નોટ આઉટ @ 82 : કિરણભાઈ ઓઝા

સાતેય ખંડના 215 દેશોમાં મુસાફરી કરનાર, ટ્રાવેલર્સ સેન્ચ્યુરી કલબના સભ્ય, ભાવનગરના વિશ્વ-પ્રવાસી કિરણભાઈ ઓઝાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

કિરણભાઈનો જન્મ સંસ્કાર-નગરી ભાવનગરમાં. શાળાનું અને કોલેજનું શિક્ષણ ભાવનગરમાં. નાનું કુટુંબ. પિતા ફાર્મા-કંપનીમાં નોકરી કરતા. બીએસસી કર્યા પછી કિરણભાઈએ બે-ત્રણ મહિના શિક્ષક તરીકે નોકરી કરી. બીજી ગવર્મેન્ટ-જોબ મળી, પણ ફાવ્યું નહીં. તેમણે પણ ફાર્મા-કંપનીમાં નોકરી સ્વીકારી. 35 વર્ષ એક જ કંપનીમાં નોકરી કરી! હરવા-ફરવા માટે પાંચ વર્ષ વહેલા રિટાયર થયા! મિત્રએ ભેટ આપેલ પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ (રસિક ઝવેરી) વાંચ્યા પછી તેઓ વિદેશ ગયા. તેમને પહેલી મુસાફરીથી ખ્યાલ આવી ગયો કે એકલા ફરવામાં કોઈ તકલીફ નથી. ગમે ત્યાં વધારે રહી જવાય, ન ગમે ત્યાંથી તરત નીકળી જવાય. તેમની મુસાફરીનો સિદ્ધાંત ‘ખરીદી નહીં અને બધે ચાલતા અથવા પબ્લિક-ટ્રાન્સપોર્ટેશનમાં જવું.’ 100થી વધુ દેશોમાં, સાથે ઉત્તર કે દક્ષિણ-ધ્રુવની મુલાકાત લેનાર પ્રવાસીઓને મળતું “ટ્રાવેલર્સ સેન્ચ્યુરી કલબ”નું માનદ સભ્ય-પદ તેમને મળ્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ભાવનગર હોય ત્યારે સવારે સાડા-પાંચે ઊઠે. ચા-પાણી કરી છાપુ વાંચે. ઘરના બગીચામાં બે-ત્રણ કલાક કામ કરે. માર્કેટનું / બેંકનું કામ હોય તો કરી આવે. પછી જમીને ઘરે આરામ કરે. રોટરી-ક્લબમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સગાં-સંબંધીઓ, મિત્રો ભાવનગરમાં નજીકમાં જ રહે છે, જેથી સાંજે બધાને મળવા-કરવામાં અને સામાજિક કામકાજમાં સમય જતો રહે છે.

શોખના વિષયો : 

ફરવાનો શોખ ઘણો. સાથે સાથે ફોટોગ્રાફીનો શોખ પણ ખરો. બાગ-કામ કરવાનું બહુ ગમે. સામાજિક-પ્રવૃત્તિમાં ઘણી રુચિ. લખવાનું ગમે, ચિત્રલેખા માટે ઘણા આર્ટીકલ લખેલા છે. સાથે-સાથે વાંચવાનું પણ બહુ ગમે. દિવસ આખો પ્રવૃત્તિમય રહે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સરસ છે! હાથ-પગ-ઘૂંટણની કોઈ તકલીફ નથી. 215 દેશોમાં જાતે જ ફર્યા છે. 150 દેશોમાં તો પત્ની (નલિની બહેન) પણ સાથે હતાં. બધે ચાલીને જ ફરવાનું. ચેર્નોબિલ, યુક્રેન (1985 બ્લાસ્ટ) જોવા 16 km ચાલીને ગયા હતા! આજની તારીખે પણ પાંચ કિલોમીટર સહેલાઈથી ચાલી શકે છે.

