નોટઆઉટ@85: નારણભાઈ પટેલ

આખી રાતના મુશળધાર વરસાદ પછી વડોદરાના રાજમાર્ગ પર એક મોટો ખાડો (ભુવો) કોતરાઈ ગયો. લોકો દોડીને એકઠા થઈ ગયા. એક યુવાને ટીખળ કરવા બૂમ પાડી “મેયરને બોલાવો!” સૌના આશ્ચર્ય વચ્ચે મેયરે ભુવાની અંદરથી હોંકારો કર્યો! વહેલી સવારે સમાચાર મળતા તેઓ દોડીને ત્યાં પહોંચી ગયા હતા અને બખોલમાં ઊતરી જરૂરી તપાસ કરી રહ્યા હતા! વાત છે સંસ્કારનગરી વડોદરાના પૂર્વ-મેયર શ્રી નારણભાઇ પટેલની. તેમના જીવનની રસપ્રદ વાતો સાંભળીએ તેમની પાસેથી.

તેમની સાથેની વાતચીતનો એક્સ-રે :

મહેસાણામાં જન્મ. કુટુંબ ખેતીવાડીમાં વ્યસ્ત, પણ પિતાએ મીઠાઈ અને ફરસાણની દુકાન કરી. શાળાએથી આવી તેઓ આખો દિવસ દુકાને બેસી મદદ કરે અને ભણે.ખેતી પણ કરે. ગાયકવાડ સરકારમાં મોરલ બિલ્ડીંગ થયેલું. પ્રભાતફેરી કરેલી. શાળામાં અખાડા-વ્યાયામ અને રમતોમાં શરીર કસેલું. ૧૯૫૪માં સેન્ટરમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે મેટ્રિક પાસ થયા. મિત્રો સાથે વડોદરા ભણવા ગયા. પિતરાઈ ગંગારામભાઈને ઘેર રહી ભણ્યા. બીઈ મિકેનિકલ ફર્સ્ટ-ક્લાસમાં પાસ કર્યું. કેમ્પસમાંથી જ એલેમ્બિકમાં નોકરી મળી. નોકરી કરતા કરતા ઘણું ભણ્યા. એમઈ સિવિલ કર્યું, ઇન્ટરનેશનલ ફેરમાં બે વાર જર્મની જઈ આવ્યા, IIM-કલકત્તામાં એક્ઝિક્યુટીવ પ્રોગ્રામ કર્યો. ઈજનેરી આવડત ઘણી ઊંચી કક્ષાની. કંપનીમાં USAથી એક મોટું મશીન મગાવેલું. તેમણે નવું-ને-નવું મશીન ખોલી નાખ્યું! અને એવાને એવા બે નવા મશીનો બનાવ્યાં! મોટાભાગની નોકરી તેમણે CEO / Vice President જેવા ઊંચા હોદ્દા પર એલેમ્બિક ગ્રુપમાં જ કરી, પણ થોડો વખત એન્ટરપ્રિન્યોર બની  એક ગ્લાસ ફેક્ટરી ઊભી કરી અને એમ.એસ. કોપરેટીવ બેંક પણ સ્થાપી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :   શાળાના સમયથી જ શાખામાં પ્રવૃત્ત હતો. ૧૯૬૬થી જનસંઘમાં ગામડે ગામડે ફરેલો. RSSના કાર્યક્રમોને લીધે નરેન્દ્રભાઈની નજરમાં હતો એટલે 1995ની ચૂંટણી વખતે સક્રિય રાજકારણમાં જોડાયો.  ચેરમેન-ટાઉન પ્લાનિંગ કમિટી, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી, વડોદરાના મેયર, ચેરમેન-સરદાર સરોવર નર્મદા નિગમ, ચેરમેન-વુડા, Vice President-ગુજરાત પ્રદેશ ભાજપ, ઘણી કો-ઓપરેટીવ બેન્કોના ચેરમેન…… જેવી અનેક પોઝિશનમાં કાર્યભાર સંભાળ્યો. રેગ્યુલર નોકરીમાં હતો તેના કરતા અત્યારે વધુ વ્યસ્ત છું!

