સુંદરતા સ્ત્રીના જીવનનું અમુલ્ય ઘરેણું છે. આમ પણ સ્ત્રીઓને પોતાની સુંદરતા સાથે અનન્ય લગાવ હોય છે. સુંદર દેખાવું તે તમામ સ્ત્રીઓની મનગમતી વાત હોય છે. અને આના માટે સ્ત્રીઓ પોતાના ચહેરા પર અનેક પ્રકારની ક્રીમ અને મેકઅપ લગાવતી હોય છે. પરંતુ હકીકતમાં જોવા જઈએ તો બજારમાં મળતી ક્રીમો ક્યાંકને ક્યાંક કેમીકલનો ઉપયોગ થયેલો હોય છે. આ ક્રીમ તમને ક્ષણિક સુંદરતા આપે છે અને હકીકતમાં એ તમારી ત્વચાને નુકસાન પહોંચાડતી હોય છે.પરંતુ શું તમને પ્રાકૃતિક સૌદર્ય પ્રાપ્ત થાય તો ગમશે ? ચોક્કસ ગમશે. કારણકે પ્રાકૃતિક સૌદર્ય દરેક સ્ત્રીને પસંદ હોય છે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે પ્રાકૃતિક સોંદર્ય પ્રાપ્ત કરી શકાય. પ્રાકૃતિક સૌંદર્ય પ્રાપ્ત કરવા માટે ફળો તમને ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. ફળોમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તો આ સિવાય ફળોમાં ત્વચા પર ચમક લાવવા માટેના તમામ આવશ્યક મિનરલ્સ હોય છે. આજે અમે તમને એવા ફળોથી પરિચીત કરાવીશું કે જેના પ્રયોગથી તમે પ્રાકૃતિકરૂપે સૌંદર્ય પ્રાપ્ત કરી શકશો.
કેરી મોટાભાગના લોકો ખુબ પસંદ હોય છે. આમાં વિટામિન એ, સી, અને ઈ ભરપુર માત્રામાં હોય છે. તો આ સિવાય કેરીમાં ફોસ્ફરસ, પોટેશિયમ, અને મેગ્નેશિયમ જેવા ખનીજોની માત્રા પણ ખુબ હોય છે. કેરીમાં ઉપ્લબ્ધ બાયોફ્લેવોનોઈડ નામનું એક એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે તમારી ચામડીને કોઈપણ પ્રકારના નુકસાનમાંથી બચાવે છે. તો આ સાથે જ ચહેરા પર વધતી ઉંમરના લક્ષણોને દૂર કરવાની ક્ષમતા પણ કેરીના ફળમાં છે. આમ કેરીનો ખાવાથી ત્વચા મુલાયમ અને સુંવાળી બને છે.
લીંબુનો ઉપયોગ સુંદરતા વધારવા માટે શ્રેષ્ઠ છે. લીંબુમાં વિટામિન “સી”નો અખૂટ ભંડાર હોય છે. કોસ્મેટિક તરીકે લીંબુનો ખુબ ઉપયોગ થાય છે. કોઈપણ પ્રકારે ચામડી કાળી પડી ગઈ હોય તો તે જગ્યાએ લીંબુ ઘસી દેવું જેનાથી ચામડીની કાળાશ દૂર થઈ જશે.
પાકેલા પપૈયાને ફ્રૂટ ઓફ એન્જલ્સ કહેવામાં આવે છે. પપૈયામાં વિટામિન એ, બી, સી અને સાથે જ પોટેશિયમ, કોપર અને મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વોની પણ ભરપૂર માત્રા હોય છે. પપૈયામાં મળી આવતું પપૈન નામનું ઈન્ઝામન ચામડી પરની ડેડ સ્કીનને દૂર કરવાની સાથે ચહેરાને સાફ અને ચમકદાર બનાવે છે. પપૈયાના પલ્પને સીધો જ ચહેરા પર લગાવી શકાય છે. સાથે જ ઓટમીલ, દહીં અને ખાંડનું મિશ્રણ કરી તેનું ફેસપેક બનાવીને પણ ચહેરા પર લગાવી શકાય છે.
કેળા એક એવું ફળ છે કે જે આખું વર્ષ બજારમાં મળે છે. કેળા પોષક તત્વોનો ભંડાર છે. કેળામાં વિટામિન સી અને બી-5નો સૌથી સમૃદ્ધ સ્ત્રોત હોય છે. આ ચામડીની સાથે વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. કેળામં ખાંડ, ઈંડુ અને બદામના તેલનું મિશ્રણ કરીને હેરપેક અને ફેસપેક પણ બનાવી શકાય છે.