કેરળ પ્રખ્યાત છે એના પિક્ચર પરફેક્ટ લૅન્ડસ્કૅપ માટે, લીલાંછમ્મ ગિરિમથક માટે, ઉછાળા મારતા સમુદ્ર માટે, નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલા ચાના બગીચા ને રળિયામણાં ગામડાં માટે.
જો કે બૅકવૉટર્સ અને વૈભવશાળી રિસોર્ટસ તથા વન્યજીવન જોઈ લીધા બાદ આ વખતે અમે કેરળમાં કંઇ જુદું જ કરવાના આશયથી મુંબઈ-કોચીની ફ્લાઈટ લીધી. આમેય કેરળ ટુરિઝમનું નવું સૂત્ર છેઃ કમઆઉટ ઍન્ડ પ્લે.
ઍરપોર્ટથી ડ્રાઈવ કરી અમે પહોંચ્યા ગિરિમથક મુન્નાર, જૂન મહિનો હતો ને મસ્તમજાનો ઝરમર વરસાદ વરસતો હતો. ઢળતી સાંજે હોટેલ પર પહોંચી વહેલું ડિનર કરી પલંગમાં લંબાવ્યું. કેમ કે વહેલી સવારે અમારે નીકળવાનું હતું સાઈકલિંગ પર.
વહેલી સવારે ગરમાગરમ કૉફી ને થોડાં તાજાં ફળને ન્યાય આપી અમે હોટેલની સાઈકલ લઈને નીકળી પડ્યા. આશરે ચૌદ કિલોમીટરનું અંતર કાપીને અમારે જવું હતું વિશાળ લીલીછમ્મ ચાદર જેવી મદુપેટ્ટી. ત્યાંથી કુંડલા, જ્યાં ખળખળ વહેતો ડેમ હતો.
પર્વત કોતરીને બનાવેલા સર્પાકાર રસ્તા પર, સ્પાઈસ પ્લાન્ટેશનની વચ્ચેની કેડી પર, અમારી સાઈકલ પ્લાન્ટેશનની વચ્ચેની કેડી પર અમારી સાઈકલ સરકતી જતી હતી. આજુબાજુ સિનેમા-રીલની જેમ ઊંચેથી પડતા ધોધ, નાનાં નાનાં ગામડાં, ચા-કૉફીની હાટડી જોવા મળતાં હતાં. કુંડલાથી અમારી સાઈકલ સરકતી પહોંચી અનામુડી ચોલા, જે એક રળિયામણી ટેકરી છે. નજીકમાં જ અનામુડી નેશનલ પાર્ક છે. જ્યાં કેટલાંક પશુ-પક્ષી જોવા મળે છે. પણ અમારે તો કેવળ ને કેવળ સાઈકલિંગ જ કરવું હતું અને પ્રકૃતિને મન ભરીને માણવી હતી. અનામુડી ટેકરી પર થોડો સમય આડા પડી ફરી પેડલ મારી નાનકડું ગામ પેરુમાલા વટાવી પહોંચ્યા કંઠલ્લોર. મુન્નાર અને ચિન્નાર વાઈલ્ડલાઈફ સેન્કચુરીની વચ્ચે આવેલું કંઠલ્લોર પણ એક મસ્તમજાનું ગામ છે. ગામનાં કાચાં-પાકાં ઘર પર ધુમ્મસ છવાયેલું હતું. થોડી વાર પહેલાં જ વરસાદ પડી ગયો હતો એટલે વાતાવરણ આખું ઍરકન્ડિશન્ડ જેવું થઈ ગયું હતું. અહીં અમને ફોટોગ્રાફી કરવાની મજા આવી ગઈ.
હવે પછીનો રૂટ ખરેખર મજાનો હતો. કંઠલ્લોરથી મારાયૂર, જે ચાના બગીચાની વચ્ચેથી જતો હતો. મારાયૂર એ ચંદનનાં વૃક્ષનું ગાઢ જંગલ છે. એ વિસ્તારમાં પ્રવેશતાં જ ચંદનની ખુશબોથી દિલ-દિમાગ તરબતર થઈ ગયા.
બીજે દિવસે મળસકે પાંચેક વાગ્યે આંખ ખોલી. ફરી કડક કૉફી અને ફરી સાઈકલ. આજે અમારે જવું હતું એક દેવલોક સમી જગ્યા, જેનું નામઃ સીતા દેવી લેક. પર્વતના ઢોળાવ વચ્ચે આવેલું સીતા દેવી સરોવર. દંતકથા એવી છે કે સીતામૈયાએ આ સરોવરમાં સ્નાન કરેલું. સરોવર મુન્નારથી પાંચેક કિલોમીટર દૂર છે. સાઈકલને એક વૃક્ષને અઢેલીને મૂકી અમે કલાકેક કંઈ જ બોલ્યા વગર આસપાસનું સૌંદર્ય જોતા ત્યાં પડી રહ્યા. ત્યાંથી પરત હોટેલ પર આવી નાહીધોઈને અમે પ્રયાણ કર્યું થેક્કડી ભણી.
