નવરાત્રી– નવ દિવસ જ શા માટે? નવ એ પૂર્ણાંક છે. નવને કોઈ પણ આંકડાથી ગુણવામાં આવે તો તેનાથી મળતી સંખ્યાના અંકોનો સરવાળો પાછો નવ થઇ જાય છે. નવ રાત્રી દરમિયાન નવ દુર્ગાની આરાધના કરવાની વાત છે. નવદુર્ગા એટલે નવ શક્તિ. શક્તિ સંરક્ષણ ના નિયમ પ્રમાણે જોઈએ તો શક્તિનું એક શક્તિ માંથી રૂપાંતર થાય છે. એનો નાશ કદી નથી થતો. દુર્ગાના વિવધ સ્વરૂપો છે. જે એકજ સ્વરૂપ ગણાય છે. મૂળ શક્તિ તો એકજ છે. છે ને વિજ્ઞાન સાથે જોડી શકાય તેવી વાત? શક્તિની આરાધના માનવની આંતરિક શક્તિને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે.
કોઈ એવું પણ પૂછી શકે કે માનવની પણ સુશુપ્ત અને ચલિત શક્તિ હોઈ શકે? એનો જવાબ છે હા. દરેક માણસમાં પુષ્કળ પ્રમાણમાં શુષુપ્ત શક્તિ હોય છે. તેને જે દિશામાં લઇ જવામાં આવે તે રીતે તેનો વિકાસ થાય છે. રેડીઓ એક્ટીવીટી ની શોધ વિનાશ માટે નહોતી થઇ. એનો નકારાત્મક ઉપયોગ ભય ઉત્પન્ન કરે છે તે જ રીતે નકારાત્મક રીતે વિકાસ પામેલ શક્તિ નકારાત્મક પરિણામો આપી શકે છે.
નવ એવી બાબતો જે માનવની આંતરિક શક્તિને વધારી અને તેને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે. તેના વિશે આપણે વાત કરીશું. આ નવરાત્રીએ માં દુર્ગાની આરાધનાની સાથે આપણે શક્તિ સભર બનીએ.
સર્વ પ્રથમ બાબત છે, શરીરમાં વધારે ઓક્સીજન મેળવવાની પ્રક્રિયા. શું માત્ર ઊંડા શ્વાસ લેવાથી ઓક્સીજન મળી જાય? એક સંસોધન એવું પણ કહે છે કે સવારે ઠંડક હોવાથી કાર્બનના કણ જમીનથી નજીક હોય છે. જેના કારણે ખુબ વહેલા ખુલી હવામાં ફરવા જવાથી કે ઊંડા શ્વાસ લેવાથી તકલીફ થઇ શકે છે. આવા ઘણા વિચારો પર ચર્ચા થઇ શકે. પણ એ વાત સાચી છે કે ખોટી એ વિચાર્યા સિવાય પણ પ્રદુષણ સતત વધી રહ્યું છે એ વાત પર તો આપણે બધા જ સહમત થઈશું.
પ્રદુષણ ઘટાડવા માટે હવાને પ્રદુષિત કરવાની પ્રક્રિયાથી દુર રહેવું જોઈએ અને નવા વૃક્ષો વાવવા જોઈએ. તો સહુથી પહેલા સંકલ્પ કરીએ કે આપણી ઉંમર જેટલી છે એટલા વૃક્ષો વાવીશું. કોઈ કરશે એની રાહ જોયા વિના જો વૃક્ષો વાવીશું તો એનો લાભ આપણને જ મળશે. કારણકે એ વૃક્ષો આપણાંથી નજીક હશે. જેટલા વરસ જીવીએ એટલા વૃક્ષો આ પૃથ્વીને આપીને જઈએ.
વૃક્ષો પ્રદુષિત રજકણોને ઓછા કરી ઓક્સીજન આપશે. ત્યાર બાદ પ્રાણાયામ કરી અને ઓક્સીજન શરીરમાં લઇ અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારીએ. વધારે ઓક્સીજન માત્ર શરીર જ નહિ પણ મનના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો સારા વિચારો હશે તો એક સ્વસ્થ સમાજ પણ મળી શકશે. એકંદરે સ્વસ્થ તન અને મનના આધારે સારા નિર્ણયો પણ લઇ શકાશે. આત્મવિશ્વાસ વધશે અને સફળતાનો માર્ગ દેખાશે. એક સંકલ્પ અને એનું યોગ્ય પાલન એ નવી ઉર્જાનો સંચાર કરી શકશે.
આજનો સંકલ છે, નવા વૃક્ષો વાવીએ, પ્રદુષણ ઓછુ કરીએ અને પ્રાણાયામ કરીએ. આ પણ શક્તિની આરાધના જ છે. અને હા, ધ્યાન પણ કરી શકાય. માં દુર્ગાની આરાધના એ પણ એક પ્રકારની ધ્યાનની પ્રક્રિયા જ છે.
મયંક રાવલ