નવરાત્રિ આવે અને ગુજરાતીઓના પગ થનગનાટ ન કરે એવું બને? ગુજરાતીઓ એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતીઓ. ગરબાના પાક્કા રસિયા એવા ગુજરાતીઓની કળા એવી કે તાલ કોઈપણ હોય તેને તાળી વગાડી, પગના ઠેકે ગરબાની રમઝટમાં ફેરવી દે. કેટલાકની તો સંગીત સાથે સમન્વયની ફરવાની સ્ફૂર્તિ જ આપણને ઝૂમતા કરી મૂકે. ગુજરાતીઓ ધરતીના કોઇપણ ખૂણે હોય, નવરાત્રિમાં એમની આ ધગશ ધમધમે છે. સમય પ્રમાણે ગરબે ફરવાના ઉમંગને વિવિધ ગતિ મળી–ત્રણ તાળી, બે તાળી, દોઢિયું, અઢિયું, પોપટિયું, ટીંટોડો, હીંચ, ડાકલા, હુડો, ઘુમ્મર અને સનેડો. હવે તો અગણિત પગરવ શીખવે તેવા ગરબા ગુરુઓ પણ હાજર છે.
આ ઉત્સાહને વેગ ત્યારે મળે જ્યારે નવરાત્રિમાં ધરતી પર આદ્યશક્તિ માઁ નું અવતરણ થાય. માઁ ના પૂજન, અર્ચનનો ભવ્ય રત્નદીપ ભારતમાં દર વર્ષે ચાર વખત પ્રગટાવાય છે – વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિ છે.
એમાં પણ આસો માસની શારદીય નવરાત્રિ અને ચૈત્ર માસની ચૈત્રી નવરાત્રિની ઉજવણી દૈવી ભક્તિ માટે ખાસ મનાય છે. શ્રી જગદંબાની આરાધનાના ઓરતાં સદીઓ જૂની પ્રથા છે. દીપક પ્રગટાવેલી છિદ્ર વળી માટલી– ગર્ભદીપ (મૂળ સંસ્કૃત શબ્દ)ને મધ્યમાં રાખીને તેના ફરતે તાળી વગાડીને શક્તિ સ્વરૂપ આશાપુરા, મહાકાળી, જગદંબા, બહુચર દેવીઓનું સ્મરણ કરીને ગવાય તે ગરબો.
“ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે, તેણી રમિ ભવાની રાસ ગાઉં ગુણ ગરબી રે…”
ઈ.સ. 1721માં ભાણદાસજીએ રચેલી આ ગરબીથી ગુજરાતમાં માઁ ભવાનીના ગુણગાન ગાવાની શરૂઆત થઇ એવું મનાય છે. તે પછી અનેક કવિઓએ માઁ જગદંબાની સુંદર સ્તુતિઓ, ગરબી ગરબા, લોકગીતો રચ્યા, જેમાંના ઘણા આજે પણ ગવાય છે, જ્યારે ઘણા વિસરાઈ ગયા છે.
અચ્છા, ગરબાની વાત આવે એટલે આપણને મોટા ખુલ્લા મેદાનમાં કે શરીઓમાં મોટા ગોળ સર્કલમાં ફરીને ગરબે રમતા ખેલૈયાઓનું જ દ્રશ્ય આપણી સામે આવે, બરાબર ને?
પણ આપણે ત્યાં બેઠાં ગરબાની પણ એક ભવ્ય પરંપરા છે એ ખ્યાલ છે?
આદ્યશક્તિ કુળદેવીરૂપે સર્વત્ર પૂજાય છે, પણ બેઠા ગરબા દ્વારા જગદંબાની ભક્તિ ગાવાની પ્રણાલીની શરૂઆત નાગર જ્ઞાતિના કુટુંબોથી થઈ હતી. અને આજે પણ મોટાં ભાગે બેઠા ગરબા નાગર પરિવારોમાંજ થાય છે. આ લેખિકાને ઘરે પણ છેલ્લા ૨૮ વર્ષ થી માઁ ના બેઠા ગરબા ગુંજતા આવ્યા છે.
