ઓનલાઈન જોબપોર્ટલ દ્વારા નવી નોકરી શોધવી કેટલી મુશ્કેલ…કેટલી સરળ…

૧૯૩૦ પછીની આ સૌથી વધુ ખતરનાક વૈશ્વિક મહામંદીએ જોબમાર્કેટ ઉપર ઊંડો પ્રહાર કર્યો છે. પણ; ખરા સમયે ફરીએકવાર ટેકનોલોજીએ પોતાની અનિવાર્યતા સિધ્ધ કરી દીધી છે અને જોબસીકર્સ માટે ઓનલાઈન જોબપોર્ટલનાં માધ્યમથી  આશાનો દિપક પ્રજ્વલિત રાખ્યો છે. ઝડપથી નવી નોકરી મેળવવા ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી સાથે  “chitralekha.com” વાંચકો સમક્ષ આજે હાજર છે…

“પોતાનાં કર્મચારીઓને માનવતાનાં ધોરણે કોઈએ નોકરીમાંથી છુટ્ટા કરવાં ન જોઈએ” લોકડાઉન વખતે દેશને કરેલાં ટીવી સંબોધનમાં પ્રધાનમંત્રીએ જયારે આવી અપીલ કરી ત્યારે દેશનાં તમામ નોકરિયાતવર્ગને ખાસ્સો હાશકારો થયો હતો. પરંતુ; પાછળથી સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલે આ બાબતે ફેરવી તોળ્યું કે આ પ્રકારની ફરજ પાડીને ધંધાદારી એકમોને નાદારીમાં ધકેલવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. સરકારે આપેલી આવી પરોક્ષ સંમતિથી વેપારીઆલમે પોતાના અસ્તિત્વને ટકાવવા કર્મચારીઓને લે-ઓફ આપવાની ઘણા સમયથી શરૂઆત પણ કરી દીધી છે. આશ્વાસનની વાત એ છે કે ભોગગ્રસ્ત કર્મચારીવર્ગે મોટા મને આ કડવી હકીકત સ્વીકારી કોઈ ઉહાપોહ મચાવ્યો નથી.

“ધી હિન્દુ” અખબારે તો મે મહિનામાં જ એક અહેવાલમાં જણાવેલું કે કોરોના મહામારીથી દેશના અંદાજે બાર કરોડ લોકોની નોકરીનો ભોગ લેવાશે. આજે એ વાત સાચી સાબિત થઈ રહી છે અને દેશમાં અંદાજે સાડા તેર કરોડ નોકરીઓનો ભોગ લેવાયો છે. દેશનાં કરોડો નોકરીપીડિતો નવી નોકરીની શોધમાં લાગી ગયા છે અને ટેકનોલોજી તેમને જબ્બરદસ્ત મદદ કરી રહી છે. ચોકાવનારો આંકડો એ છે કે ૮૦%થી પણ વધુ ઉમેદવારો ઈન્ટરનેટની આધુનિક દેન કહેવાય તેવાં ઓનલાઈન જોબપોર્ટલ દ્વારા જ નોકરી શોધી રહ્યા છે અને અરજીઓ મોકલી રહ્યા છે. ઇન્ટરવ્યુ પણ ઓનલાઈન જ લેવાઈ રહ્યા છે.

જૂન મહિનામાં આ રીતે પોતાની સેલ્સ-એક્ઝીક્યુટીવની નોકરી ગુમાવનાર બેન્ક-કર્મચારી હાર્દિક ચુડાસમાનું આ બાબતે કહેવું છે કે “પ્લેસમેન્ટ એજન્સીઓમાં કે જોબ-ફેરમાં રૂબરૂ ભટકવાનું અને વર્તમાનપત્રો-મેગેઝીનોમાં વેકેન્સીની જાહેરાતોને વીંખ્યા કરવાનું તો અમારી જનરેશનનાં મિત્રોએ બંધ જ કરી કીધું છે. હું મારા મોબાઈલ દ્વારા જ ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કરું છું, અને ટૂંક સમયમાં નવી નોકરી ચોક્કસ મેળવી પણ લઈશ”.