યાદગાર પ્રસંગ:  

ઓકલેન્ડમાં મિત્ર સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં મિત્રના ભત્રીજાને મળવા રોકાયા. 50,000ની વસ્તીવાળું નાનું ગામ. મિત્રનો ભત્રીજો 20-21 વર્ષનો પરણેલો યુવાન, પત્ની પણ 19-20 વર્ષની. બંને ભણે, થોડું કામ કરે અને નાના ઘરમાં રહે. ઘરમાં નવ-દસ વર્ષનો મંદ-બુદ્ધિનો દીકરો. સાચવવો મુશ્કેલ હોય એવું લાગે. કિરણભાઈને નવાઈ લાગી: આ કોણ હશે? પહેલાં તો ભત્રીજાએ જવાબ આપ્યો નહીં પણ પછી ધીમેધીમે વાત કરી કે આ દીકરો એના મા-બાપ સાથે નજીકમાં રહે છે. એનાં મા-બાપ રોજ સાચવે પણ શનિ-રવિ કામ હોય, ખરીદી કરવાની હોય એટલે બાળકનું ધ્યાન રખાય નહીં. આ યુવાન યુગલ શુક્રવારે સાંજે તેને લઈ આવે. શનિ-રવિ પોતાની સાથે રાખે. સોમવારે સવારે તેને પાછો તેનાં મા-બાપને ઘેર મૂકી આવે! કિરણભાઈને બહુ આશ્ચર્ય થયું: તમે યુવાન છો, હરવા-ફરવાનો શોખ હોય એને બદલે આ કામ? એમણે જવાબ આપ્યો: આ બાળકનાં મા-બાપની  શનિ-રવિની તકલીફ દૂર થાય છે, એમને અનુકૂળતા રહે છે. એમનાં મોઢાં ઉપર જે આનંદ ઊભરાય છે તે જોઈને અમને આ કામ કરવાનું ગમે છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

આટલું બધું ફરવું હોય એટલે ટેકનોલોજી તો વાપરવી જ પડે! લેપટોપ ઘણાં વર્ષોથી વાપરે છે. ઇન્ટરનેટ આવ્યા પછી અનુકૂળતા વધી છે. બધા દેશોના વિઝા-ટિકિટો કોઇપણ એજન્ટની મદદ વગર જાતે ઇન્ટરનેટની મદદથી કરાવે છે. કામ પૂરતી ટેકનોલોજી વાપરી લે, વધારે ઊંડા ઊતરતા નથી. ટેકનોલોજી ઉયોગી વસ્તુ છે, આખી દુનિયામાં ઘેર બેઠાં-બેઠાં સંબંધો સાચવી શકાય છે. પરદેશમાં એટીએમના ઉપયોગથી પૈસાની તકલીફ રહેતી નથી. ઇમેલ, whatsapp, વિડીયો-કોલની મદદથી ઘણું બધું સરળ થઈ ગયું છે. ફ્રોડનો થોડોક ગેરફાયદો/ડર છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

શિક્ષણનું સ્તર ઘણું નીચે આવી ગયું છે. પરીક્ષામાં પાસ થતા યુવાનો પાસે જ્ઞાન-નોલેજ નથી. દેશ-પરદેશમાં ફરીએ ત્યારે લાગે કે આપણું શિક્ષણ-સ્તર ઘણું નીચું છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

રોટરી-ક્લબ, ઇન્ડો-ફ્રેન્ચ ક્લબ અને બીજી સંસ્થાઓને કારણે યુવાનો સાથે સક્રિય છે. આજના યુવાનો શોર્ટકટ બહુ અપનાવે છે. તેમની પાસે જાતજાતનાં સર્ટિફિકેટ હોય પણ નોલેજ હોય નહીં, એનું દુઃખ છે.

સંદેશો :  

સમાજમાં, સંસ્થાઓમાં, બિન-જવાબદારીપણું ઘણું છે. માણસો પોતાની જવાબદારી સ્વીકારવા અને નિભાવવા બિલકુલ તૈયાર નથી. માણસોએ જવાબદારી સ્વીકારી અદા કરવી જોઈએ.