ઈન્ડોનેશિયાના બાલી ટાપુનાં લોકો બાલીનીઝ સાકા કેલેન્ડર અનુસાર જે નૂતન વર્ષ ઉજવે છે એને તેઓ નેપી ડે કહે છે. એ દિવસે લોકો તમામ લાઈટ અને અવાજ બંધ રાખે છે, તમામ ટ્રાફિક રોકી દે છે, તમામ સંસારી પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે અને ધ્યાન ધરે છે. આમ, તેઓ આખો દિવસ સંપૂર્ણ મૌન રાખે છે. સમગ્ર ટાપુ પર સર્વત્ર શાંતિ પથરાઈ જાય છે. આ વર્ષે નેપી ગુરુવાર, 3 માર્ચે છે.
નેપીનો અર્થ સ્થાનિક ભાષામાં થાય છે સંપૂર્ણ મૌન જાળવવું. વસંત ઋતુના વિષુવવૃત્તના કાળા ચંદ્રમા પછીના દિવસે આ ‘મૌન દિવસ’ પાળવામાં આવે છે.
નેપી એવો દિવસ છે જ્યારે લોકો સ્વયંને સંપૂર્ણપણે ઈશ્વર (સ્થાનિક ભાષામાં Hyang Widi Wasa) સાથે જોડીને એમને સમર્પિત થઈ જાય છે. આ દિવસે લોકો માનવતા, પ્રેમ, ધૈર્ય, કરુણા, નૈતિક મૂલ્યો વિશે આત્મચિંતન કરે છે, પ્રાર્થના કરે છે કે આ ગુણો એમનામાં હંમેશાં બની રહે. આજનો આખો દિવસ ધ્યાનમાં રહેવા અને આત્મચિંતન કરવા માટે જ ફાળવવામાં આવ્યો છે. એક વિશિષ્ટ ઉદ્દેશ્ય સાથે આમ કરવામાં આવતું હોવાથી એમાં અવરોધ કે નડતરરૂપ બને એવી બીજી કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરવાનો સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
આ દિવસે આખા બાલી ટાપુ પર તમામ ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે. તમામ દુકાનો બંધ રખાય છે. સમુદ્રકિનારા પર કે રસ્તાઓ પર રાહદારીને પણ અવરજવરની પરવાનગી હોતી નથી. આ નિયમનું કડક રીતે પાલન કરવામાં આવે એ માટે બધે ઠેકાણે પેકલાંગ તરીકે ઓળખાતા સ્થાનિક ચોકિદારો ફરજ બજાવતા હોય છે. રાતના સમયે, બધી લાઈટ બંધ રખાય છે. હોટેલોમાં તમામ પડદા પાડી દેવામાં આવે છે, જેથી બહારથી પ્રકાશનું કોઈ કિરણ અંદર આવી ન શકે. ઘરની અંદર પણ તમામ પ્રકારનો અવાજ અને સંગીતને અત્યંત ધીમા રાખવામાં આવે છે.
નેપીની પૂર્વસંધ્યાએ, જોકે દરિયાકાંઠાઓ પર કાગળના મોટા કદની આકૃત્તિઓ બનાવીને, મોટા અવાજે ગેમલન સંગીત વગાડીને ઉત્સવ યોજવામાં આવે છે, પરેડ કરવામાં આવે છે, જેને ઓગોહ-ઓગોહ કહેવામાં આવે છે. ત્યારબાદ આગ પ્રગટાવીને એ આકૃતિઓની હોળી કરવામાં આવે છે. લોકો એવું માને છે કે આમ કરવાથી વીતી ગયેલા વર્ષ દરમિયાન કોઈ બુરી આત્માઓ કે શક્તિઓ જો ટાપુમાં કોઈ રોગ કે દુઃખ લાવી હોય તો એનો નાશ થઈ જાય.
આ ઓગોહ-ઓગોહ ઉત્સવની પરેડ ખાસ કરીને કુતા બીચ, સેમિન્યાક, નુસા દુઆ, સાનુર જેવા સ્થળોએ યોજાય છે. દરેક ગામમાં કમસે કમ એક ઓગોહ-ઓગોહનું આયોજન કરાય છે જે ખૂબ જ ભવ્ય હોય છે. સાનુર, કુતા, દેનપસાર, ઉબુદ તથા અન્ય મુખ્ય નગરોમાં ઓગોહ-ઓગોહ નિમિત્તે વિવિધ પ્રકારની હરીફાઈઓ પણ યોજવામાં આવે છે.