મુન્નાર બજારમાંથી જ થેક્કડી તથા આસપાસ જવા બસ મળે છે. બસસ્ટૉપની આસપાસ કૉફી, ચા, મરી-મસાલા-તેજાના, સેન્ડલ સોપ, સૂકા મેવા વગેરે વેચતી નાની-મોટી દુકાન હતી. અમારી સાથેના સ્ત્રીવર્ગે થોડી ખરીદી કરી. એમનું કહેવું હતું કે બીજું બધું તો ઠીક. પણ ચા-કૉફી અહીંથી અવશ્ય લેવાં જોઈએ, કેમ કે અમુક વરાઈટી અહીં મળે એ બીજે નહીં મળે.
નમતી બપોરે અમે થેક્કડી પહોંચ્યા. ઈડુક્કી જિલ્લામાં જ આવેલું થેક્કડી જાણીતું છે પેરિયાર નૅશનલ પાર્ક માટે. જો કે મારી મંજિલ હતી અવંચલ. સરકારના જંગલવિસ્તારની નજીકમાં 10 એકર વિસ્તારમાં ગજરાજની સવારી તથા અન્ય ઍક્ટિવિટી કરવા મળે છે. અમને રસ હતો હાથીને નવડાવવામાં એટલે સીધાં ગયાં એલિફન્ટ બાથ એરિયામાં. અહીં નાનકડા તળાવમાં એક મદમસ્ત હાથીએ લંબાવ્યું હતું. મહાવતે અમને કપડાં બદલવા કહ્યું. નજીકની હાટમાં જઈ અમે કપડાં ઉતારી લુંગીમાં આવી ગયા. એ પછી હાથમાં બ્રશ અને સ્ક્રબ લઈ હાથીના શરીરને ચોળવાની વિધિથી સ્નાનવિધિ શરૂ કરી. આનાથી હાથી માટેનો ભય નીકળી ગયો અને એને પણ એવું ન લાગે કે તમે કોઈ અજાણી વ્યક્તિ છો. આવી સમજ અમને મહાવતે આપી. એ પછી વારો હતો એને શાવર આપવાનો. આ આખી સ્નાનવિધિની અનુભૂતિ કલ્પનાતીત હતી.
થેક્કડી તથા ગજરાજ સ્નાનવિધિને મન ભરીને માણી બીજે દિવસે અમે ફરી મુન્નાર પહોંચ્યાં. એક દિવસ આરામ ફરમાવી ચોથા દિવસે હોટેલના રસોઈયાના હાથે બનેલાં ઇડલી-વડાં-ઢોસા-અપ્પમ્-સ્ટ્રોન્ગ કૉફી માણી અમે કોચી ઍરપોર્ટની દિશામાં નીકળી પડ્યાં.
પ્રવાસ ગાઈડ
ક્યારે જવુંઃ મુન્નાર આમ તો ગમે ત્યારે જઈ શકાય, પણ જૂનથી સપ્ટેમ્બર, વર્ષાઋતુમાં જવાની એક અલગ મજા છે. નજીકનું સ્ટેશનઃ એર્નાકુલમ, ત્યાંથી ચારેક કલાકનું ડ્રાઈવ નજીકનું ઍરપોર્ટઃ કોચી. ત્યાંથી આશરે સાડા ચાર કલાકનું ડ્રાઈવ. મુંબઈ-કોચીનું આશરે એક કલાક દસ મિનિટનું ઉડ્ડયન. શું જોશો? અનામુડી ટ્રેકિંગ સ્પૉટ તથા નજીકમાં આવેલું ટી મ્યુઝિયમ, ચિન્નાર વાઈલ્ડલાઈફ સેન્ક્ચુરી, દેવીકુલમ્ અથવા સીતા દેવી લોક, મારાયૂરની ગુફા, વગેરે. અહીંથી આશરે સવા ત્રણ કલાકનું ડ્રાઈવ કરી થેક્કડી જઈ શકો. જ્યાં એલિફન્ટ બાથિંગની મજા માણી શકાય. વધુ માહિતી માટેઃ– httpss://www.keralatourism.org/comeoutandplay/ |
અહેવાલઃ કેવલ મહેતા