દુનિયામાં સૌથી સીધા ચડાણ અને સીધા ઢોળાવવાળી ટ્રેનસેવા સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ કરવામાં આવી છે.
આ ટ્રેન લોકોને ઈશાન સ્વિટ્ઝરલેન્ડમાં જમીન પર વસેલા સ્વાઈઝથી મધ્ય સ્વિટ્ઝરલેન્ડમાં કાળમીંઢ, બરફાચ્છાદિત પહાડો પર વસેલા સ્ટૂસ ગામમાં લઈ જાય છે.
સ્વિસ પ્રમુખ ડોરિસ લ્યૂટાર્ડે ગયા સોમવારે દુનિયાની જે આ અનોખી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી તે પ્રવાસીઓને દરિયાઈ સપાટીથી 1,300 મીટર (4,300 ફૂટ)ની ઊંચાઈ પર પહાડોમાં વસેલા સ્ટૂસ ગામમાં લઈ ગઈ હતી.
ટ્રેનના ડબ્બાઓને બેરલનો આકાર આપવામાં આવ્યો છે, કારણ કે ટ્રેન જ્યારે આલ્પાઈન પહાડો પર ચડવાની શરૂઆત કરે છે ત્યારે એના ડબ્બા 110 ટકા જેટલા નમી જાય છે. એ વખતે ડબ્બાનાં ફ્લોર ઓટોમેટિકલી એડજસ્ટ થાય છે જેથી પ્રવાસીઓ સીધી સ્થિતિમાં જ ઊભા રહી શકે.
આ રેલવે લાઈનને પાંચ કરોડ 20 લાખ સ્વિસ ફ્રાન્ક્સ (4 કરોડ 50 લાખ યૂરો)ના ખર્ચે નાખવામાં આવી છે. એનું બાંધકામ 2013માં શરૂ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષે તેની પર ટ્રેન સેવા શરૂ કરી શકાઈ છે.
આ ટ્રેન સેવા માટેનું પ્લાનિંગ 14 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. આજે ટ્રેનને દોડતી જોઈને તેના એન્જિનીયરો તથા બાંધકામમાં સામેલ દરેક વ્યક્તિ ગર્વની લાગણીનો અનુભવ કરે છે.
આ ટ્રેને સાવ જૂની થઈ ગયેલી અને ખખડી ગયેલી રેલવે સિસ્ટમનું સ્થાન લીધું છે. જૂની સેવા છેક 1933માં શરૂ કરવામાં આવી હતી, પણ હાલની ટ્રેન સેવા અત્યાધુનિક ટેક્નોલોજી વડે બનાવવામાં આવી છે.
આ ટ્રેન 1,720 મીટર લાંબા પાટા પર ચાલે છે અને એમાંથી 743 મીટરનું અંતર ચડે છે કે ઉતરે છે.
પહાડો પર વસેલું સ્ટૂસ ગામ કાર-ફ્રી રિસોર્ટ ગામ છે. મોંઘેરાં સહેલાણીઓનું આ લોકપ્રિય રમણીય પર્યટન સ્થળ છે. સ્ટૂસ ગામમાં વિશાળ લ્યૂસર્ન સરોવર આવેલું છે.
આ ટ્રેન ફનિક્યૂલર કહેવાય છે. એણે સૌથી સીધા ચડાણવાળી ટ્રેનનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉનો રેકોર્ડ પણ જોકે સ્વિટ્ઝરલેન્ડના જ નામે છે. એ રેકોર્ડ બર્નના જેલ્મીબાનના નામે હતો. ત્યાંની ટ્રેન ઢોળાવ વખતે 106 ટકા જેટલી નમી જતી હોય છે.
આ ટ્રેન પ્રતિ સેકંડ 10 મીટરની સ્પીડે ચાલે છે.
(જુઓ ફનિક્યૂલર ટ્રેનના દિલધડક દ્રશ્યોવાળા વિડિયો…)
httpss://youtu.be/aKRI0N6ILos
httpss://www.youtube.com/watch?v=G-7a0S5wsss
httpss://youtu.be/2-jreSblE_c