દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 4.90 લાખ થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે જ્યાં સુધી કોરોનાની રસી ન બને ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ માસ્કનો ઉપયોગ કરતા જ રહેવું પડશે. સૌ જાણે છે કે દેશમાં કોરોનાના કેસોના વધારા સાથે માસ્કની માગ પણ વધી છે. અનેક લોકો માસ્ક બનાવવાના કામમાં લાગેલા છે. આમાં બાળકો, વડીલો અને યુવાઓ પણ સામેલ છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓએ પણ માસ્ક સીવવાનાં કામ કર્યાં છે. કર્ણાટકના ઉડુપીમાં રહેતી એક 10-વર્ષની દિવ્યાંગ બાળકી માત્ર એક હાથ હોવા છતાં માસ્ક સીવી રહી છે. એણે સીવેલાં માસ્ક વિદ્યાર્થીઓમાં વહેંચવામાં આવ્યા છે. સોશિયલ મિડિયા પર બાળકીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સિંધુરીએ 15 માસ્ક સીવ્યાં
કર્ણાટકના ઉડૂપીની 10 વર્ષીય દિવ્યાંગ બાળકીનું નામ છે, સિંધુરી. એને જન્મથી જ ડાબો હાથ નથી. એક હાથથી એણે 15 માસ્કની સિલાઈ કરી છે. સિંધુરીના આ માસ્ક SSLCના વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા છે. સિંધુરીએ સીવેલાં માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ ગયા ગુરુવારે સવારે પરીક્ષા પણ આપી હતી. સિંધુરીની સોશિયલ મિડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. સિંધુરીને જન્મથી ડાબા હાથમાં કોણી નીચેનો ભાગ નથી.
સિંધુરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે
સિંધુરી સંતકેત-કલ્લિનપુરની માઉન્ટ રોઝરી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે લોકો માટે એક લાખ માસ્ક સીવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.
સિંધુરીએ કહ્યું, SSLC વિદ્યાર્થીઓમાં એક લાખ માસ્ક વિતરિત કરવા માટે સ્કાઉટ અને ગાઇડ વિંગનું લક્ષ્ય છે. મેં અત્યાર સુધીમાં 15 માસ્ક બનાવ્યા છે. મને પ્રારંભમાં એક હાથથી સિલાઈ કરવામાં તકલીફ પડતી હતી, પરંતુ મારી માતાએ માસ્ક સીવવા માટે મને પ્રોત્સાહિત કરી અને મને સાથ આપ્યો. હવે બધા મારી પ્રશંસા કરી રહ્યા છે.
સોશિયલ મિડિયા પર વાઇરલ
સિલાઈ મશીન પર ફેસ માસ્ક સિવતી સિંધુરીનાં ફોટા સોશિયલ મિડિયા પર વાઇરલ થયા છે. નેટિઝન્સે માસ્ક બનાવતી આ બાળકીના પ્રયાસોની પ્રશંસા કરી છે અને તેને આશીર્વાદ આપ્યા છે.
ટ્વિટર પર એક યુઝર્સે કહ્યું છે કે તારા પગલાં જ્યાં પડે…બસ તને ખુશીઓ મળે. તો એક અન્ય યુઝરે લખ્યું છે કે આવું અદભુત કામ, ભગવાન તને આશીર્વાદ આપે.