શોખના વિષયો :

વાંચન, ફરવાનું અને  દેશ-વિદેશમાં મ્યુઝિયમો જોવાનું ગમે.  યુરોપ, અમેરિકા અને એશિયાના ઘણાં દેશોમાં ફર્યો છું. ગુજરાતના જંગલોમાં પણ ઘણું ફર્યો છું. બર્ડ-વોચિંગ અને વાઈલ્ડ-લાઈફનો ઘણો શોખ છે. સુડોકુ, ચેસ અને બીજી બુદ્ધિની રમતો રમવી ગમે છે. ક્રિકેટ મેચ જોવી ગમે છે. ડિસ્કવરી-ચેનલ, નેશનલ-જીયોગ્રાફી અને ન્યૂઝ-ચેનલ જોઉં છું.

યાદગાર પ્રસંગ :

બાળપણમાં મહેસાણાના સ્મશાનમાં ભૂત શોધવા જતા અને રાજમહેલમાં જીન સાથે લડવા જતા! પણ ભૂત કે જીન કોઈ ક્યારેય મળ્યું નહીં! તેમને  ઈંડાની એલર્જી. વેનીસની ટુરમાં વેજ-બર્ગરમાં ઈંડા નાખેલા હતા. ખ્યાલ આવતા ડોકટર પાસે દોડી જઈ ડોકટરને દર્દ અને દવા બંને જણાવેલાં તો ડૉક્ટરને પણ બહુ નવાઈ લાગી હતી!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?

હું બહુ એક્ટિવ લાઈફ જીવી રહ્યો છું. કોઈ જાતનું જંક-ફૂડ લેતો નથી. માન-અપમાનમાં ક્યારેય પડ્યો જ નથી. કોઈ અપમાન કરે તો બદલો લેવાને બદલે કોઈ રીએક્શન આપતો નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો ?

હા, અમે ચાર પેઢી સાથે રહીએ છીએ.  ઘરની મહિલાઓ પુરુષ-સમોવડી  છે. બધી પ્રોપર્ટીમાં મહિલાઓનાં નામ છે. વડીલોની પ્રોપર્ટીમાં પણ. મારા પત્ની કુસુમબેન ઓછું ભણેલાં, પણ હોશિયાર! મેં તેમને ચેસ રમતા શીખવાડ્યું અને તેઓ ઓલ-વડોદરા-ચેમ્પિયન થયાં! લેડીઝ ક્લબમાં જનરલ નોલેજના બધા ઇનામો તેઓ જીતી લાવતાં!

શું ફેર પડ્યો “ત્યાર”માં અને  અત્યાર”માં?

ગામડામાં કાયમ મારામારી, વેરઝેર અને સંકુચિતતા જોઈ હતી. પહેલેથી નક્કી કર્યું હતું કે મારું કુટુંબ જુદું પડવું જોઈએ. મને એજ્યુકેશનનું મહત્વ સમજાયું. જે મને ન મળ્યું તે મારા બાળકોને મળવું જોઈએ તેવો ધ્યેય રાખ્યો. પુત્રો/પૌત્રોને તો ભણાવ્યા, વહુઓને પણ પગભર કરી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? 

નવી ટેકનોલોજી સાથે સંકળાયેલો છું!  સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છું. નરેન્દ્રભાઈની  કારોબારીની ટીમમાં હોવાને લીધે ડિજીટાઇઝેશનથી સંકળાયેલો છું. ટેકનોલોજીના મને તો ફાયદા જ દેખાય છે, પણ બાળકોએ પોતાનો સમય એમાં બગાડવો જોઈએ નહીં.

સંદેશો:

હું તો નસીબદાર છું કે મારી ઝીણામાં ઝીણી  જરૂરિયાતો પૂરી થાય છે. બાળકોએ યાદ રાખવું જોઈએ કે  જે સંસ્કાર અને પૈસા આપણી પાસે છે એ બધાં મા-બાપનાં જ આપેલાં છે, એટલે મા-બાપને ભૂલશો નહીં.