અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે સવારની પ્રાર્થનામાં મોડા આવનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવતા. જ્યારે ક્લાસની અંદર આવી ગયેલા વિદ્યાર્થીઓને આચાર્ય સમયસર આવી જવાનું મહત્ત્વ સમજાવતા ત્યારે મને એમ થતું કે જેમણે આ સમયસર આવવાનું મહત્ત્વ સમજવું જોઈએ તેઓ તો બધાં બહાર છે. તેમને આ વાત પહોંચવી જોઈએ, તેને બદલે જેઓ સમયસર આવી ગયા છે તેમને સમજાવાઈ રહ્યું છે.
આનો અર્થ પછીથી મેં એવો કર્યો કે આચાર્ય એવું કહેતા માગતા હશે કે જેઓ અંદર બેસી આ મહત્ત્વ સમજી રહ્યાં છે તેઓ મોડાં આવી બહાર ઊભેલા લોકોને સમજાવશે કે સમયસર આવવાનું મહત્ત્વ શું છે! માતૃભાષા વિશે ચર્ચા અથવા વક્તવ્ય યોજાયું હોય ત્યારે તે સાંભળવા કોણ આવે છે? જેઓ માતૃભાષાને માને છે અને માતૃભાષાનું મહત્ત્વ સમજે છે, કિંતુ ખરેખર તો આવી સભામાં એ લોકોએ આવવું જોઈએ, જેઓ માતૃભાષાનું મહત્ત્વ સમજતા નથી અને તેમણે એ સમજવાની જરૂર છે. જો કે સ્કૂલના આચાર્યની જેમ આપણે પણ માની લઈએ કે અહીં આવેલા (અહીં વાંચકો) તેમની આસપાસના લોકોને સમજાવશે.
શું આપણે માતૃભાષા મહત્ત્વને સમજીએ છીએ?
આ વિચારપ્રેરક વાત સાથે લેખક, પ્રોફેસર, વિચારક, ચિંતક, માતૃભાષાપ્રેમી ડો. ભદ્રાયુ વચ્છરાજાણી પોતાના ધારદાર વક્તવ્યમાં પૂછે છે, ‘શું આપણે ખરેખર માતૃભાષાને સમજીએ છીએ ખરા? માતૃભાષાથી વિમુખ થઈને કે આપણા સંતાનોને પણ તેનાથી દૂર રાખીને આપણે શું ગુમાવી રહ્યા છીએ તેનો આપણને અણસાર છે ખરો? માતૃભાષાના મજબૂત પાયા વિના કારકિર્દીની જે ઈમારત ચણવા આપણે જઈ રહ્યા છીએ તે કેટલી કાચી રહી જાય છે તેનો અંદાજ છે? ક્યાંક માતૃભાષાનો ત્યાગ કરીને અને માત્ર અંગ્રેજીનો મોહ રાખીને આપણે ‘બાવાના બેઉ બગડ્યા’ જેવું પરિણામ તો હાંસલ કરતા નથી ને? શું આપણે આમ કરીને આપણી સંસ્કૃતિનું જ પતન કરી રહ્યા છીએ? વગેરે જેવા અનેવિધ સવાલો આપણા દિલ-દિમાગ પર છવાઈ જાય છે.’ તેમની આ વિષયની દરેક વાત સંશોધન, અભ્યાસ અને ગહન લાગણી તથા વિચારો આધારિત છે. આ વાતો માતૃભાષા માટેની કોઈ પોકળ, નબળી કે દિશાહીન ઝુંબેશ કે પ્રવૃત્તિ જેવી નથી, બલકે નક્કર, સચોટ અને હૃદયસ્પર્શી છે. ડો. ભદ્રાયુ વચ્છરાજાણીએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી-રાજકોટમાં પ્રોફેસર તરીકે વર્ષો સુધી સેવા આપી છે અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
ગર્ભમાં જ માતૃભાષાનું શિક્ષણ
માતૃભાષાને માણસના જન્મ સાથે સીધો સંબંધ છે એવી વાતને મુદ્દાસર રજૂ કરતા તેઓ કહે છે, માણસનો જન્મ ચાર વાર થાય છે. સૌથી પહેલા માણસ અંડકોષ સ્વરૂપે જન્મે છે, જ્યાં તેની માતા સતત સાથે હોય છે, ગર્ભમાં રહેલું બાળક તેની માતાના દરેક હલનચલનને પ્રતિસાદ આપતું હોય છે. તે ગર્ભમાંથી જ ભાષા શીખવાની શરૂઆત કરી દે છે. તેને વિજ્ઞાન ન્યુમરો લિંગ્વિસ્ટીક સિસ્ટમ કહે છે. બીજો જન્મ ફિઝિકલ સ્વરૂપે થાય છે, ત્યારે પણ તેની માતા સાથે જ હોય છે. કારણ કે બાળક શરૂમાં માત્ર જોતા અને સાંભળતા જ શીખે છે. ત્રીજો જન્મ, ઈમોશનલ હોય છે, જ્યાં તે પોતાના ઘરમાં, પરિવારમાં, શેરીઓમાં ઉછરે છે અને તેની ભાષા શીખતો જાય છે. તેનો ચોથો જન્મ સોશ્યલ હોય છે, જેમાં તેનું વ્યક્તિત્વ જે બન્યું હોય છે તે એના પોતાના વિકાસ આધારિત હોય છે. બસ, અહીં તેની માતા સાથે ન હોય એવું બને છે. બાકી ત્રણેય જન્મમાં માતાનો સાથ હોય છે.