જગતજનની જગદંબાનું સ્થાપન કરીને, નવદુર્ગાનું સ્મરણ કરીને, ગણપતિ વંદનાથી શરૂઆત કરીને જ્યારે સખીવૃંદ દ્વારા સુરીલા કંઠે, શુદ્ધ ઉચારે, સ-વિનય માં ના ગરબા ગવાય ત્યારે ત્યાં ભોળા ભવાની સોળ સ્વરૂપે ઉતરી આવ્યા હોય તેવી ભાવના અચૂક થાય છે. આદ્યશક્તિના ગરબા ભાવપૂર્ણ હોવાની સાથે સાથે તાલબદ્ધ, સૂરબદ્ધ અને લયબદ્ધ ગવાય છે. મુખ્યત્વે રાગમાં દેશ, કાફી, બાગેશ્રી, ઝીંઝોટી, કાલીંગડા, માંડ, ખમાજ અને ગારાની છાયા હોય છે અને તાલ લોકસંગીતમાં ગાવા માટે રચાયેલા છે જેમ કે દાદરા, એકતાલ, કેહેરવા અને દીપચંદી. ગરબા શાસ્ત્રીય પદ્ધતીમાં હોય કે લોક શૈલીમાં, સમૂહગાન ભક્તિના ઉમળકાને અનેરો બનાવી દે છે. આમ તો બેઠા ગરબામાં શબ્દ, સૂર, કંઠની હલક ને તાળીઓના તાલ ગરબા ગજવી મુકે છે, પણ મોટાં પાયા પર હોય, તો ગરબાની રણકને શોભાવવા ઢોલક, હાર્મોનિયમ, મંજીરા, ખંજરીની સંગત હોય છે.
ત્રિભુવનની મહારાણી જગદંબાનું અપાર તેજ અને પરચાનું વર્ણન ના કરી શકાય એટલે એમને મહામાયા કહ્યા છે. માઁ એ નવ દિવસ સુધી દેવી દુર્ગા સ્વરૂપે મહિષાસુર સહિત અનેક આસુરી શક્તિઓ પર આક્રમણ કરીને દસમા દિવસે સંહાર કર્યો તેથી તેઓ મહિષાસુરમર્દિની કેહવાયા. આ દુર્ગા સપ્તશતી જે માર્કંડેય પુરાણનો એક ભાગ છે તેમાં લખેલું છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત દેવો તેમજ ઋષિમુનીઓ જેમના ગુણ ગાય છે, તે માઁ ભવાનીની અપાર શક્તિ, અનંત રૂપ અને સહસ્ત્ર ગુણોની ગાથા ગુજરાતના ઉચ્ચ કોટીના કવિઓના ગરબામા વણાયેલી છે.
કવિ વલ્લભ ભટ્ટ રચિત “રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે, આદિત્યે આવિયા અલબેલી, મંડપમાં મતવાલા રે ભમે”, અવિનાશ વ્યાસ લિખિત “માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો”, કવિ કલાપી રચિત “એચિતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત હું શા શા કરું, ભીની મારી આંખડીને ભીની હ્રિદય પાંખડી અશ્રુ અભિષેકની ધારા કરું” તેમજ “માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ માં રે” અને “ખમ્મા રે ખમ્મા મારી માવલડીને ઝગમગ ગરબાનો ઘાટ, માડીને માથે ચંદરવો”, “રક્ષા કરો જગદંબા ભાવાની, નીસદિન રટું હું તો અંબા અંબા અંબા” જેવા ગરબા સૌન ભક્તોને માઁ ના પ્રેમભાવમાં તરબોળ કરી દે છે.
આમ તો ગુજરાતીઓ જ્યાં રહેતા હોય એવો દુનિયામા કોઈ એવો ખૂણો નહીં હોય, જ્યાં ગરબાનું આયોજન ના હોય, પણ આજે આપણે વાત કરીએ સિંગાપોરમાં રહેતા ગુજરાતીઓ અને એમના દ્વારા યોજાતા બેઠા ગરબાની પરંપરાની.
