નવરાત્રી: સફળ બનવા માટે સંસ્કાર અને નીડરપણું જરૂરી…

સાધના, આરાધના, ભક્તિ, સ્તુતિ, ગરબા, આરતી આ બધા જ શબ્દો એક ઉત્સવ સાથે જોડાયેલા છે. એ છે નવરાત્રી. આપણા દેશમાં તહેવાર જેવો સાવ સામાન્ય શબ્દ ન હતો. ઉત્સવ એટલે મનને રાજીપો થાય એવું કરવાનો સમય જેનાથી જીવનના કોઈ પાસાને વધારે પ્રબળ બનાવી શકાય. તહેવાર એકલા મનાવી શકાય પણ ઉત્સવ માટે અન્યની જરૂર પડે. જો કોઈ ગમતી વ્યક્તિ સાથે હોય તો તો જીવન જ ઉત્સવ બની જાય. સમયાંતરે ઉત્સવ આવે અને માણસો રીચાર્જ થતા રહે. વળી દરેક ઉત્સવની વિવિધતાના કારણે દરેક પ્રકારના વ્યક્તિને ક્યાંકને ક્યાંક રોજગાર મળે રહે. આમ આખો સમાજ આનંદ કરી શકે.

 

 

 

 

 

 

 

ભારતમાં સહજીવનની વાતને પ્રાધાન્ય આપવામાં આવેલું. વર્ણ વ્યવસ્થા ચોક્કસ હતી પણ જાતિવાદ ન હતો. દરેકને જીવવાનો સમાન અધિકાર હતો. ભારતને સમજવા વેદ ના સમયને સમજવો પડે. ભારતીય સંસ્કૃતિ એ જ ભારતની ખાસિયત ગણાય. અને સંસ્કૃત સમયમાં સુસંસ્કૃત સમાજ તો મળે જ ને? સફળ થવા માટે સંસ્કાર પણ જરૂરી છે.

સંસ્કાર એ માણસની પોતાની આગવી ઓળખ છે. ચુપ રહીને સહન કર્યા કરવું એને સંસ્કાર ગણી શકાય કે ક્યાંક ખોટું થઇ રહ્યું છે તો એને રોકવું એને સંસ્કાર ગણાય? સંસ્કારી માણસ માત્ર પગાર માટે ક્યારેય કામ નહિ કરે. એ કર્તવ્યનિષ્ઠ હશે. એનું વર્તન જવાબદારી ભર્યું હશે અને કોઈ પણ વ્યક્તિને સાચી વાત કરવામાં એ પાછો નહિ પડે. જ્યાં મૃદુતાની જરૂર છે ત્યાં એ મૃદુભાષી હશે પણ જ્યાં અવાજ ઉંચો કરવાનો છે ત્યાં એ કરશે જ. સંસ્કાર પૈસા ખર્ચીને ન મળે. એ વ્યકિતત્વ સાથે જોડાયેલા છે. કહે છે કે જ્યાં સુધી સિંહ પોતાની આત્મકથા નહિ લખે ત્યાં સુધી લોકો શિકારીની વાત જ માનશે.

આજે જયારે જાહેરમાં સારા દેખાવાની હોડ ચાલી છે ત્યારે એના પ્રત્યાઘાત રૂપે ઘણાબધા લોકો માનસિક બીમારીનો ભોગ બની રહ્યા છે. આવા સમયે સંસ્કારી વ્યક્તિઓ જ પોતાની ઓળખને લાંબા સમય સુધી સાચવી શકશે. કારણકે પિત્તળને ઢોળ ચડાવવો પડે, સોનાને નહિ. સંસ્કારી વ્યક્તિ પારદર્શક હોય છે. અને પારદર્શક વ્યક્તિઓ નિર્ભય હોય છે. નીડર હોવું એ પણ એક ગુણધર્મ છે. જયારે આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે જ ભય લાગે. નીડર વ્યક્તિઓ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. એમને સ્વ માં વિશ્વાસ હોય છે.

નીડર વ્યક્તિઓ ધાર્યા કામ કરવા કટિબદ્ધ રહે છે. આપણા દેશની આઝાદીની ચળવળમાં કેટલાય એવા નામ દેખાય છે કે જેમને મૃત્યુનો પણ ડર ન હતો. ડરપોક માણસ ક્યારેક પોતાની જાતને છાવરવા અન્યનું નુકશાન કરી શકે છે. તેથી જ ડરપોક વ્યક્તિઓનો સાથ પણ ક્યારેક સફળતામાં બાધારૂપ બને. નીડર હોવાનો અર્થ એવો પણ નથી કે વિચાર્યા વિનાના નિર્ણય લેવા. સૂઝ અને સંસ્કાર સાથે નીડરતા હોય તો શ્રેષ્ઠ પરિણામો મળી શકે. આજે આપણે બે એવા ઉર્જા સ્ત્રોતની વાત કરી જે માનવીને સફળ બનાવી શકે. સંસ્કાર અને નીડરપણું. નવરાત્રી દરમિયાન સ્વને સમજી અને આપણી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરીએ. જીવન ઉત્સવ બની જશે.

(મયંક રાવલ)