કહેવત છેને કે, “મન હોય તો માળવે જવાય”. એને ખરા અર્થમાં સાર્થક કરી છે અમદાવાદની 14 વર્ષીય નીરજા ભટ્ટે, જેણે આટલી નાની ઉંમરમાં લેખિકા બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી નીરજા ભટ્ટે આપણે કલ્પના પણ ન કરી હોય તેવી નવી જ ફ્રેશ વાર્તા સાથેની ‘ધ બેડ એરા-પાર્ટ 1′ નામની નવલકથા લખી છે. હોલિવૂડની ફિલ્મોની જેમ અકલ્પનીય નવી દુનિયાનો અને નવી વાર્તાનો અહેસાસ નીરજાએ લખેલું આ પુસ્તક કરાવે છે.
નીરજાને છ વર્ષની ઉંમરથી જ લેખનનો શોખ જાગ્યો હતો. ત્યારથી એણે ઘણી ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખી છે. પુસ્તક લખવાનું તેનું લાંબા સમયથી સપનું રહ્યું હતું અને પોતાની પ્રથમ નવલકથા ‘ધ બેડ એરા-પાર્ટ 1’ લખીને એણે તે સાકાર કર્યું છે.
નીરજાએ લખેલી આ નવલકથા એક કાલ્પનિક વાર્તા છે. એવી દુનિયા કે જેણે માનવીનો જન્મ થયો તે પહેલાં બિગ બેંગ દ્વારા તેની રચના કરવામાં આવી હતી. કલિયુગને રોકી શકાશે? તે વિષય છે આ ઉત્કંઠાસભર પુસ્તકનો.