બેઠા ગરબાનું આયોજન કરવામાં સિંગાપોર ગુજરાતી સમાજ મોખરે આવે. 2022માં આ જ્યારે પહલી વાર સમાજના બધા ગુજરાતીઓ માટે આયોજિત થયું ત્યારે ઘણાને બેઠા ગરબા વિષે પહલી વાર ખબર પડી. રિયાજ કરીને સુંદર સુમેળથી ગાયક વૃંદે ક્યારેક એક ઉપાડે અને બીજા ઝીલે અને સાથે પ્રેક્ષકો પણ ઝીલી શકે એમ ગરબાના શબ્દો બધાને મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી.
હવે જાણીએ સિંગાપોરમાં વસતા ગુજરાતીઓ આ બેઠા ગરબા વિશે શું કહે છે:
સિંગાપુર ગુજરાતી સમાજના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બીરેન દેસાઇએ કહ્યું, “હું છેલ્લા ૩૨ વર્ષ થી ગુજરાતી સમાજ સાથે અનેક સ્તરે જોડાયલો છે ને મે જોયું છે કે સમાજના લોકોને એક સાથે લાવવા અલગ અલગ ગોઠવણી કરવી પડે છે. પણ જ્યારે હ્રદયના ઉત્સાહ થી કૈંક ગોઠવાય તો લોકો પણ તેમાં આનંદથી ભાગ લે છે ને વધુ નિકટ આવે છે જેમ અમારે ત્યાં છેલ્લા ૬૫ વર્ષ થી નવરાત્રિમાં બને છે તેમ. 200 લોકો થી શરૂઆત થઈ હતી ને હવે 2000 ને સમાવવા હોલ નાનો પડે છે. થોડા વર્ષ પેહલા સમાજના સભ્ય પારૂલબેનના પ્રસ્તાવથી ગયા વર્ષે પહેલીવાર બેઠા ગરબાનું આયોજન કર્યું. અમે 350 લોકો માટેની આશા રાખેલી અને કોઈ ફી નહોતી રાખી પણ, લગભગ 420 લોકો આવ્યા. આ વર્ષે અમે સાધારણ રકમ રાખી અને પહેલા 2 અઠવાડિયામાં 450 ટિકિટ લેવાઈ ગઈ. હવે લાગે છે કે આ આંકડો 500 સુધી પહોંચી જશે. અમે માણીએ છીએ કે સમાજને જે પ્રમાણે ભાથું પીરસીશું તે પ્રમાણે ભાવ બંધાશે તો બેઠા ગરબા તે તરફ એક સુંદર પ્રયાસ છે. માઁ ની દિવ્ય ભક્તિમાં સામૂહિક વહી જવાનો કોઈ પણ ઔપચારિકતા વગરનો ભાવ છે. ગાયકો સમાજના જ સભ્યો છે જેમણે ઉમંગથી 3-4 મહિના પ્રેક્ટિસ કરીને સમાજને માઁ ના ગરબા ઝીલાવવાની જવાબદારી લીધી છે.”
મોના વસંતલાલ કહે છેઃ
માઁ ભગવતી દુર્ગાની નવ દિવસ ઉપાસના અને આરાધનાનો તહેવાર નવરાત્રિની યાદીમાં પ્રખર મારા દાદીમા સવિતામા દર વર્ષે મારી મમ્મી અને મારા કાકી કોરેલી માટલીમાં દીપ પ્રગટાવતા. નવ દિવસ સુધી દરરોજ અમારા ઘરના ફળિયાની મધ્યે, માતાના છંદ, સ્તુતિ, ગરબા ગાવા સૌ ભેળા મળતાં.
પાંચ વર્ષની હતી ત્યારથી સૌ પ્રથમ ગરબો હું ગાતી “ અંબા આવો તો રમીએ, મા મને રમતા નહીં આવડે, મા મને રમીને …”. આમ શરૂ કરી કેટલાયે ગરબા ગાતાં. લગ્ન પછી હું સિંગાપોર આવી. અહીં દર વર્ષે સિંગાપોર ગુજરાતી સમાજમાં નવરાત્રિનું આયોજન થાય છે.
