કાયમ નવું-નવું જાણવાની તાલાવેલી અને અંગ્રેજી-શાળાનો અભ્યાસ એટલે અત્યારની ટેકનોલોજી સરસ રીતે અપનાવી, 94 વર્ષની ઉંમરે youtubeની મદદથી દેશ-વિદેશની ઢીંગલીઓ બનાવી, નવી-નવી વાનગીઓ બનાવી અને ધાર્મિક પ્રોગ્રામો જોઈ પોતાને પ્રવૃત્ત રાખતાં ગજબનાં ઉત્સાહી સુશીલાબહેન કાંતિલાલ વોરાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
સુશીલાબહેનનો જન્મ મોસાળમાં વઢવાણમાં, ઊછેર જામનગરના સુખી કુટુંબમાં. ધોરણ 5 સુધીનો અભ્યાસ જામનગર, સમજુબા હાઈસ્કુલમાં કર્યો. ધ્રાંગધ્રાના ખમતીધર(વજુ-કલજી વોરા)પરિવારમાં લગ્ન થયું. લગ્ન પછી ધ્રાંગધ્રા, કલકત્તા, સુરેન્દ્રનગર, મીઠાપુર ફરવાનું થયું. (હાલ વડોદરા છે) પતિનું અવસાન 2006માં થયું. પુત્રવધૂ (ઉષા, શાંતિલાલ શાહ પરિવાર, ઓખા)ના અવસાન પછી ઘરની બધી જવાબદારી સુશીલાબહેને ઊપાડી લીધી. સગવડતા હોવાં છતાં રસોઈ માટે કોઈ મહારાજ રાખ્યો નથી. રોજની રસોઈ અને નાસ્તા જાતે બનાવે છે! 5 બેડરૂમના ફ્લેટની સાફ-સફાઈ અને સંભાળ જાતે રાખે છે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 6:00 વાગે ઊઠે. 7:30 સુધી પ્રતિક્રમણ અને ધાર્મિક ક્રિયાઓ ચાલે. પછી દીકરા સાથે ચા-નાસ્તો કરી સામાયિક અને ઘરનું કામ કરે. ત્યારબાદ રસોઈ કરે. બે વાગ્યે દીકરા સાથે જમે. છાપુ વાંચે, થોડો આરામ કરે. પાંચ વાગ્યે ખાખરા શેકે! મિત્રો સાથે અને ઘરનાં સગા-સંબંધીઓ સાથે મોબાઈલમાં વાતચીત કરે. છ વાગ્યે પાણી પી અને પ્રતિક્રમણ કરે. સાડા-આઠે દીકરા માટે રસોઈ બનાવે. પછી વાંચે, whatsapp મેસેજ જુએ, youtube ઉપર ધાર્મિક-પ્રોગ્રામ જુએ, 10:00 વાગે સૂઈ જાય. પહેલાં તો જાતે રિક્ષામાં દેરાસર જતાં, હવે થોડા વખતથી જતાં નથી.
શોખના વિષયો :
ભરત-ગુંથણ, સિલાઈ-કામ, રસોઈ. યુવાનીમાં બાળકોનાં કપડાં સિવતાં, શોખ માટે વિવિધ દેશનાં પહેરવેશ પ્રમાણે ઢીંગલી બનાવતાં. ખૂબ ધાર્મિક છે. સુશીલાબહેન દરેક સામજિક-પ્રસંગમાં ઉત્સાહભેર ભાગ લે છે. વર્ષો સુધી તેમણે દેરાસર-મંડળનો વ્યવહાર સાચવ્યો. સાધુ-સંતની વેયાવચ્ચ ખૂબ કરેલી છે. જૈન હોવાથી વર્ષોથી એકાસણાં કરે છે, ઉકાળેલું પાણી જ લે અને સંધ્યા પછી પાણી પણ નહીં વાપરવાનું! જૈન-ધર્મનાં ઉપધાન, વર્ષિતપ જેવાં ઉગ્ર તપ અને 17 ચોમાસા (પાલીતાણા રહીને) કરેલ છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
આંખ અને પગની થોડી તકલીફ છે. આંતરડાના કેન્સરનું 2005માં ઓપરેશન થયેલ, પણ ભારે હિંમત અને વિલ-પાવર! યાદશક્તિ ગજબની. મોબાઈલના રીચાર્જના 84 દિવસ પૂરા થઈ જશે એ યાદ કરાવી દે! વ્યાખ્યાન સાંભળતાં-સાંભળતાં હાથ ચાલુ જ હોય! જાતે સો બટવા બનાવી પાલીતાણા મહારાજ-સાહેબને પહોંચાડ્યા હતા.
