સ્પેશિયલ અવોર્ડ IRONMAN OF INDIAN FOUNDRY INDUSTRY થી વિભૂષિત, આધુનિક ફાઉન્ડ્રી જગતના પિતામહ ગણાતા, જર્મનીની વિશ્વ વિખ્યાત (Aachen) આખન યુનિવર્સીટીના પી.એચ.ડી. એવા શ્રી પ્રવીણ ભગવતીની વાત સાંભળીએ તેમને પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ અને બાળપણ મુંબઈમાં. સાત ભાઈઓ અને એક બહેનનું બહોળું અને ખમતીધર કુટુંબ. માતા સરસ્વતીબેન કડક શિસ્ત-પાલનનાં આગ્રહી. બાળકોના ઉછેરમાં એમનો સિંહ ફાળો. “અભ્યાસમાં પ્રથમ રહેવું” એવો માતાનો વણલખ્યો નિયમ! પિતા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજ, મુંબઈ યુનિવર્સીટીના કુલપતિ તથા સંસ્કૃતના નિષ્ણાંત. મોટાભાઈ ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતી ગરીબોને કાયદાકીય મદદ મળે તેવી સગવડના પ્રખર હિમાયતી. મેટલર્જી વિષયમાં ગ્રેજ્યુએશન કર્યા પછી વડીલ શ્રી પ્રાણલાલ પટેલની સલાહ મુજબ મેટલર્જી અને ફાઉન્ડ્રીના વિષયોમાં આગળ ભણવા પ્રવીણભાઈ જર્મની ગયા. જરૂરી અભ્યાસ અને અનુભવ લીધા પછી ભારત પરત આવ્યા. પોતાની ફાઉન્ડ્રી શરુ કરી અને પોતાની આગવી ઓળખ ઊભી કરી. તેમણે ક્યારેય પોતાના કુટુંબના મોભાનો કે મિલકતનો અંગત સુખ માટે ઉપયોગ કર્યો નથી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
હું નિવૃત્તિમાં માનતો નથી અને એથી હું નિવૃત્ત થયો નથી! શારીરિક અને માનસિક નિવૃત્તિ રોગોને આમંત્રણ આપે છે! આ ઉંમરે પણ હું ફેક્ટરીના કામકાજમાં પરોવાયેલો રહું છું.
શોખના વિષયો :
મોટી ઉંમરે પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ગણપતિ અને દેવ-દેવીઓનાં લગભગ ૩૫૦ ચિત્રો કર્યાં બાદ છેલ્લાં છ-સાત વર્ષથી મોડર્ન-આર્ટમાં રસ વધ્યો છે. પ્રખ્યાત કલાકાર (MIRO) મીરો તથા અન્ય કલાકારોનાં ચિત્રો ઉપરથી ચિત્રો બનાવું છું. ટ્રાવેલિંગ અથવા પ્રવાસનો પણ શોખ છે. અત્યાર સુધી 62 દેશોમાં ફર્યો છું. કામ માટે તથા નિજાનંદ માટે પ્રવાસ કરું છું. CII તથા વર્લ્ડ ફાઉન્ડ્રી ઓર્ગેનાઈઝેશનના મેમ્બર તરીકે અને પોતાની રીતે ઘણું ફર્યાં છીએ. માતાની સલાહ હતી કે વર્ષમાં એકવાર તો ભાઈઓ સાથે પ્રવાસ કરવો જ, એટલે અત્યારે પણ અમે ભાઈઓ સાથે પ્રવાસ કરીએ છીએ. ત્રીજો શોખ છે ટ્રેનિંગ આપવાનો. યુવાનોને ટેકનિકલ એજ્યુકેશન અને સ્કીલ ટ્રેનિંગ આપવાનો શોખ છે, એ માટે મારો ઘણો બધો સમય હું ફાળવું છું.
યાદગાર પ્રસંગો :
જર્મનીમાં, ૧૯૬૨માં, મારા પી.એચ.ડી.નું કોન્વોકેશન એ મારી જિંદગીનો યાદગાર પ્રસંગ. બીજો યાદગાર પ્રસંગ એટલે ૧૯૭૦માં મારી કંપનીની સ્થાપના. મોટું, જાણીતું અને પૈસાવાળું કુટુંબ છતાં ક્યારેય કુટુંબના નામ કે પૈસાનો ઉપયોગ કર્યો નથી. પોતાની કંપની શરૂ કરવા અમારું ઘર મોર્ગેજ કર્યું હતું. મારા પત્ની મંદાકિનીનો અને બંને દીકરીઓનો ખૂબ ખૂબ સપોર્ટ હતો. જો આ કંપની સરખી ચાલી ન હોત તો અમે રસ્તા પર આવી ગયા હોત! પણ ઘરનાં લોકોનો સપોર્ટ છે એટલે કંપની બહુ જ સરસ ચાલે છે. ૭૦ વર્ષની ઉંમરે વર્લ્ડ ફાઉન્ડ્રી ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ તરીકે મારી નિમણુંક પણ મારા માટે યાદગાર પ્રસંગ છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરું છું. લેટેસ્ટ world-class ટેકનોલોજી વાપરીયે છીએ એટલે એના ફાયદા તો હોય જ. પોતાના લેવલ પ્રમાણે બધાંએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. નવી ટેકનોલોજીનાં ભયસ્થાન હોય જ નહીં, એ તો મેન્ટલ creation છે, ટેકનોલોજી કોઈ દિવસ નેગેટિવ હોય શકે નહીં.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
કોઈપણ જાતની બીમારી નથી. આંખોનું થોડું ધ્યાન રાખવું પડે છે. તબિયતની જાળવણી માટે યોગ, મેડીટેશન, ડાયટ અને ડિસિપ્લિન એ ચાર અગત્યની વસ્તુઓ છે. શરીરની ઉંમરને અને એક્ટિવિટીને કોઈ સંબંધ નથી. વળી માનસિક સ્વસ્થતા માટે જૂના સંબંધો જાળવી રાખવા જોઈએ. સંબંધોને કેળવવાનું અને જાળવવાનું તમારા હાથમાં છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
હા, નિરમા યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી સાથે સંકળાયેલો છું એટલે યુવાનો સાથે પણ સંકળાયેલો છું. વળી યુવાનોને ટેકનિકલ એજ્યુકેશન અને સ્કીલ ટ્રેનિંગ આપવાનો શોખ છે, એ માટે મારો ઘણો સમય હું ફાળવું છું. ભારત દેશ બદલાઈ રહ્યો છે, બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, આત્મનિર્ભર બની રહ્યો છે. જે યુવાનો પરદેશ ભણવા જાય છે તેઓ જો અભ્યાસ અને અનુભવ લીધા પછી પાછા ભારત આવશે તો દેશની સિકલ ઝડપથી બદલાઈ જશે!
સંદેશ :
યુવાનોને સંદેશ કે પૈસા પાછળ પડશો નહીં. તમે પેશન (જુસ્સો) અને ડેડિકેશનથી (સમર્પણ) પોતાનું કામ કરશો તો પૈસા તમને સામેથી આવીને મળશે!