ગાયક વૃંદમાં બેસી જગજનની માતા જગદંબાના ગરબા ગાવાનો એ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બેલાબેન નાનસીના નેતૃત્વ હેઠળ ગુજરાતી સમાજમાં સૂર-તાલબધ્ધ બેઠા ગરબાનું આયોજન થયું અને ઓડિયન્સમા બેઠેલા તમામ લોકોએ તાળીઓથી ગરબા વધાવ્યા. માઁ ની પ્રચંડ શક્તિનો એક ઔલોકિક અનુભવ થયો. માતાની સ્તુતિ, કુળદેવીનો ગરબો, માતાના ભક્તિભાવથી ભરેલા ધીમી લયના, મધ્યમ લયના અને ચલતીમા ગરબા, થાળ, આરતી ગાવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો. બેઠા ગરબામાં શ્રોતાવર્ગ અને પ્રૌઢ તથા મોટી ઉંમરના શ્રોતાઓ પણ સહભાગી થઈ શકે છે. આ બદલાતા આધુનિક દોરમાં આપણી સંસ્કૃતિ, બેઠાં ગરબાની પરંપરા સિંગાપોરમાં જળવાઈ રહી છે. સિંગાપોર ગુજરાતી સમાજ દ્વારા બેઠા ગરબાનું આયોજન આ વર્ષે પણ થયું છે ને માઁ ની કૃપા થકી દર વર્ષે થશે.
મિહિર સેલરકા કહે છેઃ
પાંચ ઉપાષય દેવોમાં માતાજીની ગણના વિશિષ્ટ રીતે થાય છે. બેઠા ગરબા એક ઉજળી પરંપરા છે જ્યાં માઇ ભક્તો એક તાંતણે બંધાય છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે “ઉત્સવ પ્રિય: ખલુ મનુષ્યા” – તેમ ગુજરાત-ભારતની બહાર પણ આ ઉત્સવ ખૂબજ ઉમંગ થી આજે પણ ઉજવાય છે. એનું એક કારણ એ પણ છે કે જગદંબા એ સમસ્ત જન-સમુદાયને જોડનારી મહા-શક્તિ છે અને એટલેજ વિભિન્ન ધર્મોમાં તેનો મહિમા ખૂબ ગવાયો છે.
ગુજરાતની ઉમદા સંસ્કૃતિના ધરોહર સમી બેઠા ગરબાની પ્રણાલીમાં ભાગ લઈ ભક્તિ દ્વારા અંબે મા ના પ્રાકૃત ગુણો સ્વમાં પ્રગટે એનો ગર્વ છે!
સ્નેહલ નાગર કહે છેઃ
માઁ ના પ્રેમમાં તરબતર થઇ સમગ્ર ગરબા મંડળના સ્વરે આનંદ અને ભક્તિનો અનુભવ એટલે “બેઠા ગરબા”. દર વર્ષે ભાદરવા માસમાં – બાંસવાડા થી અંબાજી – સતત દસ દિવસો સુધી સૌ ચાલતા જઈને અંબાજીના શક્તિપીઠ પર જગત જનની માઁ અંબાના જય ઘોષ સાથે પ્રેમ અને ભાવ થી માઁ ને મળવાનો આનંદ નાદ એટલે “બેઠા ગરબા”.
નાગરોનો વારસો અને ઓળખ, એવા આ બેઠા ગરબાનો મેં આ બંને સ્વરૂપોમાં બાળપણ થી અનુભવ કર્યો છે. અમે દર શુભ પ્રસંગે અમારા ગરબા મંડળ અને પરિવારજનો સાથે માતાજીનું પ્રેમ પૂર્વક આહ્વાન કરતા અને ગરબા સ્વરૂપે પોતાની લાગણીયોને માતાજીની સમક્ષ રજુ કરીને એક અલગ આનંદ અનુભવતા.
મારું સૌભાગ્ય છે કે મારી માઁ સાથેની યાદો, સિંગાપોર ગુજરાતી સમાજ દ્વારા આયોજિત બેઠા ગરબા થકી જાગ્રત રહી છે.
(પારુલ ત્રિવેદી-શાહ, સિંગાપોર)
સિંગાપોરના ગુજરાતીઓ કઇ રીતે માણે છે બેઠાં ગરબા એની વિડીયો ઝલક માટે કરો ક્લિકઃ