ઓછું ઈંધણ, હાઇ સ્પીડ અને ડ્રાઇવર વગરની કાર ત્રણેય એક સાથે!

ત્યારે મહાનગરોમાં સૌથી મોટી સમસ્યા કઈ છે? ટ્રાફિકની. પરિણામે સ્કૂટર જાતે ચલાવવાનું ગમતું નથી. કાર પણ જાતે ચલાવવી પસંદ નથી અને ડ્રાઇવર હોય તો પણ દર એક કિમીએ આવતા ટ્રાફિક સિગ્નલ પર અટકવાનું થતાં કારણ વગર મગજ પર તણાવ આવે છે. આ પરિસ્થિતિમાં એક સમાચાર રાહતદાયક છે અને તે છે ડ્રાઇવર વિહોણી કાર.

તમે કહેશો કે આ તો જૂના સમાચાર થયા. ડ્રાઇવર વિહોણી કાર શોધાયાના સમાચાર તો જૂના છે. અને ડ્રાઇવર વિહોણી કારમાં પણ ટ્રાફિક સિગ્નલનું નડતર તો ખરું જ ને. પરંતુ ના, તમે આ સમાચાર વાંચશો તો ખુશીથી ઊછળી પડશો.

વૈજ્ઞાનિકોએ આ ડ્રાઇવરવિહોણી કાર નવી વિકસાવી છે જેના વિશે તેમનો દાવો છે કે તેનાથી ટ્રાફિક સિગ્નલ કે ટ્રાફિકના નિયમભંગ બદલ મળતા મેમોની સમસ્યા જતી રહેશે. અમેરિકામાં ડેલવારે યુનિવર્સિટીના સંશોધક એન્ડ્રીયાસ મલિકોપૉલોસ એમ પણ માને છે કે આ નવી ડ્રાઇવર વિહોણી કારના ઉપયોગથી ૧૯થી ૨૨ ટકા ઓછું ઈંધણ વપરાશે. છે ને આનંદની વાત! જોડાયેલાં અને સ્વયંભૂ ચાલતાં વાહનોને ડ્રાઇવિંગ સ્થિતિને અનુકૂળ થવામાં ડ્રાઇવરો તરફથી કોઈ સૂચનાની જરૂર નથી પડતી અથવા તો નહીંવત્ જરૂર પડે છે તેમ સંશોધકોનું કહેવું છે.

તેઓ એમ પણ કહે છે કે જ્યારે તમારી આગળની કારની ગતિ વધશે તો તમારી કારની ગતિ પણ વધશે અને જ્યારે તમારી આગળની કાર ધીમી પડશે કે તે અટકશે તો તમારી કાર પણ ધીમી પડશે અથવા અટકશે. એન્ડ્રીયાસ આલ્ગોરિધમ વિકસાવવા માટે કંટ્રૉલ થિયરીનો ઉપયોગ કરે છે જેનાથી ભવિષ્યમાં આ ટૅક્નૉલૉજી વાસ્તવિક રૂપ લેશે. એન્ડ્રીયાસ કહે છે કે “અમે એવાં ઉકેલો બનાવી રહ્યા છીએ જે ભવિષ્યમાં ઓછી ઊર્જા વાપરનારી ચાલક પ્રણાલિ હશે. અમને આશા છે કે અમારી ટૅક્નૉલૉજી લોકોને તેમનાં ગંતવ્ય સ્થાનો પર વધુ ઝડપથી, સલામત રીતે અને ઓછું ઈંધણ બાળીને પહોંચવામાં સહાયરૂપ સાબિત થશે.”

એન્ડ્રીયાસ અને બૉસ્ટન વિશ્વ વિદ્યાલયના તેમના સાથીઓએ ટ્રાફિક સિગ્નલ વગરના ચાર રસ્તા ઓળંગતાં જોડાયેલાં (કનેક્ટેડ) અને સ્વંયભૂ (ઑટોમેટેડ) ચાલતાં વાહનોનું નિયંત્રણ કરવાનો અને તેમાં ઈંધણનો ઓછામાં ઓછો વપરાશ થાય તેવો ઉકેલ વિકસાવ્યો છે, જેની વિગત ‘ઑટોમેટિકા’ નામની જર્નલમાં પ્રકાશિત થઈ છે.