ગુજરાતમાં બાવાના (વિદ્યાર્થીઓના) બેઉ બગડે છે!
ગુજરાતમાં ગુજરાતી ભાષાની હાલત વધુ કથળતી જાય છે, એટલું જ નહીં, જેઓ અહીં અંગ્રેજી પણ શીખે છે તે એવું છે, જેમાં આ વિદ્યાર્થીઓના બેઉ બગડે એવી કરૂણા સર્જાય છે. ડો. ભદ્રાયુ કહે છે કે, અમે અહીં અનેક સંશોધન કર્યા છે અને તેના આધારે વાત કરીએ તો ગુજરાતીમાં ૮૩ ટકા શિક્ષકો એવા છે, જેઓ પોતે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે, કિંતુ હાલ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવે છે. આ લોકોનું પોતાનું સ્તર જ એટલું નબળું છે કે વિદ્યાર્થીઓની ભાવિ દશા શું થશે એ કહેવું કઠિન છે. અધકચરું અંગ્રેજી શીખતો વિદ્યાર્થી ગુજરાતીથી દૂર જવા ઉપરાંત શ્રેષ્ઠ સર્જકો જેવા નરસિંહ મહેતા, મીરાબાઈ, નર્મદ, મેઘાણી, મુનશીથી પણ વંચિત રહી જાય છે, એટલું જ નહીં, તેઓ અંગ્રેજીના શ્રેષ્ઠ સર્જકો સુધી પણ પહોંચી શકતા નથી.
માતૃભાષા જીવનની ઈમારતનો પાયો
માતૃભાષા એ જીવનરૂપી ઈમારતના પાયા સમાન છે. જો એ જ નબળો હશે તો મકાન કેટલું અને કેવું ટકી શકશે એ સવાલ છે. જેઓ પણ પોતાની માતૃભાષામાં ભણ્યા છે તેમને અન્ય ભાષા કે અભ્યાસમાં પણ સરળતા પડે છે એવો દાવો કરતા તેઓ એવી પણ સ્પષ્ટતા કરતા કહે છે કે વિદ્યાર્થીએ અંગ્રેજી પણ સારું શીખવું જ જોઈએ, કિંતુ ગુજરાતીનો છેદ જ ઉડાવી દેવામાં ભારે જોખમ રહેલા છે. કેમ કે આ માત્ર ભાષા નથી, બલકે આપણી સંસ્કૃતિ છે. માણસ જે ભાષામાં પોતાનું દુઃખ વ્યક્ત કરે અથવા રડે એ તેની માતૃભાષા હોય છે. ભવિષ્યમાં આપણને એકબીજાને ઓળખાણમાં ‘ગુજરાતી છીએ’ એવું કહેવાની નોબત ન આવે તો સારું એવો કટાક્ષ કરતા તેઓ કહે છે, આપણે એ પહેલા જાગી જઈએ, ભારત માતા કી જય પહેલા મારી માતાની જય કહેવાનું મહત્ત્વ વિશેષ છે, જેણે આપણામાં સંસ્કૃતિ રોપી છે. આ વિષય કે ચર્ચા માત્ર ભાષા પૂરતી સિમીત રહી શકે નહીં.
(જયેશ ચિતલિયા)
(લેખક વરિષ્ઠ આર્થિક પત્રકાર છે)