ગુજરાતની મહિલાઓને મેનોપોઝ વિશે સભાન કરી અનેક ઘરોમાં શાંતિ લાવનાર “મેનોપોઝ-ગુરુ” જે આજકાલ અમ્રિત-મંગલ-ચેરીટેબલ-ટ્રસ્ટ દ્વારા બસમાં હરતું-ફરતું બાળ-સંસ્કાર-કેન્દ્ર બનાવી “એજ્યુકેશન-ઓન-વ્હીલ” અને “ડીસ્પેન્સરી-ઓન-વ્હીલ” નામના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે તેવા ડોક્ટર કલાબેન અશોકભાઈ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ સુરેન્દ્રનગરમાં, પિતા રજવાડામાં વકીલ હતા, માતા ભણેલી હતી. ઘરમાં ભણતરનું ઘણું મહત્વ હતું. સાત બહેનો અને એક ભાઈ. તેઓ સૌથી નાના. તેમનો, સાતમી દીકરીનો જન્મ થયો ત્યારે ગામ-લોકો કહેતાં: “વકીલને ત્યાં સાતમો પથરો પાક્યો” પણ પિતા ગર્વથી કહેતા: “મારી આ દીકરી સમાજનો ઉદ્ધાર કરવા આવી છે!”
અભ્યાસ સુરેન્દ્રનગરમાં અને અમદાવાદમાં. સહાધ્યાયી ડોક્ટર અશોકભાઈ(બાળકોના સર્જન) સાથે પ્રેમલગ્ન કર્યા,તરત આગળ ભણતર માટે ઇંગ્લેન્ડ ગયાં. થોડાં વર્ષો અમેરિકામાં મેડિકલ-પ્રેક્ટિસ કરી ભારત પાછાં આવ્યાં. ૮૧માં નારણપુરા-નર્સિંગ-હોમ શરૂ કરી પ્રાઇવેટ-પ્રેક્ટિસ જમાવી. દસ વર્ષ બાદ પોતાના અનુભવોથી પ્રેરાઈને “મેનોપોઝ-ક્લિનિક” અને ક્લબ શરૂ કર્યાં, અનેક મહિલાઓને મેનોપોઝ માટે જાગૃત કરી. “કથા-ચાલીસી” નામની ટીવી-સિરીયલ અને “મનોરંજક-મેનોપોઝ”, “દંપતી-મેનોપોઝ” જેવા પ્રોગ્રામ કર્યા અને દેશમાં ગરબા-કવાલી-ડ્રામા-ભવાઈ દ્વારા ગુજરાતી અને હિન્દીમાં મેનોપોઝની સભાનતા લાવ્યાં. કલાબેનના કામમાં ઘણી વિવિધતા આવી છે. “બાળકોને સુધારીશું તો જ યુવાવર્ગ સુધરશે” તેવું તેમને લાગે છે અને એટલે તેમણે હરતું-ફરતું બાળ-સંસ્કાર-કેન્દ્ર શરૂ કર્યું છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નિવૃત્ત થયાં જ નથી! સતત એક્ટિવ છે! 80વર્ષે નવું ટ્રસ્ટ સ્થાપ્યું છે, 15 પ્રોજેક્ટમાં કામ કરી રહ્યાં છે. શરીરને સાચવીને કામ કરે છે. યોગ-પ્રાણાયામ-કસરત અને રોજ લગભગ એક માઈલ ચાલે. પછી ટ્રસ્ટનું અને સમાજનું કામ કરે. રોજ કોઈને-કોઈ કામ માટે બહાર જવાનું થાય. પછી મસાજ કરાવી નાહી-ધોઈને બપોરે બે વાગે જમવા પામે! થોડોક આરામ કરે. કાઉન્સિલિંગ માટે સાંજે લોકો મળવા આવે.
શોખના વિષયો :
નાટક કરવા ગમે, નૃત્ય કરવું ગમે અને બોલવાનો તો બહુ જ શોખ! તેમના મનોરંજન-કાર્યક્રમમાં તેઓ સ્ટેજ ઉપર છવાઈ જાય!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
ઘણા રોગ છે! પણ સંકલ્પ કર્યો છે કે સરસ રીતે જીવવું છે એટલે તબિયત સારી છે! માનસિક અને શારીરિક રીતે જતું કરવાની ભાવના હોય, “હશે-થશે -ફાવશે-ચાલશે અને ગમશે ” એ ભાવના અપનાવી લો તો કોઈપણ પરિસ્થિતિમાં વાંધો આવતો નથી.
