કોવિડ-કાળ દરમિયાન વિશ્વવ્યાપી ગુજરાતી-સાહિત્ય-ફોરમ(1800 સભ્યો) રચી દર અઠવાડિયે ઝૂમ-મીટીંગની મદદથી વિવિધ વિષયોના 209 ઓનલાઈન એપિસોડનું સંચાલન કરનાર, કોકિલાબહેન ચોક્સીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અમદાવાદમાં, મોસાળમાં. બે બહેન, એક ભાઈનું કુટુંબ. પિતાને જીનીંગ-સ્પેરપાર્ટસનો બિઝનેસ. અભ્યાસ મુંબઈ, ચંદારામજી ગર્લ્સ-હાઇસ્કુલમાં. 17 વર્ષે કનુભાઈ ચોકસી સાથે લગ્ન. લગ્ન પછી મેટ્રિકની પરીક્ષા આપી! પતિને દેના બેન્કમાં બદલી વાળી નોકરી. લગ્ન પછી એક વર્ષ વિલ્સન કોલેજમાં ભણ્યાં. પતિનો અને સાસુનો ઘણો સહકાર. જુનાગઢ અને વેરાવળ બદલી, દીકરા કૌશલનો જન્મ. પતિના મિત્રની સલાહથી ગુજરાત યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ બીએ કર્યું. ઈન્ડિયન-ફિલોસોફીના પેપર માટે જાતે ગીતાજીનો ઊંડો અભ્યાસ કર્યો. “અપેક્ષા રહિત જીવન”નો મહત્વનો પાઠ શીખ્યાં. વિદ્યાગૌરી નીલકંઠ ગોલ્ડ-મેડલ જીત્યાં. કોન્વોકેશન વખતે કાકાસાહેબ કાલેલકરે બહુ પ્રોત્સાહન આપ્યું! શાળામાં નોકરી લીધી. દીકરીનો જન્મ થયો. એમ.એ. કર્યું, લખવાનું શરૂ કર્યું. કોલેજમાં નોકરી લીધી. બદલી ધાંગધ્રા થઈ. “હિન્દી-રત્ન” કર્યું. અમરેલી શાળામાં નોકરી લીધી. બાળકોના અભ્યાસ માટે ત્રણ વર્ષ વડોદરા રહ્યાં. હાલ વારાફરતી અમેરિકા અને વડોદરા રહે છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે સાડા-પાંચે ઊઠે. સરદાર-બાગમાં ચાલવા જાય. પછી લાફ્ટર-ક્લબ અને યોગાસન. સવારનો સાડા-આઠ સુધીનો સમય માત્ર પોતાના માટે. ઘેર આવી ચા-પાણી-નાસ્તો કરે. નાહી-ધોઈ સેવા-પૂજા કરે, રસોઈ કરે. 12:30 વાગે જમે. બપોરે થોડો આરામ કરે. રોજ સાંજની અલગ-અલગ પ્રવૃત્તિ! સોમવારે સિનિયર-સિટીઝન ક્લબમાં જાય, મંગળવારે મિત્રો સાથે પાના રમે, બુધવારે મિત્રો સાથે પિક્ચર જોવા જાય(પોપકોર્ન-કોલ્ડ-કોફી ગમે), ગુરુવારે જુના મિત્રોને કંપની આપે, શુક્રવારે એક્ટિવિટી-સેન્ટરમાં જાય. બહેનોને શીખવે, એક્ઝિબિશન કરાવે, આવકમાંથી વૃક્ષારોપણનું કામ કરે! શનિ-રવિ માત્ર દીકરી માટે!
