ટૅક્નૉલૉજી આશીર્વાદરૂપ પણ છે અને અભિશાપરૂપ પણ. તેનો ઉપયોગ થાય છે કે દુરુપયોગ તેનાથી તે આશીર્વાદરૂપ છે કે અભિશાપરૂપ તે નક્કી થશે. આવી સ્થિતિમાં કેટલાક સિદ્ધાંતો નક્કી કરવા જરૂરી બની જાય છે. હમણાં જ ગૂગલે વૈશ્વિક સલાહકારી પરિષદ બનાવી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઑટોમેશન અને સંબંધિત ટૅક્નૉલૉજીઓ સંબંધિત નીતિમત્તાના પ્રશ્નો પર માર્ગદર્શન આપશે. આ સમિતિમાં આઠ લોકો છે જેમાં અમેરિકાના વિદેશના નાયબ પ્રધાન અને બાથ યુનિવર્સિટીના એસોસિએટ પ્રૉફેસરનો સમાવેશ થાય છે. આ સમૂહ ગુગલના કેટલાક સૌથી વધુ પડકારોને વિચારણામાં લેશે તેમ ગૂગલે કહ્યું છે.
આ પેનલની જાહેરાત એમઆઈટી ટૅક્નૉલૉજી રિવ્યૂના એમટૅક ડિજિટલ ખાતે કરાઈ હતી. આ પરિષદ મેસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી દ્વારા આયોજિત કરાઈ હતી.
બહાર આવી રહેલી ટૅક્નૉલૉજીઓનો તેકેવી રીતે ઉપયોગ કરવા માગે છે તે અંગે ગૂગલની ભારે ટીકા થઈ રહી છે. જૂન ૨૦૧૮માં કંપનીએ કહ્યું હતું કે તે ડ્રૉનનું નિયંત્રણ કરવા માટે એઆઈ ટૅક્નૉલૉજીવિકસાવવા પેન્ટાગૉન સાથે કરારનું નવીકરણ નહીં કરે. તેને પ્રૉજેક્ટ માવેન તરીકે ઓળખવામાં આવે છે અને તે ગૂગલના કર્મચારીઓમાં અપ્રિય હતો અને તેનાથી કેટલાક લોકોનાં રાજીનામાં પણ પડ્યાં હતાં.
જવાબમાં ગૂગલે એઆઈ સિદ્ધાંતોનો સમૂહ પ્રકાશિત કરી કહ્યું હતું કે તે આ સિદ્ધાંતોથી બંધાશે. તેમાં સામાજિક લાભદાયી અને લોકોને જવાબદેહીની પ્રતિજ્ઞાનો સમાવેશ થાય છે. ઍડવાન્સ્ડ ટૅક્નૉલૉજી ઍક્સ્ટર્નલ ઍડ્વાઇઝરી કાઉન્સિલ (એટીઇએસી) એપ્રિલમાં પહેલી વાર મળશે. એક બ્લૉગ પૉસ્ટમાં ગૂગલની વૈશ્વિક બાબતોના વડા કૅન્ટ વૉકરે કહ્યું કે વર્ષ ૨૦૧૯માં વધુ ત્રણ બેઠકો થશે.
ગૂગલે પેનલના સભ્યોની પૂર્ણ યાદીબહાર પાડી છે. તેમાં ગણિતશાસ્ત્રી બુબાકર બાહ, અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન વિલિયમજોસેફબર્ન્સ અને યુકેની બાથ યુનિવર્સિટીમાંકમ્પ્યૂટર સાયન્સ ભણાવતા જૉઆના બ્રાયસનનો સમાવેશ થાય છે.
ચહેરાની ઓળખ (ફેસિયલ રિકગ્નિશન) જેવી ટૅક્નૉલૉજીઓનો કઈ રીતે ઉપયોગ કરવો તેવી ભલામણો પર ચર્ચા થશે. ગયા વર્ષે ગૂગલના ક્લાઉડ કમ્પ્યૂટિંગના તત્કાલીન વડા ડાયન ગ્રીને ફેસિયલ રિકગ્નિશન ટૅક્નૉલૉજીને અંતર્નિહિત પૂર્વગ્રહ તરીકે ઓળખાવી હતી.
રૉબૉટ્સ શૂડ બી સ્લૅવ્સ (રૉબોટ આપણા દાસ હોવા જોઈએ) તેવા ખૂબ જ ટાંકવામાં આવતા થિસિસમાં બ્રાયસને રૉબોટની સાથે લોકો જેવો વ્યવહાર કરવાના ચલણ સામે દલીલો કરી હતી.
“તેમને માનવ બનાવવામાં, આપણે સાચા લોકોને અમાનવ જ નથી બનાવતા પરંતુ સંસાધનો અને જવાબદારીની ફાળવણી કરવામાં માનવના ખરાબ નિર્ણયને પણ પ્રોત્સાહિત કરીએ છીએ.” “જ્યારે એઆઈનો ઉપયોગ કરતી પ્રણાલિ નુકસાન કરે છે ત્યારે આપણને જાણ થાય છે કે આપણે માનવજાતને તે પ્રણાલિની પાછળ જવાબદાર ગણી શકીએ છીએ.”
હકીકતે, ટૅક્નૉલૉજી એ બેધારી તલવાર છે. તે કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તેના આધારે કેટલાક પ્રશ્નો સર્જાવા નિશ્ચિત છે. જેમ કે બેરોજગારી, છેતરપિંડી, બીજા દેશની સામે તેનો ઉપયોગ, બીજાને બદનામ કરવા તેનો ઉપયોગ. ઉપરાંત અસમાનતા, માનવતા, આર્ટિફિશિયલ મૂર્ખતા, વંશવાદી, સુરક્ષા વગેરે પ્રશ્નો સર્જાય છે.
તમને થાય કે કઈ રીતે? તો એઆઈના કારણે વધુ ને વધુ રૉબોટનો ઉપયોગ થવા લાગે છે. તેથી માણસોને રોજગારી ઘટે તે સ્વાભાવિક છે. છેતરપિંડીની રીતે જોઈએ તો ડેટા ભેગો કરી રૉબોટ દ્વારા લૂટ કરાવી શકાય તેની કલ્પના અવાસ્તવિક નથી. બીજા દેશો સામે તેનો ઉપયોગ થઈ શકે છે. રૉબોટને ઘૂસણખોરી કરાવી ત્રાસવાદી પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થઈ શકે છે. બીજાને બદનામ કરવા પણ આ જ રીતે તેનો ઉપયોગ થઈ શકે છે. વળી, જેમ જેમ રૉબોટ કે એઆઈનો ઉપયોગ વધતો જશે તેમતેમ લોકોની કેટલીક બાબતોમાં મૂર્ખતા આવતી જશે જેમ કે ગુણાકાર કરવા, ભાગાકાર કરવા માટે મગજના ઉપયોગના બદલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ.
વળી, રૉબોટનું પ્રૉગ્રામિંગ કઈ રીતે થશે તે એઆઈ જ નક્કી કરશે. માનો કે ગૂગલમાં વ્હાઇટનું વધુ સર્ચ થશે તો સ્વાભાવિક જ તેવાં પરિણામો મળશે. આ તો સાદું પરિણામ છે, પરંતુ આવું એમેઝૉનના ઍલેક્સા કે ગુગલના ઉત્પાદનમાં થઈ શકે છે કારણકે તેને પોતાની બુદ્ધિ તો હોતી નથી.