યાદગાર પ્રસંગ:
સુશીલાબહેન સુરેન્દ્રનગરના દેરાસરમાં આગળ પડતો વહીવટ કરતાં. ચોમાસામાં પાલીતાણા જાય ત્યારે પાલીતાણાના દેરાસરનો પણ વહીવટ કાબેલ રીતે કરે. સુરેન્દ્રનગરમાં એકવાર એક મહારાજ-સાહેબનું ચારિત્ર વાંધાજનક લાગ્યું ત્યારે સુશીલાબહેને વિરોધ કરી મહારાજ-સાહેબને સંસારમાં પાછાં મોકલી આપ્યાં. ધર્મમાં ચુસ્ત છતાં વિચારધારા ઓપન!જૈન-ધર્મનાં નાટકોમાં પણ ભાગ લેતાં. તેમણે પાલીતાણામાં રાવણ-મંદોદરીનો નાચ પણ કર્યો છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
શાળાનો અભ્યાસ અંગ્રેજીમાં કરેલ અને નવું-નવું જાણવાની તાલાવેલી, એટલે નવી ટેકનોલોજી સાથે સહેલાઈથી તાલ મિલાવી શકે છે. મોબાઈલમાં વોટ્સ-એપ, યુ-ટ્યુબ, ફેસ-બુક વાપરતા આવડી ગયું છે, VIDEO જોઈને પુત્ર માટે જાતજાતની વાનગી બનાવે! ફોનથી અને ઓનલાઈન ખરીદી કરવી અને તેનો હિસાબ રાખવો પણ તેમને ફાવે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમને દેશમાં ગમે, પણ જ્યાં જાય ત્યાં સેટ થઈ જાય! બધું અપનાવી લે! ગામમાં તો વસ્તારી કુટુંબ અને સાધુ-સંતોની અવરજવર ચાલુ હોય. ગામનાં બધાં લોકો ઓળખે, જ્યારે હવે શહેરમાં તો આડોશ-પાડોશમાં પણ એટલી ઓળખાણ નથી હોતી! ગામમાં ખરીદી, શાક, મોદી બધું જાતે કરતાં. હવે જાત ચાલતી નથી અને ઓનલાઇન કામ કરતાં સારું ફાવે છે એટલે બધું ઓનલાઇન મંગાવે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને એક પુત્ર(વિજય), એક પુત્રી(ઈલા દોશી) અને બે પૌત્ર છે. મોટો પૌત્ર(પ્રણવ) અને પૌત્રવધૂ(મિતાલી) ઓસ્ટ્રેલિયા રહે છે. બીજો પૌત્ર(આદિત્ય) હાલ મુંબઈ છે. દેરાસરના વહીવટમાં આગળ પડતાં એટલે દેરાસરમાં આવતાં યુવાનો અને બાળકો સાથે સરસ ફાવે. દેરાસરમાં આવતાં બાળકોમાં ધર્મના સંસ્કાર હોય, એ સંસ્કાર હશે ત્યાં સુધી ધર્મ જીવતો રહેશે! કુટુંબનાં નાનાં બાળકોને તો અવારનવાર મળવાનું થાય. યુવાનો અને બાળકો સાથે બહુ ગમે.
સંદેશો :
વડીલોને ખાસ કહેવાનું કે : પોતાની રીતે નવું-નવું શીખતા રહો, સ્વાવલંબી બનો. અત્યારના સમયને અનુસરીને રહો. જાતે જ પોતાનું કામકાજ કરી લો. આળસ કરવી નહીં. યુવાનો કહે તેમ કરો અને તેમનો પ્રેમ મળવો.