અનેક વાર વિલંબ થયા બાદ આખરે 20 ઓક્ટોબરથી મુંબઈ અને ગોવા વચ્ચે લક્ઝરી ક્રૂઝ જહાજ સેવાનો શુભારંભ થયો છે. કેન્દ્રીય શિપિંગ-ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલનું ઉદઘાટન કરતાં લક્ઝરી પેસેન્જર સેવા શરૂ કરવાનું શક્ય બન્યું છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ સ્થિત ક્રૂઝ ટર્મિનલ ખાતેથી મુંબઈ-ગોવા વચ્ચેની સૌપ્રથમ ડોમેસ્ટિક લક્ઝરી ક્રૂઝ જહાજસેવાને લીલી ઝંડી બતાવી દેવામાં આવી.
આ જહાજ છે ‘આંગ્રિયા’. તે પોતાની કમર્શિયલ સફરનો આરંભ 24 ઓક્ટોબરથી કરશે. મુંબઈ-ગોવા વચ્ચેની સફર 14-કલાકની રહેશે.
એમ.વી. આંગ્રિયા જહાજ 131 મીટર લાંબું અને 121 મીટર પહોળું છે. આમાં કુલ સાત ડેક છે. એની પર 104 કેબિન્સ છે. એક જ સમયે આ જહાજ 400 જણને સફર કરાવવા સક્ષમ છે.
જહાજના નામને પ્રથમ મરાઠા એડમિરલ કાનોજી આંગ્રેના નામ પરથી રાખવામાં આવ્યું છે. કાન્હોજી આંગ્રે દંતકથા સમાન નામ છે, તેઓ એકેય યુદ્ધ હાર્યા નહોતા.
જહાજના કેપ્ટન છે નીતિન ધોંડ. એમને જહાજ ચલાવવાનો 41 વર્ષનો અનુભવ છે. એમના બહેન લીના કામથ પ્રભુ આંગ્રિયા સી ઈગલ પ્રા.લિ. કંપનીનાં એક્ઝિક્યૂટિવ વાઈસ-ચેરમેન છે.
આ જહાજમાં કેવી સુવિધાઓ છે તે જાણો…
જહાજ કેટલા વાગે ઉપડશે?
સાત-સ્તરીય આંગ્રિયા જહાજ મુંબઈમાં પ્રિન્સેસ ડોકના પર્પલ ગેટ ખાતેથી સાંજે ચાર વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 9 વાગ્યે દક્ષિણ ગોવાના માર્મગોવા ખાતે પહોંચશે. એવી જ રીતે, ગોવામાંથી સાંજે 4 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 9 વાગ્યે મુંબઈ પહોંચશે.
વન-વે ટિકિટની કિંમત કેટલી?
એ તો તમે સફર માટે કઈ કેટેગરી પસંદ કરો છો એના પર આધાર રહે છે. તે છતાં વ્યક્તિદીઠ વન-વે ટિકિટનો દર રૂ. 7000થી લઈને રૂ. 12,000 જેટલો છે.
રૂમ્સઃ વ્યક્તિદીઠ ભાડું રૂ. 850ની રકમથી શરૂ થાય છે. આ ટોપ-ટાયર એકોમોડેશન માટેનું છે, પણ એમાં એટેચ્ડ વોશરૂમ આવે અથવા ન પણ આવે. કેટલાક રૂમ્સમાં મોટી બારી છે તો કોઈકમાં બારી જ નથી. આ રૂમ્સ A, B, C અને E ડેક્સમાં પ્રસરાયેલી છે.
બન્ક રૂમ્સઃ આ રૂમ્સ ચાર જણ વચ્ચે શેર કરવા માટેની છે. એની કિંમત રૂ. 7,700 છે. આમાં બારી મળે છે, પણ એટેચ્ડ વોશરૂમ્સ નથી. આ રૂમ્સ A અને B ડેક્સ પર આવેલી છે.
લક્ઝરી પોડ્સઃ સિંગલ અને ડબલ-ઓક્યૂપન્સી લક્ઝરી પોડ્સ વ્યક્તિદીઠ રૂ. 6,650માં ઉપલબ્ધ છે. તમામ પોડ્સ ડેક-D પર આવેલી છે. એમાં બારી કે એટેચ્ડ વોશરૂમ્સ હોતા નથી.
ડોર્મ્સઃ આમાં બારી કે એટેચ્ડ વોશરૂમ્સ હોતાં નથી, પરંતુ કિંમત રૂ. 6,300 છે. ડોર્મ્સ ડેક-B પર બનાવવામાં આવ્યા છે.
સફર માટે તમે ગમે તે કેબિન બુક કરાવી હોય, પણ તમારી ટિકિટના ભાડામાં ત્રણ ભોજન સામેલ હોય છે. એટલે કે સાંજનો નાસ્તો, રાતનું ડિનર અને સવારનો બ્રેકફાસ્ટ.
ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સૂચના…
જે મહિલાઓનો ગર્ભ છ માસનો થઈ ગયો હોય એમને આ જહાજ પર પ્રવેશ અપાતો નથી. એવી જ રીતે, 12 મહિનાથી ઓછી વયના ભૂલકાંઓને પણ પ્રવેશ અપાતો નથી. જહાજ ઉપર પાલતુ જનાવરોને લાવવાની પણ પરવાનગી નથી.
જહાજમાં એલિવેટર્સ નથી. રેસ્ટોરન્ટ્સ, બાર, સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ જહાજ પર જુદા જુદા લેવલ પર છે. જોકે ભવિષ્યમાં આ સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જહાજ પર કુલ 6 બાર છે. ઉપરાંત એક ઈનફિનિટી સ્વિમિંગ પૂલ, એક સ્પા, બે રેસ્ટોરન્ટ છે. એક રેસ્ટોરન્ટ દરિયો જોઈ શકાય એ રીતે ખુલ્લી છે. એક કોફી શોપ છે જે ચોવીસ કલાક ખુલ્લી રહે છે.
સામાન કેટલો લાવી શકાય?
વ્યક્તિદીઠ 25 કિલોગ્રામ વજનનો ચેક-ઈન સામાન લાવી શકાય. ફ્લાઈટની જેમ, આ જહાજમાં પણ તમને તમારો સામાન સફરને અંતે ઉતરતી વખતે મળશે. કેબિન બેગેજ તરીકે 10 કિલોગ્રામ વજનની બેગની પરવાનગી છે.
જહાજ પર વાઈ-ફાઈ સુવિધા છે?
ના. આશ્ચર્યજનક રીતે જહાજ પર આ સુવિધા ઉપલબ્ધ નથી. મોબાઈલ નેટવર્ક અનુસાર ઈન્ટરનેટ સેવા મળી શકશે.
જહાજ પર ધૂમ્રપાન કરી શકાય?
સ્મોકિંગ અમુક નિર્ધારિત જગ્યાઓ પર જ કરવાની પરવાનગી છે. રૂમ્સની અંદર કે એન્ક્લોઝ્ડ એરિયામાં ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે.
તાકીદની પરિસ્થિતિમાં તબીબી સેવા મળે છે?
તમામ ક્રૂ મેમ્બર્સને તાકીદની પરિસ્થિતિઓમાં તબીબી સેવા પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવી છે. જોકે પ્રવાસીઓને એમની પોતાની દવાઓ સાથે રાખવાની સલાહ અપાય છે. જોકે માત્ર સીલ કરેલી સીરપ બોટલ્સ જ જહાજ પર લઈ જવાની પરવાનગી છે.