યાદગાર પ્રસંગ:
આ વર્ષે બાલ-દિને બસનાં બાળકોની ચિત્ર-હરીફાઈ રાખી હતી. નાનાં-નાનાં બાળકોએ માત્ર સાત મિનિટમાં સુંદર ચિત્રો બનાવી કમાલ કરી હતી! કલાબહેનનું માનવું છે કે કોઈપણ વિષય કરતાં સંસ્કારની કિંમત વધુ છે, બાળકોમાં સંસ્કાર આવે તો યુવાવર્ગ અને મા-બાપ પણ સુધરે. દારૂ-મસાલા-ગુટકા અટકાવી શકાય, વ્યસનો છોડાવી શકાય.
અશોકભાઈની તબિયત ખરાબ હતી,ગાડીમાં ઓક્સિજનના-બાટલા અને નાકમાં ઓક્સિજનની-નળીઓ સાથે વ્હીલ-ચેરમાં અશોકભાઈ છેલ્લા દિવસ સુધી સ્પોર્ટ્સ-ક્લબમાં જતા. કલાબહેન પણ તે વખતે વોકર ઉપર હતાં! આ યુગલનો જુસ્સો કાબિલે-તારીફ હતો! 2019માં અશોકભાઈનું પલ્મોનરી-ફાયબ્રોસિસના કારણે મૃત્યુ થયું. અશોકભાઈને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેઓ થોડા દિવસના મહેમાન છે. સગા-વહાલાં-વસ્તુઓનો મોહ છોડી તેઓ શાંતિથી મૃત્યુ પામ્યા.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
જાતે જ શીખીને મોબાઈલ-લેપટોપ પર ઘણું કામ કરે છે. ધીરજ અને “કંઈક કરવાનો” સંકલ્પ હોય તો કોઈ પણ વ્યક્તિ ક્યારેય ઘરડી થતી નથી! ઘરડું શરીર થાય, આત્મા નહીં! ટેકનોલોજી વાપરતા આવડે તો અમૃત છે, ન આવડે તો ઝેર!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ઓહોહો! બાળકો, કિશોરો, યુવાનો, બધામાં બદલાવ લાગે છે! ખરેખર તો જમાનો નથી બદલાયો પણ તમે મેન્ટાલીટી ચેન્જ નથી કરી તેથી તમને બદલાયેલો લાગે છે! કલાબહેન બાળકો સાથે ક્રિકેટ-બેડમીંટન રમે છે એટલે તેમને બદલાયેલો સમય સ્વીકારવામાં કોઈ તકલીફ પડતી નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બંને દીકરા, બંને વહુઓ અમેરિકામાં ડોક્ટર છે, ચાર પૌત્ર-પૌત્રીઓ છે, બધાં સાથે સરસ કોમ્યુનિકેશન છે. તેઓ માને છે કે આજના યુવાનો બધી રીતે સારા છે, તેમની પાસે ઘણી એનર્જી છે, તેઓ ખૂબ બીઝી છે. ફક્ત જરૂર છે તેમણે મા-બાપ માટે રોજની પાંચ મિનિટ કાઢવાની. મા-બાપના હાથ પકડી તેમની સાથે બેસવું જોઈએ. મા-બાપ અત્યારે તેમનાં બાળકો સમાન છે અને તેમણે તેમનું ધ્યાન રાખવું જોઈએ!
સંદેશો :
નિવૃત્તિમાં શું કરવું તે નિવૃત્ત થવાના દસ વર્ષ પહેલાથી વિચારો. જિંદગીના છેલ્લા તબક્કામાં મૃત્યુ માટે, પોતાની જાતને તૈયાર કરો. સગાં-વહાલાં-વસ્તુઓથી અલિપ્ત થતા જાવ અને પરિસ્થિતિને અનુકૂળ થાવ.