દિવાળીના પર્વ પર સિંધી સમાજ દ્વારા એક અત્યંત અનોખી ‘હટડી’ પૂજા કરવામાં આવે છે. દેશભરના સિંધી સમાજમાં વેપાર, ધંધા અને સમૃદ્ધિના પ્રતિક સમાન આ હટડીઓ લાવવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે.
સિંધી ભાષામાં ‘હટડી’ એટલે કે નાની દુકાન અથવા પેઢી. આ હટડી માટી અને વાંસની સળીઓમાંથી બનાવવામાં આવે છે, જે નાની દુકાન કે ઘર જેવો આકાર ધરાવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં હટડી લાવીને પૂજા કરવાથી વેપારમાં બરકત આવે છે અને ધન-ધાન્યના ભંડાર ભરાયેલા રહે છે.
આ પૂજાની વિશેષતા એ છે કે ઘરમાં જેટલા પુરુષ સભ્યો હોય, તે દરેકના નામની અલગ હટડી લાવવામાં આવે છે. આ હટડીની મધ્યમાં માતા લક્ષ્મીજીની નાની મૂર્તિ કે છબી સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ હટડીની અંદર દીવો પ્રગટાવીને ધૂપ, દીપ અને મીઠાઈ અર્પણ કરી વિધિવત પૂજા કરાય છે.
આ પૂજા દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી ચાલે છે. પૂજા પૂર્ણ થયા બાદ સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવાની અને ‘લક્ષ્મી પાઈ દાનતવાઈ’ (એટલે કે લક્ષ્મીજી પધાર્યા અને દરિદ્રતા દૂર થઈ) એવું બોલવાની સુંદર પરંપરા છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)