શોખના વિષયો:
ચિત્રકામ કરવું ગમે. પ્રવાસનો ઘણો શોખ, જાપાન, હોંગકોંગ, યુરોપ, સ્કેન્ડીનેવિયન કન્ટ્રીઝ, મિડલ-ઈસ્ટ, ફાર-ઇસ્ટ ફર્યાં છે. દર બે વર્ષે એક ટ્રીપ ખરી! સંગીતનો શોખ. બાળપણમાં પિતાજીએ ઘેર સંગીત-શિક્ષક રાખ્યા હતા. આકાશવાણી પર સુગમ-સંગીત માટે સારો ચાન્સ મળ્યો હતો. ગરબા પણ ગમે. વાંચનનો ઘણો શોખ છે. ટેબલટેનિસ રમવું ગમે. સ્કૂલ-કોલેજમાં ચેમ્પિયન હતાં.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત ઘણી સારી. રોજ છ-સાત હજાર સ્ટેપ ચાલે. દવા લેવાના વિરોધમાં છે. સેલ્ફી-હીલિંગમાં માને છે. તેમને અમેરિકામાં પણ ગમે. સો ટકા ત્યાં જ રહે! અહીંનું કોઈ વળગણ નહીં. સામાન્ય રીતે કહેવાય કે “પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે”, પણ કોકિલાબહેનના જીવનમાં તેમની સફળતા પાછળ બે પુરૂષોનો હાથ છે: એક તેમના પતિ કનુભાઇ અને બીજો તેમનો પુત્ર કૌશલ!
યાદગાર પ્રસંગ:
લગ્ન પછી બાવીસ વર્ષની ઉંમરે, કોકિલાબહેન મુંબઈથી વેરાવળ ગયાં હતાં. કસ્તુરબા-મહિલા-મંડળના સભ્ય અને કમિટી-મેમ્બર. મંડળમાં નવાં સભ્યો લેવા માટે તેઓ આસપાસના કુટુંબોમાં મળવા ગયાં. એક કુટુંબમાં જઈ બહેનને કસ્તુરબા-મહિલા-મંડળનો પરિચય આપ્યા પછી તેમણે પૂછ્યું: “સભ્ય બનશો?” યજમાન-બહેને ગુસ્સે થઈને કહ્યું: “શું અમે અસભ્ય છીએ? નિકળ ઘરની બહાર!” કોકિલાબેન રડી પડ્યાં. જીવનનો મહત્વનો પાઠ શીખ્યાં: જાહેર-જીવનમાં કામ કરવું હોય તો માન કરતાં અપમાન વધારે મળશે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:
1984માં કોમ્પ્યુટર ચલાવતાં શીખ્યાં હતાં. દીકરાને કામમાં મદદ કરવા ડેટા-એન્ટ્રી કરે. પોતાના કામ માટે સર્ફિંગ કરે. ઓનલાઇન ઉપનિષદ વાંચે. ટેકનોલોજીને આશીર્વાદ ગણે છે. ટેકનોલોજીના પ્રશંસક છે, પણ દરેક વસ્તુને મર્યાદા હોય તેમ માને છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?:
સમાજમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો છે. પુરુષ-પ્રધાન સમાજની અસર તેમના સમયમાં ઘણી હતી. લાયન્સ-ક્લબમાં 1990માં તેઓ સેક્રેટરી નિમાયા ત્યારે ઘણા પુરુષોએ વિરોધ કર્યો હતો. હવે તો કોર્પોરેટ સેક્ટરમાં બહેનો ખભે-ખભા મિલાવીને કામ કરે છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?:
તેમણે શાળા-કોલેજમાં કામ કર્યું છે એટલે યુવાનો સાથે તરત હળી-ભળી જાય છે. કુટુંબના યુવાનોને પણ મળવાનું થાય. દીકરીનાં મિત્રો મળવા આવે, પણ જાણે તેમનાં મિત્રો હોય તેવું લાગે! આજના યુવાનો ટેકનોલોજીમાં ખૂંપી ગયા છે. સામાજિક-સંબંધો રૂંધાઈ ગયા છે. દિવાળી અને તહેવારોમાં તેઓ બહાર ફરવા જતા રહે છે, જેથી સામાજિક જીવનમાંથી કટ-ઓફ થઈ ગયા છે. અત્યારના વડીલોને એકાકી પણું લાગે છે તો ડિજિટલ-યુગનો યુવાવર્ગ જ્યારે ઉમરવાન થશે ત્યારે તેમનું શું થશે?
સંદેશો :
બાળકો: બાળપણની સહજતા ગુમાવશો નહીં.
યુવાનો : ભૂતકાળની આંગળી ઝાલીને, ભવિષ્યની ચિંતા કરી, વર્તમાન બગાડશો નહીં.
વડીલો: ઉંમર તો માત્ર એક આંકડો છે! તેને ગણશો નહીં!