફ સૌનું ધ્યાન દોરાતું રહ્યું છે.

 

હિન્દી સિનેમામાં હૉલિવૂડ જેવા જાતીય શોષણ, કુકર્મ કેસો બનતા રહે છે. કોઈ પોતાનું નામ જાહેર કરવા માગતું નથી. કામ અને દામ, પૈસા અને પ્રસિદ્ધિ મળતા હોવાથી સૌ ચૂપ જ રહે છે. ફેમ માટે, ફન માટે અને મની માટે જો કોઈ વ્યક્તિ કૉમ્પ્રોમાઈઝ કરતી હોય તો એને જાતીય શોષણ કે દુષ્કર્મ કહી શકો નહીં. તમે જ્યારે કોઈ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખો છો ત્યારે તમારે એવા સંબંધમાં હંમેશા ઝૂકવાનું આવે જ છે. કોઈ પણ સંબંધમાં પૈસાની લેવડદેવડ સંબંધને મારી નાખે છે. પૈસા સિવાય પણ કોઈ પ્રકારની અપેક્ષા જો સંબંધમાં રાખવામાં આવી હોય ત્યારે એ પુરી ના થાય ત્યારે સંબંધનો રેશમદોર તૂટવા લાગે છે. સંબંધમાં લાગણી અને સંવેદના મરી પરવારે ત્યારે અપેક્ષાના સામા છેડે આક્ષેપબાજીનો કાદવ પણ ઊડાડવામાં આવતો હોય છે. સંબંધ નામની ગાડી ગરજ અને મતલબ નામના બે પાટા ઉપર જ ચાલતી હોય છે.

એક ગુજરાતી કહેવત છે કે “ગરજ સરી ને વૈદ વેરી.” તમારું દર્દ મટી જાય અને દર્દનો ઉપચાર પુરો થાય એટલે વૈદનો કોઈ ભાવ પણ પૂછતું નથી. કદાચ એટલે જ આજની હાઈફાઈ હૉસ્પિટલોમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર જ પહેલાં ફી જમા કરાવી દેવાની હોય છે. કામ પતી જાય પછી કોઈ એકબીજાને યાદ કરતું નથી. આજના સમયનું આ જ સત્ય છે. હૉલિવૂડમાં કેટલીક સેલેબ્સ દ્વારા જાતીય હુમલા વિશે જાત જાતના ખુલાસા વખતોવખત કરવામાં આવ્યા છે ત્યારે હૉલિવૂડની વધુ એક ઍક્ટ્રેસ રિસ વેધરસ્પૂને પણ કહ્યું છે કે હૉલિવૂડના પ્રૉડ્યુસર-ડિરેક્ટર હાર્વે વેઈન્સ્ટને તેનું જાતીય શોષણ કરેલું છે. પોતે જ્યારે માત્ર 16 વર્ષની હતી અને હૉલિવૂડમાં નસીબ અજમાવવા આવી હતી ત્યારે કામ આપવાની લાલચે હાર્વે વેઈન્સ્ટને રિસ વેધરસ્પૂનનું જાતીય શોષણ કર્યું હતું.

