અમેરિકાના લોસ એન્જેલીસ અને સેન ફ્રાન્સિસ્કો શહેરો વચ્ચે જેમ પેસિફિક કોસ્ટ હાઈવે છે એવી જ રીતે ભારતમાં અરબી સમુદ્રના કાંઠે એક કોસ્ટલ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. આ હાઈવે પૂરો થઈ ગયા બાદ મુંબઈથી ગોવા માત્ર પાંચ કલાકમાં જ પહોંચી શકાશે.
મુંબઈ-ગોવા કોસ્ટલ હાઈવે ચાર-લેનવાળો હશે અને એનું બાંધકામ આ વર્ષના અંત સુધીમાં પૂરૂં કરવામાં આવશે, એવું મહારાષ્ટ્ર સરકારના સૂત્રોનું કહેવું છે.
રાજ્ય સરકારના અધિકારીઓએ કેન્દ્રના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીને ખાતરી આપી છે કે કોસ્ટલ હાઈવેના બાંધકામ આડેના તમામ વિઘ્નો દૂર કરી દેવામાં આવ્યા છે અને કામકાજ પૂરજોશમાં ચાલુ છે.
આ મહત્ત્વાકાંક્ષી હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ પૂરી કરી લેવામાં આવી છે. હાઈવે પર પૂલોના બાંધકામનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ચાર-લેનવાળા આ કોસ્ટલ હાઈવેનું સૂચન 2016માં કરવામાં આવ્યું હતું અને તે 2018માં જ પૂરો કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ એની ડેડલાઈન પહેલાં આ વર્ષના માર્ચ મહિના સુધી લંબાવવામાં આવી હતી અને હવે આ વર્ષના અંત સુધીમાં એને લંબાવાઈ છે.
ગયા મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ હાઈવેના બાંધકામને મંજૂરી આપી દીધી હતી. પર્યાવરણના સંબંધમાં અમુક સંવેદનશીલ વિસ્તારોમાં આ હાઈવેના બાંધકામ આડે અમુક અંતરાયો ઊભા થયા હતા, પણ હવે સુપ્રીમ કોર્ટે એને દૂર કરી દીધા છે.
આ હાઈવેના બાંધકામનો મોટો ફાયદો એ થયો છે કે મહારાષ્ટ્રના સમૃદ્ધ એવા કોંકણ ભાગમાં નવા વિસ્તારો મળી આવ્યા છે જે મુંબઈથી ગોવા રોડ માર્ગે જનાર પર્યટકોને આકર્ષિત કરશે.
મુંબઈ અને ગોવા વચ્ચે 590 કિ.મી.નું અંતર છે જે વાહન દ્વારા પૂરું કરતાં આશરે 12 કલાક લાગે છે, પણ ચાર-લેનવાળો કોસ્ટલ હાઈવે બની ગયા બાદ માત્ર પાંચ કલાકમાં જ મુંબઈથી ગોવા પહોંચી શકાશે.
આ કોસ્ટલ હાઈવે પર 22 ફ્લાયઓવર બાંધવામાં આવી રહ્યા છે.
આ 590 કિ.મી. લાંબો હાઈવે ભારતના પશ્ચિમી ભાગમાં 1,622 કિ.મી. લાંબા નેશનલ હાઈવે-66નો એક હિસ્સો છે. તે પશ્ચિમી ઘાટને સમાંતર બાંધવામાં આવી રહ્યો છે. આ હાઈવે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાંથી પસાર થાય છે.આ હાઈવે પશ્ચિમ ભારતના બે મોટા દરિયાઈ બંદરને જોડશે. એક છે, મુંબઈ નજીકનું જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ અને બીજું છે કેરળનું કોલ્લમ.