નોટ આઉટ @ 86: પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી

પદ્મશ્રી (2024), જ્ઞાનપીઠ પુરસ્કાર (2015), નર્મદ સુવર્ણચંદ્રક (1995), કુમાર ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય એકાદમી દિલ્હીનો પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક જેવાં અનેક ચંદ્રકો અને પારિતોષિકોથી સુશોભિત અને જેમણે 170થી પણ વધારે ગુજરાતી પુસ્તકો લખ્યા છે એવા ગુજરાતી સાહિત્યના ભીષ્મ-પિતામહ રઘુવીરભાઈ ચૌધરીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ બાપુપુરા(ગાંધીનગર)માં થયો. ત્રણ ભાઈ, બે બહેન(સો વર્ષનાં મોટાંબહેન હજુ હયાત છે!)નું કુટુંબ, તેઓ સૌથી નાના. પિતાને ખેતી હતી. શાળાનો અભ્યાસ માણસામાં કર્યો. ગામમાં અને ઘરમાં પહેલેથી સાહિત્યનું વાતાવરણ હતું. 1960માં હિન્દી સાથે બી.એ., 1962માં એમ.એ. અને 1979માં પી.એચ.ડી. કર્યું. બી.ડી. કોલેજ, ગુજરાત વિદ્યાપીઠ, એચ.કે. આર્ટસ કોલેજ વગેરેમાં અધ્યાપક તરીકે કામ કર્યું. 1977-1998 ગુજરાત યુનિવર્સીટીના ભાષા-સાહિત્ય-ભવનમાં હિન્દીના આધ્યાપક તરીકે કામ કર્યું. 1998માં ભાષા-સાહિત્ય-ભવનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. તેમણે નવલકથા, વાર્તા, કવિતા, નાટક, એકાંકી, વિવેચન, રેખા-ચિત્રો, પ્રવાસ-વર્ણન, ધર્મચિંતન અને સંપાદન જેવાં સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેઓ વહેલા જાગી જાય, પણ ઊઠે શાંતિથી! સવારે નાહી-ધોઈ, નિત્યક્રમ પતાવી, મોરારીબાપુ, ભાઈ-શ્રી અથવા બીજા સંતોની કથા સાંભળે. બહાર બહુ જતા નથી. સાહિત્યના કાર્યક્રમ માટે સાંજે બહાર નીકળે. કસરત કરતા નથી, પણ બાળપણમાં ખેતરમાં કામ કરેલું એટલે ખડતલ શરીર છે. લેખનકાર્યમાં સક્રિય હતા ત્યારે દિવસના 14-14 કલાક લખતા. સાંજે ટીવી જુએ. “અહલ્યા” સિરયલ એમને બહુ ગમતી. જરૂર હોય તો મોડે સુધી જાગે, બાકી વહેલા સુઈ જાય. ગામ સાથે હજુ લગાવ છે. ગામમાં ઘર-ખેતર છે. દર શનિ-રવિ ગામ જાય છે! ગામની શાળામાં સક્રિય છે. બાળકોને બુનિયાદી-શિક્ષણ મળે તેમાં તેમને રસ છે. ગ્રામભારતી અને લોકભારતી(ટ્રસ્ટી) સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

શોખના વિષયો : 

વાંચન અને લેખન મુખ્ય. ચેસ રમવું ગમે, ચેસના સારા ખેલાડી છે. સંગીતમાં ઘણી રૂચી, સુગમ-સંગીત, લોકસંગીત અને શાસ્ત્રીય-સંગીત ત્રણે ગમે. ક્રિકેટ મેચ જોવી પણ ગમે. બાળપણમાં હૂતુતુ અને વોલીબોલ પણ રમતા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત ઘણી સારી છે. બીપી કે બીજી કોઈ બીમારી નથી. શરદી-ઉધરસ પણ ભાગ્યે જ થાય. ખડતલ શરીર છે. પણ, થોડા વખત પહેલાં પગની બીમારી-સેલ્યુલાઇટિસ- થઈ ગયો હતો. હવે સારું છે.

યાદગાર પ્રસંગ: 

“પદ્મશ્રી”ની અપેક્ષા ન હતી, પણ એ તક આવી તો સ્વીકારી લીધી! 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તેનો ઘણો આનંદ થયો હતો. થોડા સમય પહેલાં તબિયત બગડી ગઈ ત્યારે પૌત્રી અનુરાધા અમેરિકાથી ફટાફટ તેમની ખબર કાઢવા આવી ગઈ અને પાછળ-પાછળ પૌત્ર મંદાર પણ આવી લાગ્યો તેનો આનંદ થયો! પુત્રને બોસ્ટન જવાનો અને ત્યાં સ્થ્યાઈ થવાનો ચાન્સ હતો પણ રઘુવીરભાઈને ઓછું પસંદ હતું એટલે પુત્ર-પુત્રવધૂ  (સંજય-સુનિતા) અહીંયા જ રોકાઈ ગયાં. તેઓ સાથે રહી તેમનું ઘણું ધ્યાન રાખે છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

જે સહેલું છે તે ચોક્કસ સ્વીકાર પામે, એટલે અત્યારે નવી-ટેકનોલોજીનો સ્વીકાર થશે જ. AI અને તેની આગળનું પણ કંઈક નીકળશે…. તેઓ પેન-પેપર ઉપર જ લેખન કાર્ય કરે છે. ઈમેલ, વિડીયો-કોલ, FACEBOOK વગેરેનો મર્યાદિત ઉપયોગ કરે છે. છોકરાંઓ નવી-ટેકનોલોજીના ક્ષેત્રે ઘણી મદદ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાંના અને અત્યારના જીવનમાં અને રહેણી કરણીમાં જબરદસ્ત ફેરફાર છે! એમના ગામમાં દર ત્રીજા ઘરમાંથી એક યુવાન પરદેશ ગયો છે! ઘરમાં સુખ-સાધન વધ્યાં છે. એસી, ટીવી, વોશિંગ-મશીન વગેરે બધું જ તેમના ગામમાં છે. પહેલાં શારીરિક-શ્રમ, ખેતી, પશુપાલન, સાંજે ગાય દોહવાનું વગરે  મુખ્ય કામકાજ રહેતું. એટલે ઢોર સાથે મમત્વ રહેતું. બળદ માંદો પડે તો ઘીની બાધા લીધાના દાખલા છે! હવે બધું ઓછું થતું જાય છે. સમાજ તો બદલાતો રહેશે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે એટલે પ્રસંગોએ યુવાનોને મળવાનું થાય છે. યુવાનો પોત-પોતાની રુચિ પ્રમાણે ભણે અને કામ કરે તેવો તેમનો મત છે. તેઓ યુવાનોથી જરાય નિરાશ નથી. તેમનું માનવું છે કે વિદેશ જવાનો પ્રવાહ ઘટશે. તેમને એક દીકરો, ત્રણ દીકરી, પાંચ પૌત્ર-પૌત્રી અને બે પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. પૌત્ર-પૌત્રીઓ સાથેનું તેમનું બોન્ડીંગ ખૂબ જ ગાઢ છે.

સંદેશો :  

યુવાનોમાં જલ્દી પૈસાદાર થવાની ઘેલછા છે. તેમને શુભેચ્છાઓ! દેશનું યુવાધન દેશમાં રહે એવી આશા! ગુજરાતી ભાષા સમૃદ્ધ છે અને રહેશે તેવી તેમને ખાતરી છે!