વાત આટલેથી જ અટકતી નથી. રિસના કહેવા અનુસાર એ વખતે તેને હૉલિવૂડના કેટલાંક એજન્ટ્સ હાર્વે વેઈન્સ્ટન પાસે તથા અન્ય પ્રૉડ્યુસર્સ્ પાસે લઈ ગયાં હતા. જે લોકોએ તેનું જાતીય શોષણ કર્યું હતું. આ એજન્ટો અને પ્રૉડ્યુસરોએ તેને મ્હોં બંધ રાખવા પણ ધમકી આપી હતી. તેણે કહ્યું કે તેના જીવનમાં જાતીય શોષણની આવી કોઈ એકલદોકલ ઘટના બની નહોતી. આવો સિલસિલો ચાલતો જ રહ્યો હતો. હૉલિવૂડની અભિનેત્રી (1) ઍન્જેલિના જોલી, (2) કારા ડેલેવિંગ્ને, (3) એશ્લે જૂડ, (4) ગિવેન પેલટ્રૉ અને (5) રિસ વેધરસ્પૂને હૉલિવૂડના પ્રૉડ્યુસર હાર્વે વેઈન્સ્ટન સામે જાતીય શોષણના ખુલ્લા આક્ષેપ કર્યા છે. મીડિયાના કહેવા પ્રમાણે માત્ર આ પાંચ જ નહીં, બીજી ઘણી બધી હિરોઈનો હાર્વેનો શિકાર બની હોઈ શકે છે. પરંતુ જે હિરોઈન મ્હોં ખોલે તેના જ કિસ્સા બહાર આવી શકે એ હકીકત છે. હિન્દી સિનેમામાં હૉલિવૂડ જેવા જાતીય શોષણ, કુકર્મના કેસો બનતાં રહે છે. કોઈ પોતાનું નામ જાહેર કરવા માગતું નથી. કામ અને દામ, પૈસા ને પ્રસિદ્ધિ મેળવવા માટે સૌ ચૂપ જ રહે છે. ફેમ માટે, ફન માટે અને મની માટે જો કોઈ વ્યક્તિ કૉમ્પ્રોમાઈઝ કરતી હોય તો એને જાતીય શોષણ કે દુષ્કર્મ કહી શકો નહીં.

રિલેશનના લેશન અજબગજબના હોય છે. જો તમે સામી વ્યક્તિથી પરેશાન હોવ તો એવા સંબંધમાં ટર્ન લઈ લેવો એ જ બહેતર ઉપાય હોય છે. ટર્ન લેવાના બદલે આક્ષેપોની કીચડબાજી ઉછાળવામાં આવે ત્યારે સંબંધની ગરિમા પણ લજવાઈ જાય છે. જો તમે ઉછાળવા માટે પણ કાદવ હાથમાં લેશો તો તમારા હાથ પણ કાદવવાળા થાય જ છે. જ્યારે તમે સામી વ્યક્તિ માટે નકારાત્મક બનો છો ત્યારે સમાજ અને દુનિયા તમને પણ નકારાત્મક નજરે જ જોવાની છે. જો તમે હાથમાં ફૂલ પકડ્યું હોય તો તમારા હાથ કેટલાય સમય સુધી સુવાસથી હર્યાભર્યા જ રહેવાના છે.

આપણા દેશના સાદગીપૂર્ણ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સાદગીમય જીવનનો એક પ્રસંગ છે. ચુંટણીના દિવસોમાં તેઓ પોતાના મતવિસ્તારમાં પ્રવાસ અને જનસંપર્ક કરી રહ્યાં હતા. સાથે તેમનાં પત્ની લલિતાદેવીજી પણ હતાં. પગપાળા ગામના લોકોની મુલાકાત લઈ રહ્યાં હતાં અને સૌના હાલચાલ પૂછી રહ્યાં હતાં. એવામાં તેમના હરીફ ઉમેદવારના સમર્થકોનું ટોળું ધસી આવ્યું.

કોઈ સમજે કે વિચારે એ પહેલા ટોળું હુમલો કરવા જેવું આગળ આવ્યું કે તરત શાસ્ત્રીજી બોલ્યાં કે “તમારે મારી સાથે શું દુશ્મની છે? શા માટે તમે કોઈએ મોકલ્યાં પ્રમાણે કામ કરો છો? શા માટે તમે તમારા અંતરના અવાજ પ્રમાણે કામ કરતાં નથી?”આટલું સાંભળતાં જ ટોળામાં રહેલા ઉશ્કેરાયેલા લોકોને પોતાની ભૂલ સમજાઈ. તેમને ખ્યાલ આવ્યો કે ખરેખર પોતે તો કોઈએ મોકલ્યાં હોવાથી અહીં શાસ્ત્રીજી ઉપર હુમલો કરવા આવ્યાં હતાં. શાસ્ત્રીજીએ તો તેમનું કશું બગાડ્યું નથી. શાસ્ત્રીજી તો ભલા માણસ છે.

દિનેશ દેસાઈ