ઓનલાઇન જોબપોર્ટલની પોતાની પ્રોફાઈલ ઉમેદવારે શું ધ્યાન રાખીને તૈયાર કરવી અને  કઈ રીતે તેનું નિયમિત સંચાલન કરવું તે મુદ્દાઓ બાબત ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે…

યુવાવર્ગમાં એકદમ પ્રચલિત છે તેવા LinkedIn પોર્ટલ દ્વારા જ ચાલો શરૂઆત કરીએ…

LinkedIn દુનિયાનું સૌપ્રથમ “સોશિયલ” જોબપોર્ટલ છે. તમારી એકદમ ધ્યાનાકર્ષક રિઝયુમ તૈયાર કરવા માટે ઘણું જ ઉપયોગી છે. તમને સ્યુટ થાય તે પ્રકારની નેક્સ્ટ નોકરી માટે જરૂરી તમામ ફીચર્સ સાથે સૌથી લાયક કોઈ જોબપોર્ટલ હોય તો તે LinkedIn જ છે.

LinkedInમાં નવી પ્રોફાઈલ બનાવવા અથવા અગાઉની પ્રોફાઈલને અપડેટ કરવા બેસો ત્યારે પહેલેથી જ તમારા કવોલીફિકેશનની માર્કશીટ્સ, અનુભવ, જુદી-જુદી જગ્યાએથી મળ્યા હોય તેવા સર્ટીફીકેટ્સ, સન્માનપત્રો અને એવોર્ડ્સ વિગેરે અંગેના ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને JPG અથવા PDF ફોરમેટમાં તૈયાર રાખશો તો આગળનું કામ વધુ મુશ્કેલ નહીં પડે.

પ્રોફાઈલમાં ક્રમવાર પૂછવામાં આવે તે રીતે તમારો ટૂંક પરિચય, અભ્યાસ, અનુભવ,  ભાષા, વ્યવસાયિક લાયસન્સ, શોર્ટ-ટર્મ કોર્સીસ, પ્રોજેક્ટ્સ, પેટન્ટ્સ, સામાજિક કાર્યોમાં કરેલા યોગદાનોની વિગતો, અનુભવથી કેળવેલી જુદીજુદી સ્કીલ, સન્માનપત્રો, એવોર્ડ્સ, તમે જોડાયેલા હો તેવી નાની-મોટી સંસ્થાઓનાં નામ અને તેમાં તમારા યોગદાન બાબતની તમામ માહિતીઓ ઉપરાંત ક્યાંય પ્રસિદ્ધ થયા હોય તેવા તમારા સ્વલિખિત રીસર્ચ પેપર્સની ઓનલાઈન લિંક અંગેની રજેરજ માહિતીઓ ધીરજપૂર્વક ટાઈપ કરીને પ્રોફાઈલમાં ઉમેરતાં જવાની હોય છે; અને સાથે-સાથે તેનાં પુરાવારૂપે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતાં જવાનાં હોય છે. આટલું કામ થઇ જાય એટલે  નવી નોકરીનાં પ્રયત્નોનું પ્રથમ ચરણ અહી પૂરું થયું તેમ ગણી શકીએ.

આ પછી, તમારી કારકિર્દી માટે ભવિષ્યમાં ઉપયોગી થવાની શક્યતા અથવા સમર્થતા ધરાવતાં યોગ્ય લોકોને LinkedInમાં તમારે શોધવાનાં હોય છે. ફેસબુકમાં જેમ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીએ છીએ તે માફક જ તેમને “કનેકટ” થવા વિનંતી મોકલો. તમારું આમંત્રણ સ્વીકારનાર તમામને આ પછી તમારી કેરિયર અંગેની માહિતી નિયમિત રીતે જોવા માટે ઉપલબ્ધ થવા લાગે છે અને તમે એક ઉભરતા ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત થતાં જાઓ છો. બીજું અગત્યનું કામ એ કરવાનું  છે કે અનેક ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ, જોબપોર્ટલ અને વિવિધ વિષયો અંગેનાં ગૃપ તમને LinkedInમાં મળશે. તો તેમને શોધી-શોધીને ફોલો કરવાનું અથવા તેમાં જોડાઈ જવાનું પણ હવે શરુ કરી દો. ત્રીજું અગત્યનું કામ કરવાનું હોય છે જોબ એલર્ટ સેટ કરવાનું. આ સેટિંગ કર્યા પછી તમારી પસંદગીની  જોબ-પ્રોફાઈલ ધરાવતી વેકેન્સીઓ બાબતે તમને નિયમિત રીતે નોટીફીકેશન, SMS થવા ઈમેઈલ દ્વારા જાણકારી મળવાનું શરૂ થઈ જશે જેથી તમે તેમાં એપ્લાય કરી શકો.

આપણા દેશનાં આ જોબપોર્ટલને પણ નજરઅંદાજ કરવા તમને બિલકુલ પોષાશે નહી…

જાણીતા કેરિયર કાઉન્સેલર ક્રિપાલસિંહ જાડેજા સરળતાથી નોકરી મેળવવા શું કરવું જોઈએ તે બાબતે પોતાનાં અનુભવનાં આધારે કહે છે કે “Naukri, Monster, Glassdoor, Indeed, Shine, Neuvoo, Placement India, IIM Jobs, Job Rapido, Intern Theory, Freshers Live, Freshersworld જેવા જોબપોર્ટલ આપણા દેશમાં નોકરી શોધી આપવામાં ટોપ-પરફોર્મર હોવા છતાં; ભારતની કોર્પોરેટ કંપનીઓ આર્ટીફીસીયલ ઈન્ટેલેજન્સથી સજ્જ Vasitum, Skillate, Cutshort, Instahyre, Hirist, Dice Simply Hired જેવાં જોબપોર્ટલ સાથે કરારબદ્ધ થવાનું વધુ પસંદ કરે છે”.

નોકરી ગુમાવ્યા પછી માત્ર વીસેક દિવસ જેટલાં ટૂંકા ગાળામાં જ આઈ.ટી. સપોર્ટ એન્જીનીયરની નોકરી જોબપોર્ટલ દ્વારા શોધી કાઢનાર નિશાંત શાહનો કિસ્સો એકદમ રસપ્રદ છે. તેમનું કહેવું છે કે “દરરોજ ઓછામાં ઓછુ એકવાર હું LinkedInમાં લોગ-ઇન કરીને મળેલા નોટીફીકેશન પ્રમાણેની કામગીરી કરતો હતો. બીજા અનેક જોબપોર્ટલ ઉપર પણ મારી પ્રોફાઈલ અપલોડ કરી હતી. વેકેન્સી બાબતની તમામ એલર્ટને મહત્વ આપી યોગ્ય તમામ કંપનીઓમાં મારી અરજીઓ મોકલી આપતો હતો. નોકરી મેળવવાનાં કામને એક પ્રોજેક્ટ સમકક્ષ મહત્વ આપ્યું એ જ કદાચ મને ફળ્યું છે”.

મહેરબાની કરીને જોબપોર્ટલ સાથે આવી મજાક-મસ્તી તો કરશો જ નહી…

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટીફીક એન્ડ રીસર્ચ પબ્લીકેશનમાં પ્રસિદ્ધ થયેલો એક રીપોર્ટ ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કરનારાઓ માટે આંખ ઉઘાડી કાઢે તેવો છે. તેમનાં  સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે જોબપોર્ટલ ઉપરની ૧૦% પ્રોફાઈલ તો ઉમેદવારોએ સાવ જ જૂઠી અપલોડ કરી હોય છે; અધૂરામાંપૂરું જે નોકરી માટે પોતાની લાયકાત હોય જ નહી તેમાં પણ પોતાની અરજીઓ ઠપકાર્યા કરે છે. આ જ રીપોર્ટ દ્વારા એવું પણ જાણવા મળેલું કે અરજી કરનારા ૭૫% જેટલા ઉમેદવારોને તો ખરેખર જોબમાં રસ જ હોતો નથી. આવી રીતે જોબપોર્ટલને કનડ્યા કરતાં ઉમેદવારોને પ્રતાપે બીજા નિષ્ઠાવાન ઉમેદવારોને પણ ઘણું સહન કરવાનું આવે છે, એટલે બીજાની ખાતર પણ આવી પ્રવૃત્તિથી બધાએ દૂર રહેવું જોઈએ.

શું લાગે છે બોસ… કોરોનાયુગ પછીનું ભવિષ્ય…

એકદમ જ ઉજ્જવળ. કોઇપણ શંકા વગર. પણ હા……. કેટલું ઉજ્જવળ? એ નક્કી કરવાનું કામ ઉપરનાં માર્ગદર્શનને વાંચ્યા પછી તમારા હાથમાં છે. નોકરીઓ હાજર જ છે; તમારે જોઈએ છે તેવા પગારવાળી અને તમારે જોઈએ છે તેવી સગવડતાઓવાળી. માત્ર થોડી ધીરજ અને મહેનતની જરૂર છે. અલબત્ત…જ્યાં સુધી નવી નોકરી ન મળી જાય ત્યાં સુધી આપણા જાગૃત અને સુષુપ્ત મનમાં ઉજ્જવળ ભવિષ્યનાં રંગબેરંગી સપનાઓની સજાવટ તો કરતાં જ રહેવાનું છે.

(લેખક: પુનીત આચાર્ય સોમપુરા)